- 'એક્શન સીન્સ શારીરિક ચીજ છે. તમે એક્શન સીન્સ કરો છો ત્યારે દિવસના અંતે તમારાં અંગો થાકી જાય છે, સ્નાયુઓને ડેમેજ થાય છે. રંગભૂમિ અલગ વસ્તુ છે. નાટકો તમને ઇમોશનલી નિચોવી નાખે છે...'
અક્ષય ઓબેરોય હવે યશ સાથેની ફિલ્મ 'ટોક્સિક : એ ફેરિટેલ ફોર ગ્રાઉન્સ-અપ્સ' સાથે દક્ષિણની ફિલ્મમાં પદાર્પણ કરી રહ્યો છે. આ ફિલ્મમાં એક શક્તિશાળી એક્શન હીરોની ભૂમિકા ભજવે છે અને આ માટે તેણે ઘણી બધી તાલીમ પણ લીધી છે. આ ફિલ્મ માટે શુટિંગ પહેલા તેણે એક મહિના સુધી સખત એક્શનની તાલીમ લીધી અને સાથેસાથે ફિલ્મનું શુટિંગ પણ ચાલું રાખ્યું. આ અનુભવને અક્ષય ઓબેરોયે રોમાંચક ગણાવ્યો.
આ સંદર્ભે અક્ષયે જણાવ્યું, 'હું લાંબા સમયથી એક્શન કરી રહ્યો છું. મેં બાળપણમાં પણ માર્શલ આર્ટ્સ શીખી લીધું હતું. આટલું જ નહીં, મારા કોલેજનાં વર્ષો દરમિયાન પણ મેં તાલીમ ચાલુ રાખી હતી. મેં શુટિંગ પહેલાં લગભગ ત્રણ અઠવાડિયાં સુધી સખત શારીરિક તાલીમ સુધ્ધાં લીધી હતી અને આ સઘળું શુટિંગ દરમિયાન ચાલુ જ રહ્યું. અરે આટલું જ નહીં, ચોક્કસ પ્રકારની એક્શન-સિકવન્સ માટે કોરિયોગ્રાફી બીટ્સ શીખવાનો અનુભવ પણ ખૂબ રોમાંચક રહ્યો હતો. અમારી પાસે દુનિયાભરમાંથી એકઠી થયેલી વિશ્વ કક્ષાની એક્શન ટીમ હતી.
તેમની પાસેથી તાલીમ લેવાની અને શીખવાની ખૂબ જ મજા આવી.
એક્શન-સીન્સ માટેની તૈયારી વિશે વાત કરતાં અક્ષય કહે છે, ''ટોક્સિક...'માં એક્શન એક અલગ જ સ્કેલ પર છે. મેં મારી અગાઉની ફિલ્મોમાં એક્શન કરી છે, પરંતુ આ ફિલ્મ બીજા જ સ્તરની છે. કોરિયોગ્રાફી, ડિટેલિંગ, શારીરિક કસરતો, ફક્ત સ્નાયુ જ નહીં, પરંતુ સહનશક્તિ, સમય અને મન-શરીર સમન્વય માટે ડિઝાઈન કરવામાં આવી છે. દિગ્દર્શક અને એક્શન ટીમ પાસે એક ચોક્કસ દ્રષ્ટિ હતી, પોતાના નિયમો હતા.'
પોતાના 'કેજીએફ' ફેમ સહ-અભિનેતા યશ વિશે વાત કરતા અક્ષયે કહ્યું, 'એ તો રોકિંગ-સ્ટાર છે. એ ફિલ્મનો મુખ્ય નાયક છે. અલબત્ત, તેની સાથે એક્શન સીન્સ થયાં તે મસ્ત હતાં. ટીઝર રિલીઝ થઈ ગયું છે અને તમને ફિલ્મ કેટલી મોટી અને રોમાંચક છે તેની ઝલક મળે છે. હું તેના માટે ખૂબ જ ઉત્સાહિત છું.'
અક્ષય અંતે કહે છે, 'એક્શન એક ભૌતિક, શારીરિક વસ્તુ છે. જ્યારે તમે એક્શન સીન્સ કરો છો ત્યારે તમારા જુદા જુદા ભાગો થાકી જાય છે - સ્નાયુઓ ભાંગી જાય છે. જ્યારે તમે ઘરે પહોંચો છો ત્યારે તમે શારીરિક રીતે થાકી ચૂક્યા હો છો. સામે પક્ષે, તમે જ્યારે થિયેટર કરતા હો, નાટકમાં કામ કરતા હો, ત્યારે તમે ઇમોશનલી થાકી જાવ છો. અલબત્ત, જો તમે તમારું કામ યોગ્ય રીતે કર્યું હોય તો વાત જ અલગ છે. આ સ્થિતિમાં તમામ પ્રકારના થાક અપપ્રસ્તુત બની જાય છે.


