Get The App

દીવાર: મેરે પાસ માં હૈ...

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
દીવાર: મેરે પાસ માં હૈ... 1 - image

- અમિતાભ બચ્ચનની એન્ગ્રી યંગ મેન તરીકેની ઇમેજ સજ્જડ કરવામાં 'દીવાર'નો બહુ મોટો ફાળો છે. રોમેન્ટિક ફિલ્મોના બાદશાહ યશ ચોપડા 'દીવાર' જેવી ફિલ્મ પણ બનાવી જાણે છે તે કેવી ગજબની વાત! જેની ગણના સર્વકાલીન શ્રેષ્ઠતમ સ્ક્રિપ્ટ્સમાં થાય છે તેવી આ ફિલ્મ લખતાં સલીમ-જાવેદને માત્ર 18 દિવસ લાગ્યા હતા...

અમિતાભ બચ્ચન ગુસ્સામાં પૂછે છે, 'આજ મેરે પાસ બિલ્ડિંગે હૈ, પ્રોપર્ટી હૈ, બેંક બેલેન્સ હૈ, બંગલા હૈ, ગાડી હૈ, ક્યાં હૈ, ક્યાં હૈ તુમ્હારે પાસ..?' અને સામેથી જવાબ આવે છે,'માય પીપલ'. ના, ના, ના. આ જવાબ શશી કપૂર નથી આપતા. આ તો ન્યુ યોર્કના મેયર પદની ચૂંટણી લડી રહેલા ઝોહરાન મમદાની આપી રહ્યા છે. ડેમોક્રેટિક પાર્ટીના સાથી ઉમેદવારને પછાડવા માટે તેમણે બોલિવુડ ફિલ્મ 'દીવાર'ના ફેમસ ડાયલોગનો સહારો લીધો હતો. વિચાર કરો કે પચાસ વર્ષ પહેલાં બનેલી 'દીવાર' ફિલ્મ એ જમાનામાં કેટલી હદે પોપ્યુલર થઈ હશે. આજની તારીખે મુંબઈથી ૧૨,૫૪૩ કિમી દૂર ન્યુ યોર્ક શહેરના મેયરપદ  માટેની ચૂંટણીમાં તેના ડાયલોગનો ઉપયોગ થઈ રહ્યો છે.! 

બોલિવુડમાં એવી અનેક ફિલ્મો આવી છે જેણે દાયકાઓને વ્યાખ્યા આપી છે. જેમ કે, ૧૯૫૭માં રિલીઝ થયેલી દિલીપકુમાર અને વૈજયંતીમાલાની ફિલ્મ 'નયા દૌર' એવા સમયે આવી હતી, જ્યારે મજૂરોને યાંત્રિકીકરણને કારણે નોકરી ગુમાવવાનો ડર હતો. આ ફિલ્મ જેવી થિયેટરોમાં આવી કે, ચિંતામાં ડૂબેલી જનતાને લાગ્યું કે તેમની વાત કોઈ તો સાંભળી રહ્યું છે. ત્યારબાદ મિલો ધમધમવા લાગી હતી. બે-બે શિફ્ટમાં કામ કરી રહેલા કામદારો ફરિયાદ કરતા હતા કે એમનું શોષણ થઈ રહ્યું છે. નોકરી ગુમાવવાના ડરમાં ખોટું સહન કરનારાઓને જરૂર હતી તેમના પ્રશ્નો ઉઠાવનારની. બસ... ત્યારે જ, ૧૯૭૦ના દાયકામાં, જન્મ થયો એક એન્ગ્રી યંગ મેનનો! આ એન્ગ્રી યંગ મેન મને-કમને જુલ્મો સહન કરનારા દરેક સામાન્ય માણસના દબાયેલા ગુસ્સાનું પ્રતીક હતો. તે ક્યારેક સિસ્ટમથી પીડિત છે તો ક્યાંક સમાજ દ્વારા તરછોડાયેલો છે, તો ક્યાંક બેરોજગારીના ભાર નીચે દબાયેલો છે. તે પોતાની માતા, પરિવાર અને સ્વાભિમાન માટે જાગી ઉઠે છે અને પોતાનો અવાજ બુલંદ કરે છે. દર્શકોને લાગે છે કે, તેમનો અવાજ ઉઠાવનાર કોઈ તો છે. આ એન્ગ્રી યંગ મેનની ભૂમિકાએ જ અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર બનાવ્યા છે. એટલે, જ્યારે 'દીવાર'માં બચ્ચન બોલે કે, 'મૈં આજ ભી ફેંકે હુએ પૈસે નહીં લેતા', ત્યારે જાણે થિયેટરમાં ભારત વર્લ્ડ કપ જીત્યો હોય તેવો માહોલ સર્જાતો. 'યે પુલિસ સ્ટેશન હૈ તુમ્હારે બાપ કા ઘર નહીં...' (ઝંઝીર), 'આજ મેરે પાસ બિલ્ડિંગે હૈ, પ્રોપર્ટી હૈ, બેંક બેલેન્સ હૈ, બંગલા હૈ, ગાડી હૈ, ક્યા હૈ, ક્યા હૈ તુમ્હારે પાસ...(દીવાર)'... આ ડાયલોગ્સ ફક્ત ડાયલોગ નહોતા રહ્યા, તે જે-તે સમયે અન્યાય વિરૂદ્ધનો અવાજ બન્યા હતા. 'શોલે'થી ફિલ્મી દુનિયામાં સેટ થઈ ચૂકેલા બચ્ચને 'દીવાર'માં ધમાકેદાર બેટિંગ કરી હતી. આ ઈનિંગ્સને કારણે જ બચ્ચન સદીના મહાન સુપરસ્ટાર બન્યા છે. 

યશ ચોપરાનું ડિરેક્શન

સમય સાથે તાલથી તાલ મિલાવવાનું કોઈ યશ ચોપરા પાસેથી શીખે. ૧૯૫૯માં 'ધૂલ કા ફૂલ' સાથે તેમણે સામાજિક સહિષ્ણુતાનો મેસેજ આપ્યો હતો. આ ફિલ્મનું સોંગ 'તુ હિંદુ બનેગા ના મુસલમાન બનેગા...' સેક્યુલરિઝમની એન્થમ બની ગયું હતું. ૧૯૬૫માં તેમણે 'લોસ્ટ એન્ડ ફાઉન્ડ'ની ફોર્મ્યુલા સાથે 'વક્ત' ફિલ્મ બનાવી હતી. 'દીવાર'થી એમણે અમિતાભની એન્ગ્રી યંગ મેનની ઇમેજને વધારે મજબૂત બનાવી. આ પણ સમયનો જ તકાજો હતો. આ ફિલ્મના એક વર્ષ બાદ તેઓ એન્ગ્રી યંગ મેન અમિતાભ બચ્ચનને 'કભી કભી'માં રોમેન્ટિક હીરો તરીકે લઈ આવ્યા. આ ગજબનું વિઝન જ યશ ચોપરાને હિન્દી સિનેમાના ઓલ-ટાઇમ-ગ્રેટ ડિરેક્ટર્સમાં સ્થાન અપાવે છે.

સલીમ-જાવેદની જોડી અને સિંહાસન

૧૯૭૦ના દાયકામાં સિસ્ટમ સામે લડનારા હીરોની જરૂર હતી. લેખકજોડી સલીમ-જાવેદ એક દિવસ 'બોમ્બે ટુ ગોવા' ફિલ્મ જોઈ રહી હતી. ત્યાં જ તેમને પોતાના વિઝન પ્રમાણને હીરો અમિતાભ બચ્ચન મળી ગયો. 'દીવાર' પહેલા ઘણી ફ્લોપ ફિલ્મો આપનાર અમિતાભ માટે આ જોડી જીદે ચઢી હતી.  તેમની તાકતનો અંદાજો લગાવવો હોય તો તેમના કારનામા જાણવા પડે. 'દીવાર' માટે પ્રોડયુસર ગુલશન રાયે સુપરસ્ટાર રાજેશ ખન્નાને સાઈન કરી લીધા હતા, પરંતુ સલીમ-જાવેદે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, આ ફિલ્મ બનાવી હોય તો બચ્ચન જોઈએ. આ જોડીએ જ રાજેશ ખન્નાને સિંહાસન પરથી ઉતારીને 'વિજય'ને સ્થાપિત કરી દીધો હતો. 'ત્રિશુલ', 'દીવાર', 'ઝંઝીર' અને 'શક્તિ'નો વિજય (અમિતાભ બચ્ચન) દર્શકોના દિલ દિમાગ પર છવાઈ ગયો હતો. એક ઈન્ટરવ્યુમાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે, રાજેશ ખન્ના સાથે અમે 'અંદાઝ' અને 'હાથી મેરે સાથી' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. એક એવો સમય આવ્યો હતો કે, રાજેશ ખન્ના ચાપલુસો અને હામાં હા કહેનારાઓથી ઘેરાયેલા રહેતા હતા એટલે અમને લાગ્યું કે, તેમનો સમય હવે પૂરો થયો. હવે, બચ્ચન યોગ્ય પસંદગી છે.

તેમણે બચ્ચનને સુપરસ્ટાર બનાવવામાં કોઈ કસર છોડી નહોતી. 'મૈ આજ ભી ફેંકે હુએ પૈસે નહીં ઉઠાતા....' ઉપરાંત 'તુમ લોગ મુઝે વહાં ઢૂંઢ રહે હો ઔર મે તુમ્હારા યહાં ઈન્તેઝાર કર રહા હંૂ...', 'આજ ખુશ તો બહુત હોગે તુમ...', 'જાઓ પહેલા ઉસ આદમી કા સાઈન લેકર આઓ જીસને મેરે બાપ સે સાઈન લીયા થા... પહેલે ઉસ આદમી કા સાઈન લેકર આઓ જિસને ગાલી દેકર મેરી મા કો નોકરી સે નિકાલ દિયા થા... જાઓ પહેલે ઉસ આદમી કા સાઈન લેકર આઓ જીસને મેરે હાથ પે યે લિખ દિયા થા... ઉસ કે બાદ મેરે ભાઈ તુમ જીસ કાગઝ પર કહોગે મે સાઈન કર દૂંગા...' આ બધા સંવાદો આજે પણ બચ્ચનના ચાહકોને કડકડાટ યાદ છે. 

અજબ કથા ગજબ પટકથા 

  હિન્દી સિનેમાની સર્વકાલીન શ્રેષ્ઠતમ પટકથાઓમાં 'દીવાર'નો સમાવેશ થાય છે.  મજા જુઓ કે 'દીવાર'ની સ્ક્રિપ્ટ લખવામાં સલીમ-જાવેદને માત્ર ૧૮ દિવસનો સમય લાગ્યો હતો.  ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો, વાતની શરૂઆત નાનકડા શહેરમાં થાય છે. આનંદ વર્મા મજૂરોના હક માટે લડાઈ લડી રહ્યો છે. ત્યાં જ મિલ માલિક તેની પત્ની અને બાળકો વિજય-રવિનું અપહરણ કરી લે છે. આનંદ મજૂરોની વિરૂદ્ધના નિર્ણય પર સહી કરવા મજબૂર થાય છે. આ ઘટના બાદ આનંદ શરમથી ભાગી જાય છે. સુમિત્રા મજૂરી કરીને એકલાં હાથે બાળકોને મોટા કરે છે. ગુસ્સે ભરાયેલા મજૂરો વિજયના હાથ પર 'મેરા બાપ ચોર હૈ..'નું ટેટુ બનાવી દે છે. બાળપણનો આ ઘા જીવનભર સાથે રહે છે. વિજય ગુનેગારીનો માર્ગ પસંદ કરે છે. ભાઈ રવિને ભણાવવા માટે તે ભણતર છોડીને ડોકયાર્ડમાં કૂલીની નોકરી કરે છે. ત્યાર બાદ, સ્મગલર દાવર સાથે મળીને ગુનેગારીનું સામ્રાજ્ય ઊભું કરે છે. બીજી તરફ, ભાઈ રવિ પ્રેમિકા વીરાના પિતાની મદદથી પોલીસ ઓફિસર બને છે. ગુનેગાર ભાઈ વિજયની ધરપકડ કરવાની જવાબદારી તેને જ સોંપવામાં આવે છે. પુલની નીચે બંને ભાઈઓ વચ્ચેનો ઝઘડો ફિલ્મનું ઈમોશનલ સેન્ટર છે. ૭૮૬નો બિલ્લો,  જે ભગવાનને નકાર્યા હતા તેને માના જીવન માટે પ્રાર્થના અને ત્યારબાદ ભાઈની ગોળીથી ઘાયલ થઈને માતાના ખોળામાં મૃત્યુ... પબ્લિક માટે આ સઘળાં અતિ ઇમોશનલ દ્રશ્યો હતાં.  

શું તમે જાણો છો?

મંદિરનો સ્પેશિયલ સીન : મંદિરનો આઈકોનિક શોટ કે જેમાં વિજય તેની માતા માટે પ્રાર્થના કરે છ,ે તે સિંગલ ટેકમાં ઓકે થઈ ગયો હતો. મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં બચ્ચન એટલી હદે ઈમોશનલ થઈ ગયા હતા કે ફિલ્મનું ક્ મિનિટો સુધી શાંત ઊભું રહ્યું હતું.

પરવીન બાબીનું કાસ્ટિંગ: વિજયની મોડર્ન અને ઈન્ડિપેન્ડન્ટ ગર્લફ્રેન્ડના રોલ માટે પહેલા રાખીની પસંદગી કરાઈ હતી, પરંતુ રાખી અન્ય ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી પરવીન બાબીનો ચાન્સ લાગ્યો. આ સાથે જ પરવીને ફિમેલ કેરેક્ટરને એક નવી વેસ્ટર્ન પર્સનાલિટી આપી. 

આર ડી બર્મનનું મિનીમલિઝમ : 'યાદો કી બારાત' જેવી ફિલ્મમાં વાઈબ્રન્ટ મ્યુઝિક આપી ચૂકેલા આર.ડી. એ દીવાર માટે મિનીમલ બેકગ્રાઉન્ડ મ્યુઝિક રાખ્યું હતું. હીરોની ટ્રેડિશનલ થીમ વગર પણ વિજય દમદાર લાગે છે.

સિક્વલનો પ્લાન : સલીમ-જાવેદ ઈચ્છતા હતાં કે, આ ફિલ્મનો સિક્વલ આવે, જેમાં રવિ (શશી કપૂર)ની લાઈફ પર ફોક્સ કરવામાં આવે, પણ યશ ચોપરાને લાગ્યું કે વિજયના મોત બાદ સિક્વલમાં મજા નહીં આવે.

ફેમસ બ્રિજ સીન માટે પ્રેરણા:  બ્રિજની નીચે શૂટ કરવામાં આવેલો 'મેરે પાસ મા હૈ...' સીન સલીમ-જાવેદ વચ્ચે કૌટુંબિક મૂલ્યોને લઈને થયેલી તૂતૂમૈમૈનું પરિણામ હતો.

 બોક્સ ઓફિસ પર ધમાલ : 'શોલે' જેવી ફિલ્મ સામે ટક્કર છતાં 'દીવાર' ૫૦ અઠવાડિયા સુધી મુંબઈના થિયેટરોમાં ચાલી હતી અને તેણે કરોડોની કમાણી કરી હતી. 

નિરુપા રોયનું ટાઈપકાસ્ટિંગ : સુમિત્રાના રોલના કારણે નિરુપા પોય બોલિવુડની પ્રિય મા બની ગયાં. ત્યારબાદ તેઓ અનેક ફિલ્મોમાં બચ્ચનની મા તરીકે જોવા મળ્યાં હતાં.

હાજી મસ્તાન : 'દીવાર'ના ફિલ્માંકન પહેલાં અમિતાભ બચ્ચન સ્મગલર હાજી મસ્તાનને મળ્યા હતા. અમિતાભે તેની આંખોની નકલ કરીને વિજયના પાત્રને ભાવનાત્મક ઊંડાણ આપ્યું હતું. 

પ્રતિષ્ઠિત લિસ્ટમાં સામેલ : આ ફિલ્મને '૧૦૦૧ મૂવીઝ યુ મસ્ટ સી બિફોર યુ ડાઈ (૨૦૧૭)'ના લિસ્ટમાં 'મધર ઈન્ડિયા'ની સાથે સામેલ કરવામાં આવી છે.

મીમ તરીકે અમર : 

'મેરે પાસ મા હૈ..' લાઈન આજની તારીખમાં અનેક મીમ્સમાં જોવા મળે છે. શશી કપૂર-અમિતાભ બચ્ચનના તે આઈકોનિક સીનના અનેક સ્પૂફ બનાવવામાં આવ્યાં છે. 

એક્શન સીનમાં નવીનતા : કુંગ ફૂ અને ભારતીય રેસલિંગનું મિશ્રણ આ ફિલ્મ બાદ બોલિવુડમાં ખૂબ જોવા મળ્યું.

બિલ્લા નંબર ૭૮૬ : આ ફિલ્મ પછી ઈસ્લામમાં શુભ અંક મનાતો ૭૮૬ અનેક વાર બોલિવુડ ફિલ્મોમાં જોવા મળ્યો.

 ફિલ્મની રીમેક : હોંગકોંગના શો બ્રધર્સે ૧૯૭૯માં 'દીવાર'ની રીમેક 'ધ બ્રધર્સ' બનાવી હતી. 'ધ બધર્સ' પરથી જ્હોન વૂનીએ 'અ બેટર ટુમોરો' માટે પ્રેરણા લીધી હતી. આ સિવાય તેલુગુ ફિલ્મ 'માગાડુ' (૧૯૭૬), તમિલ ફિલ્મ 'થ્રી' (૧૯૮૧) મલ્યાલમ ફિલ્મ 'નથી મુથલ નથી વારે' (૧૯૮૩), પસયન મૂવી 'કૂસે યૂ જૂનૂબ' (૧૯૭૮) અને ટકશ મૂવી 'એસલારિન કોકુગુ' (૧૯૮૫) 'દીવાર'ની જ રીમેક છે.