Get The App

મધુબાલા કયારેય મરવા માગતી નહોતી

મધુબાલાની આત્મકથા તેના જીવનમાં આવેલા 'એ' પુરુષ વિના અધુરી છે

Updated: Jan 5th, 2018

GS TEAM

Google News
Google News
મધુબાલા  કયારેય મરવા માગતી નહોતી 1 - image

મધુબાલા ભગ્ન હૃદયની અકથ્ય વેદનાને કારણે મૃત્યુ પામી,તેનો ભવ્ય ભૂતકાળ અને તૂટેલાં જામની મદિરા તેની છેલ્લી ક્ષણોના સાથી હતા.

ડોકટરે નિદાન કર્યું,આ સુંદરતાની મૂર્તિ હવે કચકડાનું બાવલું બની ગઈ છે. સેક્સ અને બાળકો મધુબાલા માટે હવે કેવળ સ્વપ્ન સમાન છે. અને  સોંદર્ય મૂર્તિ મધુબાલાની અકથ્ય વેદનાઓની  વણથંભી વણઝારનો સમય શરુ થયો.હૃદયરોગ તો ફક્ત એક વૈદ્યકીય કારણ હતું,ખરું તો મધુબાલા ભગ્ન અંત:કરણની વેદનાઓને કારણે  મૃત્યુ પામી હતી.તેણે દિલીપકુમારને દિલથી છલોછલ  પ્રેમ કર્યો.કિશોર કુમાર સાથે લગ્ન કર્યા.

પરંતુ જીવનમાં બે પુરુષો હોવા છતાંય મધુબાલાનું જીવન અપૂર્ણ લાગણીઓ સાથે ખુંટાઈ ગયું. જીવનના ૧૬ વર્ષની વયે સુપર સ્ટારડમ અને ૨૭મે વર્ષે લગ્ન કરનાર અભિનેત્રીનો જીવનપટ ૩૬ વર્ષની વયે સંકેલાઈ ગયો.ખરેખર,તેની પાછલી જીંદગી કરુણતા ભરેલી રહી.વાસ્તવિકતા જોજનો દૂર જતી રહી હતી અને પોતાના ભવ્ય ભૂતકાળને વાગોળતી મધુબાલાએ મદિરાપાનને વ્હાલું કર્યું.

તારીખ ૧૦ ઓગસ્ટ ૨૦૧૭ન નવી દિલ્હી ખાતે મેડમ તુસાદ મ્યુઝીયમમાં સિનેજગતનો માઈલ સ્ટોન ગણાતા મુવ્હી 'મુઘલ-એ-આઝમ'ના અનારકલી ગેટઅપમાં રૃપાળી અભિનેત્રી મધુબાલાના મીણના પુતળાનું અનાવરણ કરવામાં આવ્યું.તે સમયે તેની નાની બહેન મધુર ભૂષણ હાજર રહી હતી.દિલ્હી મધુબાલાની જન્મભૂમી છે.

સિનેજગતમાં ચાલતાં બાયોપિકના ટ્રેન્ડમાં મધુબાલાની જીવનકથા કચકડે મઢવાના સમાચાર ચગી રહ્યા છે.જો  અભિનેત્રીના જીવન પર મુવ્હી બને તો તે ફિલ્મની વાર્તા મધુબાલાના અભીનાયું જેટલી સશક્ત .કોઈ પણ પાત્ર ગેરમાર્ગે દોરાવું જોઈએ નહી કે કોઈ પણ પાત્રને અન્યાય થવો જોઈએ નહી.અભિનેત્રીના જીવનની ઓવી જોઈએ.

એક એક સીનમાં કંડારાતી મધુબાલા આજની પિઢી સમક્ષ યોગ્ય રીતે દૃશ્યમાન થવી જોઈએ.અદાકારાનો એક વેગળો ચાહક વર્ગ હજી પણ અસ્તિત્વ ધરાવે છે તેમની  ચાહતને ઘસરકો પહોંચાડવો એટલે સદગત નાયિકાને દુભાવવા જેવું હશે.

મધુબાલાના પિતાજી અતાઉલ્લાહ ખાન જેમણે તેના જીવનને તારાશ્યું.દિલીપ કુમાર જેણે મધુબાલાને દિલથી ચાહી પરંતુ અપનાવી શકયા નહી અને કિશોરકુમાર જેને બધીજ ખબર હોવા છતાંય મધુબાલા સાથે લગ્ન કર્યા.આ ત્રણ પુરુષોના ચરિત્રચિત્રણ વિનાની મધુબાલાની બાયોપિક અધુરી ગણાય.ફિલ્મજગત નથી ચાહતું કે આ  ફિલ્મ જોઇને દિલીપ સા'બ,સયરાજી,કિશોર કુમારના કુટુંબીજનો કે લીના ચંદાવરકરજી અને ગાયક પુત્ર અમિત કુમારની લાગણીઓ દુભાય.

મધુબાલાના પિતાજીએ તેના અને દિલીપકુમારના સંબંધને નકાર્યો હોવાનું જાણવા મળે છે જયારે સાચી વાત પ્રમાણે અતાઉલ્લાહ ખાન આ સંબંધ

પ્રત્યે કયારેય કઠોર બન્યા નહોતા.તેમણે કિશોરકુમાર સાથેનું તેનું લગ્ન પણ આવકાર્યું હતું.હાલમાં મધુબાલાને કેન્દ્રમાં રાખી એક ટેલીવિઝન શો યોજાયો હતો જેમાં અતાઉલ્લાહ ખાનને યોગ્ય રીતે ચિતરાયા ન હોવાથી વિરોધનો વંટોળ ઉઠ્યો હતો.ત્યારબાદ શોમાં કેટલોક ફેરફાર કરી રજુ કરવામાં આવ્યો હતો.

અતાઉલ્લાહ ખાન અને આયેશા બેગમને કુલ અગિયાર સંતાનો.સાત દીકરીઓ અને ચાર દીકરા.કમનસીબે ચારે દીકરા જીવ્યા નહિ.મધુબાલા પાંચમું બાળક.દેખાવે અતિશય સુંદર અને મનમોહક .હાલે તેમની ચાર દીકરી જીવિત છે જેમાં કનીઝ ફાતિમા (૯૩) ન્યૂઝીલેન્ડની વતની છે.અલ્તાફ (૮૭) યુનાઈટેડ સ્ટેટ્સમાં રહે છે.ચંચલ (૮૩) દુબઈમાં વસવાટ કરે છે અને મધુર ભૂષણ ભારતમાં છે.

ચાલીસના દાયકામાં અતાઉલ્લાહ ખાનની દિલ્હી સ્થિત ઇમ્પેરિઅલ ટોબેકો કંપનીની નોકરી જતી રહી.તેઓ મુંબઈ આવ્યા અને મોહનગરી  મુંબઈની માયાપુરી ગણાતી ફિલ્મનગરીમાં યુવાનીના ઉંબરે પગ મુકતી  મુમતાઝ જેહાન બેગમ દહેલવી અર્થાત લાખો દિલોની ધડકન મધુબાલાનો પ્રવેશ થયો.

ચાલીસના દાયકામાં નવ વર્ષની ઉમરે તત્કાલીન અભિનેત્રી દેવિકારાની સાથે મુમતાઝ બેગમ દહેલવી એ 'બસંત'  (૧૯૪૨) ફિલ્મમાં પહેલો અભિનય કર્યો.દેવિકારાનીએ આ નાનકડી બાળકીના દેખાવ અને અભિનયથી પ્રભાવિત થઇ તેને રૃપેરી પરદે 'મધુબાલા' નામ આપ્યું.

મધુબાલાએ ૧૪મ વર્ષે દિગ્દર્શક કેદાર શર્મા ની નિલકમલ ફિલ્મમાં લીડ રોલ મેળવ્યો.૧૯૪૯માં દિગ્દર્શક કમાલ અમરોહીની  ફિલ્મ 'મહલ' આવી. આયેગા આયેગા આયેગા આનેવાલા....ગીત ગતિ ઝૂલે ઝૂલતી નવયોવના સુંદર મધુબાલા દર્શકોના દિલમાં વસી ગઈ અને ફિલ્મી દુનિયાની ક્ષિતીજે એક નવાં મનમોહક સિતારાનો ઊદય થયો.

દુલારી,તારના,અમર,બરસાત કી એક રાત,મિસ્ટર એન્ડ મિસીસ ૫૫, જેવી સુપર હીટ ફિલ્મો આપી મધુબાલા ચિત્રપટ દુનિયાની ટોચે બિરાજવા લાગી.સન ૧૯૬૦માં શાહજહાં અકબર તરીકે પૃથ્વીરાજ કપૂર,મહારાણી જોધાબાઈ તરીકે દેવિકારાની,રાજકુમાર સલીમ તરીકે દિલીપ કુમાર અને કમનીય સુંદર નર્તિકા અનારકલીને પડદે તાદ્રશ્ય કરતી મધુબાલાને ચમકાવતી માયાનગરીની માઈલ સ્ટોન મૂવી 'મુઘલ-એ-આઝમ' આવી.

રાજા અકબરના શીશમહેલમાં 'જબ પ્યાર કિયા તો ડરના કયા?'...ગીત પર ચોમેર અરીસાઓમાં દેખાતી મધુબાલાએ તેના રૃપ અને સશક્ત અભિનયથી ફિલ્મી દુનિયામાં એક સુવર્ણ સ્તંભ ખોડી દીધો.તેની અભિનય કારકિર્દીમાં સફળતા અને અફવાઓ એકસાથે પ્રવેશી .મધુબાલાનું નામ દિગ્દર્શક કમાલ અમરોહી સાથે ચગવા માંડ્યું.સહ અભિનેતા પ્રેમનાથ અને ભારત ભૂષણના નામો સાથે મધુબાલાનું નામ તત્કાલીન ફિલ્મી સામાયિકો અને વૃત્તપત્રોની ચિત્રરંજની કોલમોમાં વાંચવા લાગ્યું.પરંતુ આ ફાંકડી અદાકારા ત્યારના ચોકલેટ હીરો ગણાતા દિલીપ કુમારને સાચું દિલ દઈ બેઠી હતી.

મધુબાલા અને તેનો  પહેલો પ્રેમ  દિલીપકુમાર સર્વપ્રથમ ફિલ્મ 'જવારભાટા'ના સેટ પર મળ્યા હતા.તે વર્ષ હતું ૧૯૪૪નું.બન્ને અદના કલાકારોનો પ્રેમ ૧૯૫૧માં આવેલી ફિલ્મ તારાનાના શુટિંગ દરમ્યાન મહોરી ઉઠ્યો અને સન ૧૯૫૨માં પ્રદર્શિત થયેલી મૂવી 'સંગદિલ'થી મધુબાલા અને દિલીપ કુમારની જોડી રૃપેરી પરદે દર્શકોએ વધાવી લીધી.૧૯૫૪માં બંનેની 'અમર' સુપરહીટ સાબિત થઇ.કુલ નવ વર્ષ સુધી અખંડ પ્રેમપાશમાં બંધાયેલી જોડીએ ફિલ્મ 'નયા દૌર' ફિલ્મ દરમ્યાન ૧૯૫૬માં એક કોર્ટ કેસ દ્વારા સમગ્ર દર્શકોને આઘાતમાં મૂકી દીધા.

થયું હતું એવું કે અતાઉલ્લાહ ખાન મધુબાલા ગ્વાલીયર શુટિંગ માટે એકલી  એમ ઇચ્છતા નહોતા.આ ફિલ્મમાં મધુબાલા સામે હીરો તરીકે દિલીપકુમાર હતા.દિલીપને અતાઉલ્લાહ ખાનનો આ વિરોધ પસંદ આવ્યો નહી.એક દિવસ સેટ પર શુટિંગ શરુ હતું. મધુબાલાના ચાહકોની અવેરાય  તેવી હકડેઠઠ મેદની શુટિંગ સ્થળે મધુબાલા અને દિલીપકુમાર ને જોવે ઉમટી પડી હતી.થોડીવાર શુટિંગ ચાલ્યું પરંતુ ત્યારબાદ ટોળાંને અવેરવું મુશ્કેલ થઇ પડ્યું.

તે વખતે સેટ પર હાજર અતાઉલ્લાહ ખાને દિગ્દર્શક બી.આર.ચોપરાને શુટિંગ લોકેશન બદલવા માટે કહ્યું બી.આર.ચોપરા તો માની ગયા પરંતુ હીરો દિલીપ કુમારનો પિત્તો ગયો અને તેણે ફિલ્મ ખોરંભે ચડાવી દેતા કોર્ટમાં કેસ ચાલ્યો.સુનાવણી દરમ્યાન ગુસ્સામાં દિલીપકુમારે મધુબાલાના પિતાજી અતાઉલ્લાહ ખાનને જાહેરમાં 'હિટલર' કહીને ઉતારી પડ્યા.

મધુબાલાને દિલીપનું આવું વર્તન સખત અપમાનજનક લાગતા તેણે દિલીપકુમારને પોતાના પિતાજીની માફી માગવા કહ્યું.આ માટે દીલીપ સાબ રાજી ન થતા ફરી એકવાર મધુબાલાએ તેને ખાનગીમાં પિતાજીની માફી માગવા માટે સમજાવી જોયા પણ દિલીપકુમાર ટસ ના મસ થયા નહી.ઉપરથી તેણે મધુબાલાને જોશમાં પરખાવી દીધું કે હુ કયારેય તેમની માફી નહિ માગું. બસ એક ઘા ને બે કટકા થઇ ગયા . મધુબાલા દિલીપકુમારનું નવ વર્ષનું પ્રેમ જીવન એક ઝટકામાં તૂટી ગયું.મધુબાલા દિલીપ

આભાર - નિહારીકા રવિયા  કુમારને ખુબ પ્રેમ કરતી હતી અને દિલીપ સા'બ પણ તેના પ્રેમમાં પાગલ હતા .બસ બંનેની વચ્ચે અહમની મજબુત દીવાલ ચણાઈ ગઈ.અને વિરહમાં મુરઝાતી મધુબાલા માંદી રહેવા લાગી.

૧૯૫૪માં દિગ્દર્શક એસ.એસ.વાસનની નિર્માણાધીન ફિલ્મ 'બહુત દિન હુએ'ના સેટ પર શુટિંગ કરતી મધુબાલાને અચાનક લોહીની ઉલટીઓ થવા લાગી.તેની તબિયત એકદમ લથડી ગઈ .સમાચાર મળતા જ દિલીપ કુમાર મારતે વિમાને ડોક્ટર રુસ્તમ જાલ વકીલને લઇ મધુબાલા પાસે પહોચ્યો. ડોકટરે નિદાન કર્યું કે મધુબાલાના હૃદયમાં છિદ્ર છે.

વેન્ટરીકયુંલર સેપટલ ડીસીઝનો ભોગ બનેલી મધુબાલા તે સમયે એટલી  સુદૃઢ અને મનમોહક દેખાતી હતી કે તેને પોતાને ડોકટરના નિદાન પર કોઈ જાતનો વિશ્વાસ આવ્યો નહી.બીજાબધાઓની હાલત પણ કૈક અંશે આવી જ હતી.મધુબાલા હર્ત ડીસીઝ નો શિકાર બની છે તે માનવા કોઈ તૈયાર જ હતું નહી.

આ બીમારીને ગંભીરતા થી ન લેતા મધુબાલાએ ફિલ્મોના શુટિંગ જરી રાખ્યા તદુપરાંત નવા ચિત્રપટ પણ સાઈન કર્યા.તે કામ કરતી જ રહી.જો કે મુઘલ-એ-આઝમ ના સેટ પર શુટિંગ વખતે અભિનેત્રી  કામના દબાણ ને કારણે સેટ પર ઘણીવાર બેહોશ થઇ જતી. જો કે દિલીપકુમાર અને મધુબાલા મુઘલ-એ-આઝમના સેટ પર એકબીજા સાથે જરાય વાત કરતા નહોતાં.

દિલીપકુમારને ભૂલવા મથતી ભગ્ન હૃદયી મધુબાલા ૧૯૫૬માં 'ઢાંકે કી મલમલ'ના શોત્તિંગ દરમ્યાન ગાયક અભિનેતા કિશોર કુમાર તરફ આકર્ષાઈ હતી.૧૯૫૮અને ૧૯૬૨ના ગાળામાં  કિશોરકુમાર  સાથે આવેલી મધુબાલા ની ફિલ્મો ચાલતી કા નામ ગાડી અને હાફ ટીકીટએ ટીકીટબારી ગજવી મૂકી.

દરમ્યાન મધુબાલા કિશોરકુમારની ગાયકી,અવાજ અને તેના રમુજી સ્વભાવને કારણે કિશોરકુમારને ચાહવા લાગી.સેટ પર તેને હસાવતા કિશોરકુમારમાં મધુબાલાને મન નો માણીગર દેખાવા લાગ્યો.જો કે મધુબાલા ની નાદુરુસ્ત તબિયત અને ડોક્ટર તરફથી આવનારા નિદાન જોતા તેને પિતાજી અતાઉલ્લાહ ખાને થોડો સમય  લગ્ન  માટે રાહ જોવાની સલાહ આપી.

પરંતુ બાપની સલાહ ઉવેખીને મધુબાલા ૧૯૬૦માં કિશોરકુમારને પરણી ગઈ.લગ્નબાદ કિશોર કુમાર મધુબાલાને લઈને લંડન ગયો ત્યાં ડોક્ટરોએ નિદાન કર્યું કે મધુબાલાના હૃદયની ક્ષમતા પૂર્ણરીતે નાશ પામી ગઈ છે અને અભિનેત્રી બે વર્ષથી  વધુ જીવી શકે તેમ નથી.

લંડનથી પરત આવ્યા બાદ કિશોરકુમાર મધુબાલાને તેને પિયર પાછી મૂકી ગયો.કિશોરનું કહેવું હતું કે મધુબાલાને પુષ્કળ કાળજીની જરૃર છે.જયારે પોતે સંગીત કારકિર્દીમાં રચ્યો પચ્યો હોવાથી અને શુટીંગમાં વ્યસ્ત રહેતો હોવાથી માંદી મધુબાલાની સાથે રહેવું અશકય છે.

કિશોરકુમાર મધુબાલાને બાપના ઘરે છોડીને ચાલી ગયો. મધુબાલા ખુબ જ રડી.માનસિક રીતે પણ ભાંગી પડી.કિશોરકુમાર તેને અવગણવા માંડ્યો. પરંતુ મધુબાલા જુવાન હતી.તેના પોતાના સંસારના સપના હતા.તે પતિ સાથે રહેવા માંગતી હતી પરંતુ કિશોરકુમાર પત્ની મધુબાલાને સતત ટાળવા લાગ્યો.

મધુબાલા તેને મળવાની જીદ કરતી.એક દિવસ તે મળવા આવ્યો અને અતાઉલ્લાહ ખાનને કહી દીધું કે મે મારી રીતે મધુબાલા માટે જે કઈ શકય હતું તે કર્યું છે.હુ એને લંડન લઇ ગયો પણ જુઓ ડોક્ટરોએ કહ્યું છે કે મધુ ફક્ત બે વર્ષ જ જીવી શકે એમ છે. તે શરીર સુખ અને બાળકો પેદા કરવાની શક્તિ પુરી રીતે ગુમાવી ચુકી છે એમાં મારો શું વાંક છે?

આમ જોવા જતા કિશોરકુમાર તેની જગ્યાએ ખોટો નહોતો. પણ એક માંદી, અશક્ત, લાગણીઓથી ઘવાયેલી જુવાન સ્ત્રીને પતિના સાથ સહકાર અને પ્રેમ  વગર બીજું શું જોઈતું હોય છે?મધુબાલાએ જક્કી વલણ અપનાવ્યું કે જીવીશ તો મારા પતિ કિશોરકુમાર સાથે જ .

તેની જીદ સામે નમતું જોખી ખાન પરિવારે બાંદરાના ક્વાર્ટર રોડ પર ક્વાર્ટર ડેક ઈમારતમાં મધુબાલા અને કિશોર કુમારની સાથે રહેવાની વ્યવસ્થા કરી.પરંતુ મહિનાઓ સુધી કિશોર કુમાર મધુબાલા પાસે ફરકતો જ નહી. તે રડતી રહેતી. ફોન પર ફોન કરતી.પતિના વિરહમાં ઝૂરતી રહેતી. કિશોર કુમાર તેના ફોન ઉચકતો જ નહી.કયારેક ઉચકે તો વચ્ચેથી જ રીસીવર મૂકી દે.કવચિત સામેથી  ફોન કરે ત્યારે મધુબાલા રાજી ની રેડ થઇ જતી.

કિશોર કુમાર સમજાવતો કે જો હુ તારી  સામે આવીશ તો તુ રડીશ,ઝગડો કરીશ,દુ:ખી થઈશ અને તારી તબિયત વધુ બગડે એમ હુ ઈચ્છતો નથી.બે- ત્રણ મહીને એકાદ વાર એકાદ કલાક માટે આવતા પતિ કિશોર કુમારની મધુબાલા રાહ જોયા કરતી. ફોન કરતી ત્યારે કિશોર કુમાર સમજદારીના  સુર રેલાવતો કે તુ તારી તબિયત નું ધ્યાન રાખ.તુ ઉદાસ નહિ રહે.તને આરામની જરૃર છે.અને ફોન કપાઈ જતો.

પરંતુ મધુબાલા ઈતજાર કરતી રહેતી.કલાકો સુધી સમુદ્રના મોજાઓને દૂર બારીમાંથી  તાકતી રહેતી એકદમ ગુમસુમ બેસી રહેતી.કિશોરકુમારના ઊપેક્ષાભર્યા વર્તનને તે સારી રીતે સમજાતી હતી.સ્ત્રી સહજ ઈર્ષ્યામાં મધુબાલા બળતી રહેતી.

તેને કિશોર કુમાર પણ સંદેહ થતો.પણ પોતાના હૃદયનું ઓપરેશન કરી ફરી પાછી સ્વસ્થ બનશે અને ફિલ્મોમાં કામ કરવાનું શરુ થઇ જશે ત્યારે પતિ કિશોર કુમાર ફરી પાછો પોતાની તરફ વળશે એવી દૃઢ ઈચ્છા શક્તિએ ફક્ત બે વર્ષ સુધી જીવવાની શકયતા ધરાવતી બીમાર મધુબાલાને નવ વર્ષ સુધી જીવતી રાખી.

ધીમી ગતિ એ મૃત્યુ તરફ ધકેલાતી રૃપેરી પરદાની રાણી મધુબાલા ધીમે ધીમે અશક્ત અને કૃશકાય બની ગઈ.તેના ચાહકો પોતાની સ્વપ્નપરી મધુબાલાને મળવા માંગતા પરંતુ તે કોઈને જ મળતી નહી.અરીસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળી નિસાસો નાખતી મધુબાલા કહેતી....દ્દેખો મૈ કયાં સે કયાં હો ગઈ...હૃદય પર શારડી ફરી વળતી.તેની બીમારી વધતી ચાલી. મોઢામાંથી અને નાકમાંથી લોહી નીકળી આવતું.છેલ્લા દિવસોમાં તે તદ્દન પથારીવશ થઇ ગઈ હતી.

છતાંય તે જતે નહાતી.પોતાના હાથે જમવાની કોશિશ કરતી.તેના  ખાટલાની બાજુમાં ઓક્સીજન સિલેંડર પડ્યું રહેતું.કારણ તેને શ્વાસ લેવાની તફ્લીક પાડવા લાગી હતી. પરિવાર ના સભ્યોને મધુબાલા પોતાની બીમારી પાછળ પૈસા વેડફવાનું બંધ કરવા સમજાવતી.કારણ તે જાણતી હતી કે તેના વગર ઘરમાં બીજું કોઈ કામાતુ નથી અને હવે પોતે વધુ જીવવાની નથી.

એકવાર તેનો પહેલો પ્રેમ દિલીપકુમાર મધુબાલાને મળવા માટે બ્રીચકેન્ડી હોસ્પિટલ પહોચ્યો હતો.તે વખતે દિલીપ સાયરાના લગ્ન થયા નહોતા.પથારીવશ મધુબાલાએ દિલીપકુમારનો હાથ પકડી પૂછયું હતું જો હુ સારી થઇ જાઉં તો મારી સાથે ફરીથી કામ કરીશ?દિલીપ કુમારે તરતજ હકાર દર્શાવતા કહ્યું હતું કે ચોક્કસ હુ તારી સાથે કામ કરીશ.

તુ જલ્દીથી સાજી થઇ જા.મધુબાલાને આશાનું કિરણ બતાવનાર દિલીપ કુમાર બીજા જ મહીને સયારાબાનોને પરણી જઈ જીવનમાં ઠરીઠામ થઇ ગયો.મધુબાલાને દિલીપ કુમાર સાયરાબાનોના લગ્નના સમાચાર જે દિવસે મળ્યા તે અખો દિવસ રાત મધુબાલા સતત રડતી રહી પરંતુ હવે તે દિલીપકુમારને કશું જ આપી શકવા સમર્થ નહોતી.

૨૩મી ફેબ્રુઆરી ૧૯૬૯ ને દિવસે મધુબાલાની તબિયત અત્યવસ્થ બની ગઈ. અતાઉલ્લાહ ખાને કિશોર કુમારને ફોન કર્યો કે મધુબાલાને મળવા આવો.પરંતુ કિશોર કુમાર તે સમયે કલકતા જવા ફ્લાઈટમાં નીકળી ગયો હતો અને તેને આયોજકોના પૈસા ડૂબી જવાની ચિંતા હોવાથી કિશોર કુમારે ફોન પર આવવાની અસમર્થતા દર્શાવી.તમે મધુબાલાને ફરી કયારેય જોઈ શકશો નહી ના જવાબમાં ફોન કટ કરાઈ ગયો હતો.

હિન્દી ફિલ્મ જગતના રૃપેરી પરદે,કચકડામાં કંડારાતી,કરોડો દર્શકોના દિલ પર રાજ કરતી મધુબાલા આ સ્વાર્થી ,ફાની દુનિયાને કાયમ માટે અલવિદા કહી જતી રહી હતી.દિલીપકુમાર મદ્રાસથી વિમાન પ્રવાસ કરી મધુબાલાના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા.પોતાની અતિસુંદર દીકરીને કાયમ માટે દૂર જતી જોવાની તાકાત અતાઉલ્લાહ ખાનમાં નહોતી.ઘણી બહાર નીકળતો જનાજો જોઈ તેઓ બેભાન થઇ જમીન પર ફસડાઈ પડ્યા.

દફનક્રિયા

આભાર - નિહારીકા રવિયા  બાદના ત્રણ દિવસ સુધી દિલીપ સા'બના ઘરેથી મધુબાલાના પરિવાર માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવતી હતી.અતાઉલ્લાહ ખાન મધુબાલાના મરણથી ખુબ જ વ્યથિત રહેવા લાગ્યા.તેઓ દરરોજ મધુબાલાની કબર પર જઈ ત્યાં કલાકો સુધી બેસી રહેતા ,રડ્યા કરતા.છ વર્ષ બાદ અતાઉલ્લાહ ખાન હૃદયરોગનાહુમલાને કારણે મરણ પામ્યા .મધુબાલાના જીવનમાં રહેલો ત્રીજો પુરુષ ફાની દુનિયા છોડી પોતાની લાડકવાયી પાસે ચાલી ગયો.

દીપક નહી જલાતા ફિરભી પરવાને જળ રહે હૈ કોઈ નહી ચાલતા ફિરભી તીર ચલ રહે હૈ.....આએગા ...આએગા..આએગા આનેવાલા.....
 

Tags :