Get The App

ડૉનઃ નવી બોટલમાં જૂનો દારૂ .

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
ડૉનઃ નવી બોટલમાં જૂનો દારૂ                   . 1 - image

- મૂળ ફિલ્મથી અલગ અસર ઊભી કરવા ફરહાને અને સંગીતકારોએ અહીં ઔર એક પ્રયોગ કર્યો છે. 'ડૉન - ધ થીમ' અને 'ડૉન રિવિઝિટેડ...' નામની બે સૂરાવલિ વાદ્યસંગીત દ્વારા સર્જી છે. બંને સૂરાવલિ ફિલ્મની કથાને આગળ વધારવામાં પૂરક બની છે એ સર્જકોની સફળતા છે.

ેઇ ફિલ્મ હિટ નીવડે ત્યારે એ બનાવનારા ફિલ્મસર્જકને એની સિક્વલ બનાવવાની ઇચ્છા જાગે છે. સિક્વલ પણ હિટ નીવડે તો ફરી ઔર એક સિક્વલ બને છે. પરંતુ એક ફિલ્મ હિટ નીવડી હોય ત્યારે એ જ ફિલ્મ, એ જ કથા સાથે થોડાં વરસ પછી માત્ર કલાકારો અને 

ટેકનિશિયનો બદલીને ફરી બનાવવામાં આવે. ૨૦૦૬માં ફરહાન અખ્તરે પણ એક રીમેક બનાવી. ૧૯૭૮માં રજૂ થયેલી અને એંગ્રી યંગ મેનના યુગમાં હિટ નીવડેલી ફિલ્મ 'ડૉન' નરીમાન ઇરાનીએ બનાવેલી. એમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ડબલ રોલ ધરાવતા નાયકનો રોલ કરેલો. ચંદ્રા બારોટ એના નિર્દેશક હતા. સલીમ-જાવેદની જોડીએ એની સ્ક્રિપ્ટ તૈયાર કરેલી. ફરહાને આ ફિલ્મ પોતાના બાળપણમાં જોયેલી. એને એ ફિલ્મ એટલી બધી ગમેલી કે પોતે અભિનેતા ફિલ્મસર્જક બન્યો ત્યારે એ જ ફિલ્મ અને એ જ કથા રાખીને ફરી બનાવવા તૈયાર થયો. એના કવિ-ગીતકાર પિતાએ એક સૂચન કર્યું કે મૂળ કથામાં સહેજ ફેરફાર કરીને આજના ઓડિયન્સને આકર્ષે એવી સ્ક્રિપ્ટ તૈયાર કરીએ. પિતા-પુત્રે સાથે બેસીને સ્ક્રિપ્ટ તૈયાર કરી. મૂળ ડૉનનું સંગીત કલ્યાણજી-આણંદજીનું હતું. અહીં એ જવાબદારી શંકર- એહસાન-લોયને સોંપી. જોકે મૂળ ફિલ્મનાં બે-ત્રણ ગીતો યથાવત્ રાખ્યાં અને એકાદ ગીત નવું ઉમેર્યું. શંકર-એહસાન-લોયે જૂનાં ગીતોની તર્જ પોતાની રીતે સ્વરાંકિત કરી. એ ગીતો પણ હિટ થયાં. નવું ગીત પણ હિટ નીવડયું.

અહીં એક આડવાત. મૂળ ડૉનનો નાયક હતો આજનો મેગાસ્ટાર અમિતાભ બચ્ચન. ઊંચી કાયા, ઘેઘૂર કંઠ અને સ્વર-લય એટલે કે સંગીતનું પર્યાપ્ત જ્ઞાાન એ એના પ્લસ પોઇન્ટ. શાહરૂખ ખાન પ્રત્યે પૂરા માન આદર સહિત કહીએ તો એ અમિતાભ બચ્ચનની બરાબરી કરી શકે નહીં. જોકે એક વાત સાચી કે ફરહાને 'ડૉન'ની રીમેક બનાવી ત્યારની યુવાપેઢી માટે શાહરૂખ ખાન આદર્શ હતો. ફરહાનની કોઠાસૂઝ સાચી પણ પડી. શાહરુખ ખાનની 'ડૉન' પણ હિટ નીવડી. ઝીનત અમાનવાળો રોલ પ્રિયંકા ચોપરાએ કર્યો અને ડીસીપીનો મૂળ રોલ જે સદ્ગત ઇફ્તેખારે કરેલો, એ અહીં બમન ઇરાનીએ કર્યો. ફોટોગ્રાફી, લોકેશનની પસંદગી અને ચુસ્ત એડિટીંગ દ્વારા મૂળ ફિલ્મ જેવી અસર સર્જવાનો ફરહાનનો પ્રયાસ ઘણે અંશે સફળ થયો. બોક્સ આફિસે એ હકીકત પુરવાર કરી. ૩૮ કરોડના ખર્ચે બનેલી આ 'ડૉન'એ ૧૦૩ કરોડની આવક કરી. ૨૦૦૬ના વર્ષમાં સૌથી વધુ આવક રળનારી ફિલ્મોની યાદીમાં આ 'ડૉન' પાંચમા ક્રમે હતી. 

ગીત-સંગીતમાં જે ફેરફાર કર્યા એની ઝલક આપણે અહીં માણીએ. મૂળ ફિલ્મનું કિશોર કુમારે ગાયેલું અને અમિતાભ બચ્ચને પોતાની આગવી ડાન્સ સ્ટાઇલથી જમાવેલું એ ગીત 'ખઇ કે પાન બનારસવાલા, ખુલ જાય બંદ અકલ કા તાલા...' અહીં શંકર-એહસાન-લોયે ઉદિત નારાયણને આ ગીત ગાવા માટે પસંદ કર્યા. ઉદિતે સારી જમાવટ કરી છે એ સ્વીકારવું રહ્યું. વચ્ચે વચ્ચે શાહરૂખ કેટલાક બોલ સુણાવે છે.

મૂળ ફિલ્મનું ટાઇટલ ગીત 'અરે દીવાનો, મુઝ કો પહચાનો, મૈં હું ડૉન...' અહીં બે રીતે રજૂ થયું છે. બંને વર્ઝન શાને ગાયાં છે. પહેલું વર્ઝન નોર્મલ સ્વર-લયમાં છે. બીજા વર્ઝનને રિમિક્સ કહેવાને બદલે ફનઇન્ટરનેશનલ મિક્સ તરીકે ઓળખાવાયું છે. 'ખઇ કે પાન બનારસવાલા' અને 'મૈં હું ડૉન' બંને ગીતમાં શાહરૂખે પ્રાણ રેડયા છે. પોતાના અભિનયની અમિતાભ બચ્ચન સાથે તુલના થશે એ હકીકત જાણતો હોવાથી શાહરૂખે પોતાના પાત્રને દીપાવવા ખૂબ પરિશ્રમ કર્યો છે એ હકીકત સ્વીકારવી રહી.

મૂળ ફિલ્મથી અલગ અસર ઊભી કરવા ફરહાને અને સંગીતકારોએ અહીં ઔર એક પ્રયોગ કર્યો છે. 'ડૉન - ધ થીમ' અને 'ડૉન રિવિઝિટેડ...' નામની બે સૂરાવલિ વાદ્યસંગીત દ્વારા સર્જી છે. બંને સૂરાવલિ ફિલ્મની કથાને આગળ વધારવામાં પૂરક બની છે એ સર્જકોની સફળતા છે.

મૂળ કરતાં અલગ દેખાડવા ઔર એક સરસ ગીત અહીં ઉમેર્યું છે. એ ગીત 'બાપ્પા મોર્યા' એટલે કે ગણપતિ બાપાના વિસર્જનને લગતું છે- શંકર મહાદેવનના કંઠે ગવાયેલું એ ગીત એટલે આ- 'મેરે સારે પલછીન, સારે દિન તરસેંગે, સુન લે તેરે બિન, તુઝ કો ફિર સે જલવા દિખાના હોગા, અગલે બરસ આના હૈ, આના હી હોગા...' ખૂબ ભક્તિસભર રચના છે અને શંકરે ભાવપૂર્વક ગાયું છે. પરદા પર તેમજ ઓડિયોમાં એ સાંભળવું ગમે તેવું છે.

નવી પેઢીના દર્શકને ગમે એવું એક ક્લબ સોંગ સોનુ નિગમ, આલિશા ચિનોય અને મહાલક્ષ્મી અય્યરના કંઠે છે- 'શામ હૈ, જામ હૈ ઔર હૈ નશા, તન ભી હૈ, મન ભી હૈ, પીઘલતા હુઆ, છાયી હૈ રંગીનીયાં, ફિર ભી હૈ બેતાબિયાં... આજ કી રાત, ખોના હૈ ક્યા, પાના હૈ ક્યા...' અહીં સંગીતકારોએ ફ્યુઝન કહેવાય એવી તર્જ તૈયાર કરી છે. આ ગીતને જબરી લોકપ્રિયતા મળેલી. 

મૂળ ફિલ્મમાં આશા ભોંસલેના કંઠે હિટ નીવડેલું 'યે મેરા દિલ, પ્યાર કા દીવાના...' બંદિશમાં નજીવા ફેરફાર સાથે અહીં સુનિધિ ચૌહાણના કંઠમાં રજૂ થયું. દર્શકોએ એ ગીતને પણ બિરદાવ્યું એ શંકર-એહસાન-લોયની કામિયાબી કહેવાય.

આમ મૂળ ફિલ્મનો જૂનો શરાબ અહીં નવી બોટલમાં રજૂ કરવામાં આવ્યો અને સિનેરસિકોને પણ એ ભાવ્યો. ફરહાન અખ્તરની ફિલ્મ સર્જક તરીકેની લોકપ્રિયતામાં સારો એવો વધારો થયો એ લટકામાં.