સિનેમા, ફિટનેસ , ગ્લેમર અને દિશા પટણી
- દિશાની ફિલ્મો જોઈને એવું જ લાગે કે એ જે ઇન્સ્ટાગ્રામ પર કરે છે લગભગ તેનું જ એક્સટેન્ડેડ વર્ઝન જેવું કામ એ બિગ સ્ક્રીન પર કરે છે
'મને સ્ટાર બનવાના કોઈ ધખારા નથી. હું તો ક્યારેય અભિનેત્રી બનવા માગતી જ નહોતી. આ તો હું ફિલ્મોમાં કામ કરું છું, કેમ કે મને કેમેરાની હાજરી ગમે છે, તેની સામે ઊભા રહેવું ગમે છે...'
જ્યારે દિશા પટણી આવી કહે ત્યારે નવાઈ પણ લાગે ને એની વાત સાચી પણ લાગે. દિશા હજુ સુધી બોલિવુડમાં ખાસ કશું ઉકાળી શકી નથી. એ માત્ર ગ્લેમર ડોલ બનીને રહી ગઈ છે. એની ફિલ્મો જોઈને એવું જ લાગે કે એ જે ઇન્સ્ટાગ્રામ પર કરે છે લગભગ તેનું જ એક્સટેન્ડેડ વર્ઝન જેવું કામ એ ફિલ્મોમાં કરે છે. આમ છતાંય સુપર ગ્લેમરસ દિશા ટૂંક સમયમાં હોલિવુડની ફિલ્મમાં દર્શન દેવાની છે! એ ફિલ્મનું નામ છે, 'હોલી ગાર્ડ્ઝ', જેમાં કેટલાય ઇન્ટરનેશનલ કલાકારોએ કામ કર્યું છે. બોલિવુડની વાત કરીએ તો એ સુપરહિટ ફ્રેન્ચાઇઝ 'વેલકમ'ની સિક્વલ 'વેલકમ ટુ ધ જંગલ'નો પણ એ હિસ્સો છે. આ ફિલ્મમાં જોકે એટલા બધા કલાકારો છે કે દિશાના ભાગે કેટલી મિનિટનો સ્ક્રીનટાઇમ આવશે તે એક સવાલ છે. આ ઉપરાંત, દિશા નજીકના ભવિષ્યમાં 'મલંગ-ટુ' અને 'સંઘમિત્રા' નામની ફિલ્મો પણ આવશે. છેલ્લે એટલે કે ૨૦૨૪માં એ 'કલ્કિ ૨૮૯૮ એડી' અને 'કંગુઆ' જેવી સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં દેખાઈ હતી.
સાચું પૂછો તો દિશાનો સંબંધ આપણે એક્ટિંગ કરતાં ફિટનેસ સાથે વધારે જોડીએ છીએ. પોતાનું શરીર સૌષ્ઠવ જાળવી રાખવા માટે એ જે કક્ષાની મહેનત કરે છે - અને તે પણ પૂરા સાતત્ય અને શિસ્ત સાથે - તે જાણીને આશ્ચર્ય થાય. ચાલો, ફિટનેસ તો ફિટનેસ, દિશા કોઈક મામલામાં નોંધપાત્ર છે જ. શું કહો છો?