કોન્ટેન્ટ, કોમર્સ અને રાજકુમાર રાવ
- 'આજે જો 'ન્યુટન' બની હોત તો લોકો કહેતા હોત કે આ ફિલ્મ તો ઓટીટી માટે છે. હકીકત એ છે કે આ ફિલ્મ ૨૦૧૭માં થિયેટરમાં ખૂબ ચાલી હતી.'
રાજકુમાર રાવ માટે ૨૦૨૩નો પહેલો મહિનો નવાજૂનીના મિશ્રણ સમો રહ્યો છે. તેણે પોતાના પ્રથમ મ્યુઝિક વીડિયો 'અચ્છા સિલા દિયા' માટે શૂટીંગ કર્યું તેમજ હવે સિક્વલ 'સ્ત્રી-૨'ની તૈયારી કરી રહ્યો છે. ૨૦૧૮માં સફળ નીવડેલી 'સ્ત્રી'ની સફળતાને વટાવવી સહેલું કામ નથી. રાજ આ વાત સારી રીતે જાણે છે. એ કહે છે, 'અત્યારે તો લેખનપ્રક્રિયા ચાલી રહી છે. હવે ટૂંક સમયમાં ફિલ્મનું શૂટ પણ શરૂ થઈ જશે. ફિલ્મની જવાબદારી સમજીને ટીમ લેખનકાર્યમાં અતિશય ધ્યાન આપી રહી છે.'
૨૦૨૨માં રાવની ફિલ્મી કારકિર્દી બોલિવુડ જેવી જ રહી, જેમાં માત્ર ગણતરીની ફિલ્મો જ હિટ થઈ હતી. રાવની 'બધાઈ દો' અને 'હિટઃ ધી ફર્સ્ટ કેસ' બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ, જ્યારે તેની ઓટીટી રજૂઆત 'મોનિકા ઓ માય ડાર્લિંગ'ને ધમાકેદાર સફળતા મળી.
આજે જ્યારે મોટા પડદાની ઝાકમઝોળ અને ડિજિટલ પ્લેટફોર્મના અંતરંગ અનુભવ વચ્ચેની ખાઈ વધી રહી છે ત્યારે રાજકુમાર કહે છે, 'ફિલ્મનું મૂલ્યાંકન તેના કોન્ટેન્ટથી થવું જોઈએ, માધ્યમથી નહીં. હું માધ્યમના આધારે ફિલ્મની પસંદગી નથી કરતો, હું વાર્તા પર વધુ ધ્યાન આપું છું. ઉપરાંત કઈ ફિલ્મ ઓટીટી પર રજૂ થવી જોઈએ અને કઈ ફિલ્મ થિયેટરમાં રજૂ થવી જોઈએ તેના નિર્ણયમાં પણ હું દખલગીરી નથી કરતો. આપણે આવી રીતે ફિલ્મોનું વર્ગીકરણ કરવાનું બંધ કરવું જોઈએ. મારા માટે તો ફિલ્મના સર્જનની પ્રક્રિયામાં ખરો આનંદ સમાયેલો છે. મને ખાતરી છે કે આજે જો 'ન્યુટન' (૨૦૧૭) બની હોત તો લોકો કહેતા હોત કે આ ફિલ્મ તો ઓટીટી માટે છે. હકીકત એ છે કે તે થિયેટરમાં ખૂબ ચાલી હતી.'
વીતેલું વર્ષ રાજકુમારને મહત્ત્વના પાઠ શીખવાડી ગયું છે. એ દ્રઢપણે માને છે કે 'બધાઈ દો'ની રજૂઆતની તારીખ જૂદી હોત તો તેને ચોક્કસ લાભ મળ્યો હોત. એ કહે છે, 'ભલે 'બધાઈ દો' હિટ નહોતી થઈ, પણ તે એટલી નિષ્ફળ પણ નહોતી. તે જો થોડી વિલંબથી રજૂ થઈ હોત તો તેને બોક્સ ઓફિસ સફળતા પણ મળી હોત.'
આમ છતાં રાજકુમાર કહે છે, 'હું વીતેલા વર્ષનો હું આભારી છું. કોઈ પણ ફિલ્મ કોન્ટેન્ટ અને કોમર્સનું સચોટ મિશ્રણ હોવું જોઈએ તેવી મારી માન્યતાને વીતેલા વર્ષે વધુ સબળ
બનાવી છે. હવે હું માત્ર એવી જ ફિલ્મો સ્વીકારી રહ્યો છું જેની વાર્તા મને પસંદ હોય. હું મારી જાતને એક એક્ટર તરીકે વિકસાવી રહ્યો છું. જો ફિલ્મનું આર્થિક ગણિત યોગ્ય હશે તો સર્જકે ચિંતા કરવાની જરૂર નહીં રહે. તેણે માત્ર પૂરી નિષ્ઠાથી અને યોગ્ય બજેટથી ફિલ્મ બનાવવા પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. જો કોન્ટેન્ટ સારું હશે તો ફિલ્મ તેનો રસ્તો શોધી લેશે.'