ચિત્રાંગદા સિંહને સારી ફિલ્મો પાછી વાળવાનો રંજ
- મને ક્યારેય કલ્પના પણ નહોતી કે હું 'સૂરમા' જેવી ફિલ્મનું નિર્માણ કરીશ. જોકે હવે હું એક બાયોપિક પરથી બનનારી ફિલ્મનું નિર્માણ પણ કરી રહી છું. ખરૂં કહું તો ફિલ્મો મારા માટે સર્વસ્વ છે
ડિ સેમ્બર ૨૦૨૧માં ચિત્રાંગદા સિંહની ફિલ્મ 'બોબ બિશ્વાસ' રજૂ થઈ. આ મૂવીમાં અભિનેત્રીના અભિનયની ભરપૂર સરાહના કરવામાં આવી. જોકે ચિત્રાંગદાના અભિનયની તારીફ તેની સૌપ્રથમ ફિલ્મ 'હઝારોં ખ્વાહિશેં ઐસી'થી થતી આવી છે. પરંતુ વિડંબણા એ છે કે તેણે તેની માત્ર ૧૫ વર્ષની કારકિર્દીમાં વધારે પડતાં બ્રેક લીધાં છે.
મઝાની વાત એ છે કે ચિત્રાંગદા આ વાતને હળવાશથી લેવા એમ કહે છે કે ભગવાને મારા માટે આવું જ સમય પત્રક બનાવ્યું છે. જોકે પછીથી તે ગંભીરતાપૂર્વક કહે છે કે એક કલાકાર તરીકે મને જેવું કામ કરવું હતું એવા કામોની ઓફર ન મળતાં મને બ્રેક લેવાની ફરજ પડી હતી. આમ છતાં હવે મને એમ લાગે છે કે મારી ૧૫ વર્ષની અભિનય કારકિર્દીમાં મેં બહુ ઓછું કામ કર્યું. મેં એક વખત પાંચ વર્ષનો અને બીજી વખત દોઢ વર્ષનો બ્રેક લીધો તેને કારણે મારી ફિલ્મો ઓછી આવી. તેના સિવાય મેં 'ગેંગસ્ટર' અને 'તનુ વેડ્સ મનુ' જેવી કેટલીક ફિલ્મો ન સ્વીકારી તે મારી કારકિર્દીની સૌથી મોટી ભૂલો ગણાય. હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. બાકી એક વાત ચોક્કસ છે કે મેં અત્યાર સુધી જેટલું કામ કર્યું છે તેના ઉપર મને ગર્વ છે. ચાહે તે ડાન્સ નંબર હોય, કમર્શિયલ ફિલ્મ હોય કે પછી પેરેલલ સિનેમા. દર્શકોએ પણ મારા કામની પ્રશંસા કરી છે અને મારા લાંબા બ્રેક પછી પણ મને ભૂલ્યા નથી. ચિત્રાંગદા વધુમાં કહે છે કે મને ક્યારેય કલ્પના પણ નહોતી કે હું 'સૂરમા' જેવી ફિલ્મનું નિર્માણ કરીશ. જોકે હવે હું એક બાયોપિક પરથી બનનારી ફિલ્મનું નિર્માણ પણ કરી રહી છું. ખરૂં કહું તો ફિલ્મો મારા માટે સર્વસ્વ છે.
ચિત્રાંગદા પોતાની છેલ્લે આવેલી ફિલ્મ 'બોબ બિશ્વાસ' માટે કહે છે કે હું સુજોય ઘોષ સાથે કામ કરવા માગતી હતી. અને આ સિનેમા દ્વારા મને તેમની સાથે કામ કરવાની તક મળી. જોકે કોરોનાને કારણે આ મૂવી ઘણી વિલંબમાં પડી. પહેલા અમને લાગતું હતું કે ફિલ્મ એપ્રિલ મહિના સુધી પૂરી થઈ જશે અને નવેમ્બરમાં રજૂ પણ થઈ જશે. પરંતુ ફિલ્મ નવેમ્બરમાં જ પૂરી થઈ. અને ત્યાર પછી ફરીથી તાળાબંધી લાગૂ થઈ ગઈ. અલબત્ત, આ બધું બધા સાથે થઈ રહ્યું હતું. ચારેકોર મોતનું તાંડવ અને હતાશા-નિરાશા હતાં. આવી સ્થિતિમાં મને સમજાયું કે મારી પાસે છે એટલું પણ ઘણાં લોકો પાસે નથી. અને આ વિચાર સાથે હું ધૈર્ય રાખવાનું શીખી. મને પરિવાર સાથે સમય વિતાવવા મળ્યો.
મેં ઘણો પ્રવાસ પણ કર્યો. અમે એક મહિનો હિમાચલમાં અને એક માસ પહલગામમાં રહ્યાં. મેં ઘણું ટ્રેકિંગ અને કેમ્પિંગ પણ કર્યું. મારા માટે આ તદ્દન નવા અનુભવ હતાં. તે વખતે મને એ વાતની અનુભૂતિ પણ થઈ કે એક ફિલ્મ કે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ન મળવાથી નિરાશ થઈ જવાની જરૂર નથી. તમે જીવનમાં આ પ્રકારનો આનંદ પણ લઈ શકો.
અભિનેત્રી હવે પવન કૃપલાનીના દિગ્દર્શનમાં બનનારી 'ગેસલાઈટ'માં કામ કરવાની છે. તે કહે છે કે તેમાં સારા અલી ખાન અને વિક્રાંત મેસી પણ છે. તેનું શૂટિંગ થોડા સમયમાં જ શરૂ થવાનું છે. તે વધુમાં કહે છે કે ઘણાં લોકો મને કહે છે કે હું એક બાયોપિક બનાવવાની છું. પરંતુ મારા નિર્માણ હેઠળની ફિલ્મોમાં હું પોતે કામ કેમ નથી કરતી. પરંતુ મારા મતે જે પાત્રમાં હું બંધ ન બેસતી હોઉં તેમાં મારે કૂદી ન પડવું જોઈએ.
હા, ભવિષ્યમાં કોઈ દિવંગત સ્મિતા પાટિલની બાયોપિક બનાવશે તો હું તેમાં ચોક્કસપણે કામ કરવા ઇચ્છું છું.