દીપક ડોબ્રિયાલ : પાતળિયો કલાકાર... પાણીદાર પર્ફોર્મર
- 'સિનેમા અને અભિનય સાહસના ખેલ છે. કાંઈક અલગ કરવા માટે પણ હિમ્મત જોઈએ. ચાહે તે ઈમોશનલ ડેરિંગ હોય, વિચારોની ડેરિંગ હોય કે પછી કૌશલ્યની.'
'ત નુ વેડ્સ મનુ'માં 'પપ્પીજી'ની ભૂમિકા ભજવનાર અભિનેતા દીપક ડોબ્રિયાલની સિનેમા પસંદ કરવાની રીત તદ્દન વેગળા પ્રકારની છે. સામાન્ય રીતે કોઈ કલાકારને ચોક્કસ રોલમાં પસંદ કરવામાં આવે ત્યારે તેને એવાં જ પાત્રોની ઑફર થયા કરે. આવી સ્થિતિમાં ઘણા કલાકારો એ ઑફરો ઝાઝી આનાકાની કર્યા વિના સ્વીકારી લે. આમ પોતાની ચોક્કસ ઈમેજની રોકડી કરવામાં તેમને કશું અજુગતું ન લાગે. જ્યારે કેટલાક કલાકારો ટાઇપકાસ્ટ ન થઈ જાય એમ વિચારીને આવી ઑફરો સહજતાપૂર્વક પાછી વાળી દે.
દીપક ડોબરિયાલ નોખી માટીનો માણસ છે. તેણે 'પપ્પીજી'ની લોકપ્રિય બનેલી ઈમેજ તોડવા કૉમેડીમાંથી જ બ્રેક લઈ લીધો. વાસ્તવમાં આવું પગલું ભરવા પાછળનો તેનો ઉદ્દેશ્ય તેને આવા રોલ ઑફર જ ન થાય એવો હતો. અભિનેતા કહે છે, 'એક કલાકાર માટે તેનું માન-સન્માન સૌથી ઉપર હોય છે. તે ક્યારેય એમ ન ઇચ્છે કે ફિલ્મોદ્યોગમાં તેના માન-સન્માન ઓછાં થાય. જ્યારે તમે એકસમાન પાત્રો ભજવ્યા કરો ત્યારે તમારી કિંમત ન રહે. હું મારું મૂલ્ય ઓછું કરવા નહોતો માગતો તેથી એવી જાહેરાત કરી કે મેં કૉમેડી રોલ કરવાનું છોડી દીધું છે... પરંતુ કોવિડ કાળમાં મને લાગ્યું કે ચારેકોર ઉદાસી ફેલાયેલી છે અને લોકોને હસાવવાની જરૂર છે તેથી મેં ફરીથી કૉમેડી પાત્રો ભજવવા માંડયા. મેં 'ગુડ લક જેરી' જેવી કેટલીક કૉમેડી ફિલ્મ સાઈન કરી. આમ સમયને આધીન થઈને મેં નિર્ણય બદલ્યો.'
તાજેતરમાં ઓટીટી પર રજૂ થયેલી ફિલ્મ 'સેક્ટર ૩૬'માં અભિનેતાએ ઇન્સપેક્ટર રામચરણ પાંડેની ગંભીર ભૂમિકા ભજવી છે. અભિનેતા કહે છે, 'આ ફિલ્મમાં મને પહેલી વખત ખાખી વરદી પહેરવાનો અવસાર મળ્યો. અત્યાર સુધી લગભગ બધા જ કલાકારોએ ક્યારેકને ક્યારેક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી જ હશે. પરંતુ મને આ તક બહુ મોડી મળી. સ્વાભાવિક રીતે જ મને આ કિરદાર એકદમ નોખી રીતે રજૂ કરવું હતું. તેથી મેં આ પાત્રને શી રીતે નિભાવવું તેનો સમગ્રતયા વિચાર કરવાને બદલે રોજેરોજ વિચારતો. અને મને રોજ જે અનુભૂતિ થતી તે મુજબ કેમેરા સામે અભિનય કરતો. ખરૃં કહું તો આ કિરદારમાં મેં મારી સગળી આવડત નીચોવી નાખી છે.'
અભિનેતાને થિયેટરમાં કામ કરવાનો બહોળો અનુભવ હોવા છતાં તેની દુબળી-પાતળી કાયાને પગલે તેને બૉલિવુડમાં ઝટ કામ નહોતું મળતું. અને જ્યારે દીપકને કામ મેળવા સંઘર્ષ કરવો પડતો હતો ત્યારે તેને એમ લાગતું હતું કે તે અહીં કામ કરવાની લાયકાત નથી ધરાવતો. નહીં તો તેને કોઈ કામ ન મળે એવું શી રીતે બને?
દીપક કહે છે, 'મારે હજી વધુ સારું કામ કરવાની જરૂર છે. જોકે મને નાનાં નાનાં પાત્રો મળવા લાગ્યાં હતાં. પરંતુ તે એટલાં નાનાં રહેતાં કે મારી નોંધ પણ ભાગ્યે જ લેવાતી. પરંતુ હવે સિનેજગતમાં ઘણું પરિવર્તન આવી ગયું છે. ફિલ્મ સર્જકો કલાકારો સાથે નવા નવા પ્રયોગો કરે છે. મારા મતે સિનેમા અને અભિનય સાહસના ખેલ છે. જ્યારે ઘણાં લોકો એક જ કામ કરતાં હોય ત્યારે એ જુદી જુદી રીતે થવું જોઈએ. અલબત્ત, કાંઈક અલગ કરવા માટે પણ હિમ્મત જોઈએ. ચાહે તે ઈમોશનલ ડેરિંગ હોય, વિચારોની ડેરિંગ હોય કે પછી કૌશલ્યની. જો મારામાં કાંઈક વેગળું કરવાની ડેરિંગ ન હોત તો હું 'પપ્પીજી'ની ઈમેજ ન તોડી શકત.'
દીપકે 'મકબૂલ'માં પંકજ કપૂર સાથે અને 'હિન્દી મીડિયમ'માં દિવંગત ઇરફાન ખાન જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે. દીપક તેમની સાથે કામ કરવાના અનુભવ વિશે કહે છે, 'તેમની સાથે કામ કરતાં કરતાં જ ઘણું શીખવા મળ્યું. મારી અંદર બેઠેલો કલાકાર મંજાયો. અભિનેતા ઇરફાન ખાનને સંભારતા કહે છે કે આ અભિનેતા સાથે જાણે કે ગિવ એન્ડ ટેક જેવો નાતો થઈ ગયો હતો. હું તેમનો કમ્ફર્ટ ઝોન બની ગયો હતો. તેમની સાથે એક ફિલ્મમાં કામ કર્યા પછી તેમણે મને 'બ્લેકમેલ', 'કરીબ કરીબ સિંગલ' સહિત ચાર ફિલ્મો ઑફર કરી હતી. તેઓ કહેતા કે યાર, દીપકને બોલાવી લો. તેની સાથે કામ કરવાની મઝા આવે છે. તેમનામાં સામી વ્યક્તિમાં ધરબાયેલી આવડત ઓળખી કાઢવાની કાબેલિયત હતી.'
ટૂંકમાં, એમ કહેવું વધારે પડતું નહીં ગણાય કે દીપકને ભલે સંઘર્ષ કરવાની જરૂર પડી, તેને માંડ નજરે પડે એવા મામૂલી રોલ મળ્યા. પણ ધીમે ધીમે તેણે હિન્દી ફિલ્મોદ્યોગમાં પોતાની આવડતનો પરચો બતાવીને પોતાની આગવી છાપ છોડી છે.