કિસાન કન્યા સાથે ભારતમાં કલર રિવોલ્યુશન
- 'જો બાત મહિનો મે ખુશ્ક તકરીરોં સે નહીં સમજાઈ જા સકતી, ચુટકિયો મે એક ફિલ્મ કે ઝરીયે સે ઝહન-નશીન કરાઈ જા સકતી હૈ....'
- દાસ્તાન-એ-સિનેમા
મોબાઈલ ફોન, આઈપેડના એમોલેડ સ્ક્રીન અને તેમાં અનંત માત્રામાં ડોપામાઈન પૂરું પાડતી એન્ડલેસ સ્ક્રોલિંગ વિરુદ્ધ જનરેશન-ઝીએ મોરચો સાંભળ્યો છે. અનેક દેશોમાં આ જનરેશને સ્માર્ટફોન છોડીને પુશ-બટનવાળા ડમ્બ ફોનને અપનાવ્યો છે. ડમ્બ ફોન એટલે કે, એવો ફોન કે જેમાં કોઈ લેટેસ્ટ એપ નથી કે નથી ઈન્ટરનેટ. ફક્ત ફોન અને મેસેજ કરવા માટે જ યોગ્ય આ પ્રકારના મોબાઈલ ફોનને અમેરિકામાં ૧૬ ટકા જનરેશન-ઝીએ અપનાવ્યો છે. આ કોઈ તેમનો એસ્થેટિક્સ પ્રત્યેનો પ્રેમ નથી કે જે તેમની મોટાભાગની પસંદગીઓ પાછળ જોવા મળે છે. પરંતુ, મેન્ટલ હેલ્થ માટે જરૂરી પગલું છે. મનોવૈજ્ઞાાનિકોએ કરેલા સ્ટડીમાં સામે આવ્યું છે કે, ડમ્બ ફોન તો ઠીક સામાન્ય સ્માર્ટફોનના સ્ક્રીનને બ્લેક એન્ડ વ્હાઈટ મોડ એટલે કે, ગ્રેસ્કેલમાં મૂકવાથી પણ ઈન્સ્ટા, યુટયુબ કે ફેસબુક જેવી એપ્સની કન્ટેન્ટને ઓછી આકર્ષક બનાવીને સ્ક્રીન ટાઈમમાં ઘટાડો લાવી શકાય છે.
તમે વિચારો આ શોર્ટ ફોર્મેટના વિડીયો કે જેને ફક્ત સ્ક્રીનને બ્લેક એન્ડ વ્હાઈટ કરવાથી જોવો નથી ગમતો તો થિયેટરના સિલ્વર સ્ક્રીનમાંથી કલર કાઢી નાખવામાં આવે તો શું હાલત થાય?થિયેટરમાં ચકલુંય ન ફરકે તો કોઈ નવાઈ નહીં. આ કારણે જ ૧૯૩૦ના દાયકામાં મોટાભાગના ફિલ્મમેકર્સે માની લીધું હતું કે, ફિલ્મો તો બ્લેક એન્ડ વ્હાઈટ જ હોય અને ટેકનોલોજી પાછળ આટલો બધો ખર્ચ કરીશું તો કમાણી શું કરીશું?આ પ્રકારના અનેક સવાલો વચ્ચે ૧૯૦૮માં બ્રિટિશ શોર્ટ ફિલ્મ 'અ વિઝિટ ટુ ધ સીસાઈડ'માં પહેલીવાર કિમેમાકલર ટેકનોલોજીનો ઉપયોગ કરીને રંગો પૂરવામાં આવ્યા હતા. પરંતુ, આ ટેકનોલોજીમાં અનેક ખામીઓ હતી, જેમ કે, તેમાં બનાવવામાં આવેલી ફિલ્મમાંથી બ્લૂ કલર તો ગાયબ જ રહેતો હતો. ૧૯૩૪માં કોલમ્બિયા પિક્ચર્સ, શોર્ટ ફિલ્મ 'ધ વૂમન હેટર્સ' સાથે સિનેકલર ટેકનોલોજી લઈને આવ્યું હતું. અમેરિકામાં સસ્તા બજેટની ફિલ્મોમાં તેનો પ્રયોગ સફળ રહેતા ફરી એકવાર અરદેશીર ઈરાની આગળ આવ્યા હતાં. તેમણે ભારતની પહેલી બોલતી ફિલ્મ બનાવ્યા બાદ હવે પહેલી કલર ફિલ્મ આપવાનું નક્કી કર્યું હતું.
ઈતિહાસ અને ઈરાની
પૈસા કે ફેમસ થવાની લાલચ નહીં પરંતુ, એક સમયે અશક્ય લાગતી વસ્તુને કરીને બતાવવાનો જુસ્સો મહાન માણસોને દોડતો રાખતો હોય છે. આ જુસ્સાએ જ અરદેશીર ઈરાનીને પહેલા 'આલમ આરા' સાથે ઇતિહાસમાં અમર કરી દીધા હતા. હવે ફરી વારો હતો કંઈક નવું કરી બતાવવાનો. તેમણે નવાની દોડમાં રીતસરનો જુગાર જ રમ્યો હતો. ડામાડોળ ચાલી રહેલી આથક પરિસ્થિતિ વચ્ચે ઈમ્પોર્ટનો ખર્ચ, સ્ટુડિયો અપગ્રેડ અને સ્ટાફની સેલેરી માટે ઉછીના નાણા લેવાનો વારો આવ્યો હતો
ઈરાની જાણતા હતાં કે, તેઓ જે ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે તે કોઈ સામાન્ય ફિલ્મ નહતી. આ ફિલ્મ નવા કલાકારોને કારણે નહીં પરંતુ, કલરની ભવ્યતાને કારણે ઇતિહાસ રચશે. તેમણે એટલે જ ફિલ્મની કાસ્ટના મામલામાં જૂના અને જાણીતા પર જ વિશ્વાસ મૂક્યો હતો. લીડ રોલમાં અભિનયમાં મહારત માટે જાણીતા પદ્મા દેવીને પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે અગાઉ આલમ આરામાં ઈરાની સાથે કામ કર્યું હતું. તેમની સામે લીડ એક્ટર નિસારના નામે જાણીતા થિયેટરના અભિનેતા ગુલામ મોહમ્મદને પસંદ કરવામાં આવ્યા હતા.
કિસાન કન્યા અને મંટો
'જો બાત મહિનો મે ખુશ્ક તકરીરોં સે નહીં સમજાઈ જા સકતી, ચુટકિયો મે એક ફિલ્મ કે ઝરીયે સે ઝહન-નશીન કરાઈ જા સકતી હૈ....'આ શબ્દો હતાં, જાણીતા લેખક સદાહત હસન મંટોના. મંટોની ફિલ્મી સફરની શરૂઆત પણ ફિલ્મી હતી. નઝીરના આમંત્રણ પર મુંબઈ પહોંચેલા મંટો માટે 'મુનવ્વર' નામના વીકલી મેગેઝિનમાં રૂ. ૪૦ના પગારવાળી નોકરી રાહ જોઈ રહી હતી. સિટીમાં આવતા વહેત નોકરી તો શરૂ થઈ ગઈ પરંતુ, ઓફિસમાં જ સૂઈ જતા હોવાની ફરિયાદ મળતા મંટોના પગારમાંથી મહિને રૂ. ૨ કાપવામાં આવતા હતા. આ નોકરીમાં મન ન લાગતા મંટોએ મિત્રની મદદથી અરદેશીર ઈરાનીના ઈમ્પિરિયલ સ્ટુડિયોમાં મુંશી તરીકે જોડાયા હતા. નોકરી બદલવાની સાથે જ તેમના પગારમાં સીધો રૂ. ૨૦નો ઘટાડો થઈ ગયો હતો. સ્ટુડિયોમાં જે મળે તેને સ્ટોરી સંભળાવતા મંટોની કિસ્મત ત્યારે ચમકી જ્યારે, ઈરાનીએ ફિલ્મ ડિરેક્શનની જવાબદારી મોતી. બી. ગિડવાનીને સોંપી. સાહિત્યના રસિયા ગિડવાનીને મંટોની વાતો પસંદ હતી. ૨૫ વર્ષની ઉંમરે ભારતની પહેલી કલર ફિલ્મ લખવાની જવાબદારી તો મળી પરંતુ, તેમાં પણ એક વાતનો વસવસો રહી ગયો. લેખકને પોતાના જ કામની ક્રેડિટ ન મળી. પહેલાથી જાણીતી વ્યક્તિ જસ ખાંટી જાય તેવો કિસ્સો મંટો સાથે પણ બન્યો હતો. શાંતિનિકેતનમાં ફારસીના પ્રોફેસર ઝિયાઉદ્દીનને આ ફિલ્મની ફ્રીમાં ક્રેડિટ આપવામાં આવી હતી. ફિલ્મ વિશે કશું ન લખનાર પ્રોફેસર ફિલ્મની ક્રેડિટમાં લેખક કહેવાયા જ્યારે, સદાહત હસન મંટોને ડાયલોગ રાઈટર તરીકેની ક્રેડિટ સાથે સંતોષ માનવો પડયો હતો. સમય બળવાન છે. આજે મંટોને સાહિત્યના રસિયાઓ ઓળખે છે જ્યારે, પ્રોફેસર ગુમનામ. મંટોના પ્રયોગથી શીખ લેવી જોઈએ કે, કેટલાક આટસ્ટની આર્ટ એકલા હાથે ખીલતી હોય છે.
કલર ફિલ્મ અને પડકારો
ભારતની પહેલી કલર ફિલ્મ બનાવવાની સફર અનેક પડકારોથી ભરેલી હતી. જાણીતા ફિલ્મમેકર વી. શાંતારામે દ્વિભાષી ફિલ્મ 'સૈરંધી'ને કલરમાં બનાવવાની કોશિશ કરી હતી. આ ફિલ્મને કલર બનાવવા માટે ફિલ્મની પ્રિન્ટને જર્મની મોકલવામાં આવી હતી. જર્મનીમાં બાયપૈક કલર પ્રિન્ટિંગ પ્રોસેસથી તેને કલર કરવામાં આવી હતી. પરંતુ, ટેકનીક સમસ્યાને કારણે આ પ્રયાસ અસફળ રહ્યો હતો. છેવટે, ફિલ્મને બ્લેક એન્ડ વ્હાઈટમાં જ રિલીઝ કરાઈ હતી. વી. શાંતારામની નિષ્ફળતામાંથી બોધપાઠ લઈને અરદેશીર ઈરાની આગળ વધ્યા હતાં. પરંતુ, હજુ તો શરૂઆત હતી પડકારો અનેક હતાં.
આ અસફળ પ્રયાસથી સાબિત થયું હતું કે, હોલિવુડ કે યુરોપના ટેકનીકલી એડવાન્સ ઈકોસિસ્ટમથી ભારત ઘણું દૂર હતું. કલરની પ્રોસેસને હેન્ડલ કરવા સક્ષમ કેમેરા દુર્લભ હતાં. ઈરાનીની ટીમે સ્પેશિયલ ઈક્વિપમેન્ટ્સ ઈમ્પોર્ટ કરવા પડયાં હતાં. બ્રિટિશ રાજ દરમિયાન તે ખૂબ ખર્ચાળ પ્રક્રિયા હતી. થ્રી-સ્ટ્રિપ ટેકનીકલર કરતાં પ્રમાણમાં સસ્તી સિનેકલર ટેકનોલોજીને પસંદ કરવામાં આવી હતી. તેને માટે ચોક્કસ લાઈટિંગની જરૂર હતી. આ લાઈટિંગ માટે બોમ્બેના સ્ટુડિયો તૈયાર નહતાં. ઈરાનીના ક્એ પાવરફૂલ લેમ્પ્સ ગોઠવીને તેનું સમાધાન તો કર્યું પરંતુ, તેના કારણે ઓવરહીટિંગનો સામનો કરવો પડતો હતો. બીજી મોટી સમસ્યા ફિલ્મ સ્ટોકની હતી. કલર ફિલ્મ સેન્સિટીવ હતી. ભેજવાળા વાતાવરણમાં તેને રાખવી પડકારજનક હતી. રિપોર્ટ મુજબ, બગડી ગયેલા સ્ટોકને કારણે ઈરાનીએ હજારો રૂપિયાનું નુકસાન વેઠયું હતું.
ત્રીજો પડકાર ટ્રેનિંગનો હતો. બ્લેક એન્ડ વ્હાઈટ સિનેમેટોગ્રાફીમાં નિપુણ ભારતીય ટેકનિશિયનોને કલર પ્રોસેસનો કોઈપણ પ્રકારનો અનુભવ નહતો. ઈરાનીએ ક્ને ટ્રેનિંગ આપવા માટે યુએસથી સલાહકારોની ટીમને બોલાવી હતી. ભાષાકીય અવરોધોને કારણે સામાન્ય લાગતી ટ્રેનિંગ જટિલ બની ગઈ હતી. લોકલ સિનેમેટોગ્રાફર્સે રેડ અને ગ્રીન ફિલ્ટર્સને નિયંત્રિત કરવાની કળામાં નિપુણતા મેળવવી પડી હતી.
આ સમસ્યાઓ ઓછી નહતી ત્યાં એકટર્સ તેમના પ્રશ્નો સાથે ઊભા હતાં. બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોમાં ગમે તેવો મેકઅપ ચાલી જતો હતો. આ સિવાય કપડામાં તો કલર વિશે વિચારવાની જરૂર પડતી નહતી. કલર સાથે જ ટિપટોપ મેકઅપ અને ફિલ્મની રીલને યોગ્ય તેવા વધુમાં વધુ રેડ અને ગ્રીન કલરના કપડાં પસંદ કરવામાં આવ્યા હતા.
ફિલ્મનું ગજબનું પ્રમોશન
ભારતની આ ઐતિહાસિક ક્ષણના માર્કેટિંગમાં કોઈ કસર છોડવામાં આવી નહતી. ભલભલી એજન્સીઓને પછાડનારું કેમ્પેઈન તૈયાર કરવામાં આવ્યું હતું. અડોબી ફોટોશોપ અને કેનવા જેવા સોફ્ટવેર વગર તે સમયે તૈયાર કરવામાં આવેલા ફિલ્મના પોસ્ટરે દર્શકોની ઉત્સુકતામાં વધારો કર્યો હતો.. એડમ અને ઈવના પેઈન્ટિંગ સાથે કેપ્શન લખવામાં આવ્યું હતું કે, ઈંટ વોઝ ધ કલર ઓફ એપલ ધેટ ટેમ્પેટડ ધ એડમ, એન્ડ વિધ ધ કલર હિસ્ટ્રી ઓફ મેન બેગેન.
ઐતિહાસિક ક્ષણ
ફિલ્મનું કેમ્પેઈન સફળ રહ્યું હતું. જ્યારે, ૮ જાન્યુઆરી, ૧૯૩૭ના રોજ કિસાન કન્યાનું પ્રીમિયર થયું ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ સ્ક્રીન જોવા માટે ટેવાયેલા પ્રેક્ષકો સ્તબ્ધ થઈ ગયા હતા. લીલાછમ ખેતરો, સૂર્યાસ્તના રંગો માત્ર પિક્ચર્સ નહીં પરંતુ, ભારતની ફિલ્મો જોવાની નવી ઢબમાં બદલાવનું બ્યુગલ ફૂંકાયું હતું. ફિલ્મ ક્રિટિક્સે કૃષિપ્રધાન ભારતમાં ખેડૂતોની દુર્દશા અને જમીનદારો દ્વારા કરવામાં આવતા અત્યાચારો પર આધારિત ફિલ્મને નકારી કાઢી હતી. પરંતુ, નવી ટેકનોલોજી લાવનારા ઈરાનીની હિંમતને તેમણે બિરદાવી હતી. આ ફિલ્મ ભારતીય સિનેમાને તાત્કાલિક ધોરણે કલર રેવોલ્યુશન આપી શકી નહતી. ૧૯૫૦ સુધી ઈસ્ટમેન કલરને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
કિસાન કન્યાનો વારસો તેની બોક્સ-ઓફિસ સફળતા નહી પરંતુ તેના સ્વપ્નદ્રષ્ટામાં રહેલો છે. મેહબૂબ ખાન અને રાજ કપૂરની છાયામાં રહેલા અરદેશીર ઈરાનીએ અનેક સંધર્ષો સામે ઝઝૂમીને ભારતને પહેલી ટોકી અને કલર ફિલ્મ આપી હતી. આ સાથે જ તેમણે એક કલાકારની હંમેશા કંઈક નવું આપવાની ભાવનાને ઉજાગર કરી હતી.
કિસાન કન્યા ફેક્ટ ફાઇલ
ફિલ્મના એકટર્સ
પદ્મા દેવી, ઝિલ્લો, ગુલામ મોહમ્મદ-નિસાર, સૈયદ અહમદ ગની
સિનેમેટોગ્રાફી : રુસ્તમ ઈરાની
મ્યુઝિક :
રામ ગોપાલ પાંડે
પ્રોડ્કશન કંપની : ઈમ્પેરિયલ ફિલ્મ્સ
ડિરેક્ટર : મોતી ગિડવાની
સ્ટોરી : પ્રોફેસર મોહમ્મદ ઝિયાઉદ્દીન
ડાયલોગ, સ્ક્રીનપ્લે : સદાહત હસન મંટો
ટાઈમ : ૧૩૭ મિનિટ
Country First Color Film Year of Release
France La Femme Chocolat 1909
Germany Das Farbenwunder von Schönbrunn 1912
Italy Il Re d’Inghilterra non paga 1913
USA The Gulf Between 1917
UK The Glorious Adventure 1922
China A Spray of Plum Blossoms* (partially tinted) 1931
India Kisan Kanya 1937
Mexico Así es mi tierra! 1937
Russia (USSR) Grunya Kornakova 1936
Brazil Tecnicolor em Revista 1936