દીપિકા પાદુકોણ : હીરો કરે તો લીલા અને અમે કરીએ તો નખરાં!

- 'કેટલાક પુરૂષ સુપરસ્ટાર્સ વર્ષોથી આઠ કલાકની શિફ્ટને દ્રઢતાથી વળગી રહ્યા છે. આમ છતાં તેમના આવા આગ્રહને કારણે ક્યારેય હોબાળો મચ્યો નથી.'
દીપિકા પાદુકોણ છેલ્લાં કેટલાક વખતથી એક પછી એક વિવાદમાં સપડાતી રહી છે. આઠ કલાકની શિફ્ટ પછી 'કલ્કિ ૨૮૯૮ એડી' ની સિક્વલમાં હકાલપટ્ટી જેવી બાબતોને પગલે તેની પ્રોફેશનલ લાઈફ વિવાદોથી ઘેરાયેલી છે. આમ છતાં દીપિકાને જાણે કોઈ વાતથી ફરક જ નથી પડતો. તે કહે છે કે હું સાચા મુદ્દા ઉઠાવી રહી છું. તાજેતરમાં દીપિકાએ એક મીડિયા હાઉસને ઈન્ટરવ્યુ આપતી વખતે આઠ કલાકની શિફ્ટનો મુદ્દો ફરીથી ઉપાડયો હતો. તેણે કહ્યું હતું, 'ભારતીય ફિલ્મોદ્યોગને તેની કામ કરવાની પધ્ધતિ માટે 'નિર્દયી' કહીએ તોય તે વધારે પડતું નહીં ગણાય. આ ઈન્ડસ્ટ્રીની 'હોતા હૈ, ચલતા હૈ' પ્રકારના એટિટયુડને રીતને તિલાંજલિ આપવાનો સમય પાકી ગયો છે. અહીં અભિનેત્રીઓ અને અભિનેતાઓ વચ્ચે દરેક બાબતે પક્ષપાત-ભેદભાવ કરવામાં આવે છે.'
દીપિકાએ પોતાની આ વાત વધુ સ્પષ્ટ કરતાં કહ્યું હતું, 'એ વાત સૌ જાણે છે કે ઈન્ડસ્ટ્રીના કેટલાક પુરુષ સુપરસ્ટાર્સ વર્ષોથી આઠ કલાકની શિફ્ટને દ્રઢતાથી વળગી રહ્યા છે. આમ છતાં તેમની આવા આગ્રહને કારણે ક્યારેય હોબાળો મચતો નથી. પરંતુ મેં મારી લડત બહુ શાંતિથી લડવાનું શીખી લીધું છે.'
કહેવાની જરૂર નથી કે દીપિકા અત્યાર સુધી એવા મુદ્દા ઉપાડતી આવી છે જેના તરફ આંગળી ચીંધવાની ચીંધવાની હિમ્મત ભાગ્યે જ કોઈ હિરોઈને કરી છે. અદાકારા કહે છે, 'હું હમેશાં વિચિત્ર કહી શકાય એવા મુદ્દે બહુ શાંતિથી લડતી રહી છું. હા, કોઈક વખત તેના વિશે જાહેરમાં ચર્ચા પણ થઈ છે. આમ છતાં એક વાત ચોક્કસ છે કે મેં સામે ચાલીને ક્યારેય આ મુદ્દા વિશે હોબાળો મચાવવાનો પ્રયાસ નથી કર્યો. મેં મારી લડત ગરિમા જાળવીને ચલાવી છે.'
દીપિકાને લાગે છે કે એ જે મુદ્દે વિરોધ કરે છે તે જેટલા લાગે છે એટલા નાના ખરેખર છે નહીં. અભિનેત્રી કહે છે, 'આઠ કલાકની શિફ્ટનો મુદ્દો બહુ મોટો છે. આપણે એક તરફ ફિલ્મોદ્યોગને ઉદ્યોગનો દરજ્જો આપી રહ્યા છીએ, પરંતુ અહીં કોઈ જાતનું આયોજન નથી. જો આપણે ભારતીય ફિલ્મોદ્યોગને ખરેખર ઈન્ડસ્ટ્રી ગણતા હોઈએ તો તે સુનિયોજિત હોવી જોઈએ. પરંતુ અહીં ઈન્ડસ્ટ્રીની એકેય રીત લાગુ પાડવામાં કોઈને રસ નથી. અહીં મોટાભાગનું કામ યોગ્ય પ્લાનિંગ વિના જ ચાલે છે. સમય પાકી ગયો છે કે અહીં અન્ય ઉદ્યોગો જેવી પધ્ધતિ અપનાવવામાં આવે...'

