FOLLOW US

'એફઆઈઆર'ની ચન્દ્રમુખીને કદી વખાણ સાંભળવાનો સમય જ નહોતો મળ્યો

Updated: May 25th, 2023


- 'સાથી કલાકારો કે સમીક્ષકોને હું ન ગમું તો મને એનાથી કોઈ ફરક  પડતો નથી. ૪૨ વરસની ઉંમરે લોકો મારા વિશે શું વિચારે છે એની હું પરવા નથી કરતી. '

બો લિવુડથી લઈ હોલિવુડ સુધી પીઆર મેનેજરો અને પબ્લિસિસ્ટ્સની બોલબાલા છે. ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એમના વિના ચાલતું નથી. 'આરઆરઆર' ફિલ્મનું ગીત 'નાટુ નાટુ' ઓસ્કર એવોર્ડની રેસમાં હતું ત્યારે ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીએ પ્રચાર માટે હોલિવુડની એક ટોપની પીઆર એજન્સીને હાયર કરી હતી. વરસો પહેલા આમિર ખાને પણ 'લગાન' માટે ઓસ્કર મેળવવા આવું જ કર્યું હતું. ઈન શોર્ટ, મોટાભાગની સેલિબ્રિટીઝ પોતાની પબ્લિક ઈમેજ બનાવવા અને રેલેવન્ટ રહેવા પબ્લિસિસ્ટ અથવા પીઆર મેનેજરની મદદ લે છે. જોકે ટીવી એકટ્રેસ કવિતા કૌશિક પોતાને એમાં એક અપવાદ ગણવાનું પસંદ કરે છે. 'મારી આખી કરિયરમાં મેં બિગ બોસને બાદ કરતા કદી કોઈ પીઆરઓને હાયર નથી કર્યો,' એવો દાવો કવિતા ગર્ભભેર કરે છે.

આ મારી એક સભાન પસંદગી છે અને વ્યક્તિ તરીકે હું કેવી છું એ આ નિર્ણય દર્શાવે છે એવી કૈફિયત આપતા કવિતા કૌશિક ઉમેરે છે, 'બીજી સેલિબ્રિટીઝની જેમ ઈમેજ-બિલ્ડિંગમાં મારું કામ નહીં. કદાચ હું એ કરવા ઇચ્છું તો પણ મારામાં એ માટેની ખાસ ટેલેન્ટ નથી. વો મેરે બસ કા નહીં હૈ. કોઈને હું એક્ટર તરીકે ગમું તો બહુ સારું અને ન ગમું તો હું એમાં કંઈ કરી ન શકું. હું એવા એક્ટરો જેવી નથી બની શકતી જેઓ પત્રકારોને પોતાના ઘરે બોલાવી અછોવાના કરે છે.'

પરંતુ પ્રશ્ન એ છે કે શું કવિતાનો આવો અભિગમ સાથી કલાકારો અને સમીક્ષકોને પસંદ છે? એના જવાબમાં કવિતા બિન્દાસ કહી દે છે, 'કદાચ એમને ન ગમે તો પણ શું? મને એનાથી કોઈ ફરક નથી પડતો. ૪૨ વરસની ઉંમરે લોકો મારા વિશે શું વિચારે છે એની હું પરવા નથી કરતી. ૨૦ વરસથી હું આ લાઈનમાં છું અને એ દરમિયાન મેં ક્યારેય એ વાતની ચિંતા નથી કરી કે લોકો મને કેવી ગણે છે. લોકો મારા વિશે શું વિચારે છે એ વિશે ફિકર કરવાની મેં ક્યારેય તસ્દી નથી લીધી.'

ગોસિપમાં રચ્યાપચ્યા રહેવાને બદલે કવિતા પોતાના કામ પર ફોકસ કરવાનું પસંદ કરે છે. 'મૈં ક્રિયેટીવલી ઇતની એક્ટિવથી ઔર બિઝી થી કી મેરે પાસ આવો બહેન ચુગલી કરે - વાલા ટાઈમ હી કભી નહીં થા. મેં લાગલગાટ ૯ વરસ સુધી ટીવી સીરિયલ 'એફઆઈઆર' કરી અને એમાં હું એટલી ખૂંપી ગઈ હતી કે તમામ પ્રકારના ટીવી પોલિટિક્સથી દૂર રહી. કોણ શું કહે છે અને કોને ક્યો એવોર્ડ મળવાનો છે એ જાણવાનો મારી પાસે ટાઈમ જ નહોતો,' એવું કવિતાનું કહેવું છે.

એકટ્રેસ તો ત્યાં સુધી કહે છે એ 'એફઆઈઆર'માં સબઇન્સ્પેક્ટર ચન્દ્રમુખી ચૌટાલાના રોલ માટે લોકોના વખાણ સાંભળવાનો પણ મારી પાસે ટાઈમ નહોતો. આ શો પૂરો થયાના ઘણાં વખત પછી મને જાણ થઈ કે સિરીયલે લોકો અને ટીવી ઇન્ડસ્ટ્રી પર કેવી અસર છોડી છે. આજે પણ બાળકો 'એફઆઈઆર' જોયા પછી મને મળે છે અને ઓળખી કાઢે ત્યારે નવાઈ લાગે છે. બાકી, મુઝે કભી અચ્છા સુનને કા ટાઈમ ભી નહીં મિલા તો બુરા ક્યાં સુનતી! 

Gujarat
IPL-2023
Magazines