- OTT ઓનલાઈન- સંજય વિ. શાહ
- 2025 ઓટીટી માટે અનેક સીમાચિહ્નોનું, પડકારોનું, નવીનતાનું, આકાર લેતી સ્પર્ધાનું ઘટનાસભર વરસ રહ્યું. જોઈએ, 2026ના પટારામાંથી શું નીકળે છે.
૨૦ ૨૫ પૂરું થવાને છે. આ વરસમાં ઓટીટી પર શું જોયું, શું ગમ્યું અને સરસ રહ્યું, શું નહીં ગમ્યું અને નબળું રહ્યું એની ચર્ચા તો બને જ છે. આ વરસની ઘટનાઓનું મુદ્દાસર વિહંગાવલોકન કરીએ.
માર્કેટની માયાજાળ
આખી દુનિયામાં સૌથી ઝડપભેર વિકસતી ઓટીટી માર્કેટમાં એક આપણી ઇન્ડિયાની છે. કોવિડકાળમાં એણે રફ્તાર પકડી, પછી એક નાનકડા અરસા માટે મંદ પડી અને પછી વિકાસપંથે છે.
હવે લગભગ ૬૦ કરોડ લોકો ઓટીટીના થોડા કે ઝાઝા પ્રેમી થઈ ગયા છે. એમાંના પંદરેક કરોડ લોકો એક અથવા બીજા ઓટીટી પ્લેટફોર્મ માટે માસિક કે વાષક સબસ્ક્રિપ્શન ચૂકવે છે. કુલ સબસ્ક્રાઇબર્સમાંના ૮૭% એટલે બાવન કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ ઓટીટી માણવા ટીવીનો ઉપયોગ પણ કરે છે. આમ, ઓટીટી માત્ર મોબાઇલ પૂરતું સીમિત મનોરંજનનું માધ્યમ નથી.
આ વરસે લગભગ બધાં ઓટીટી પ્લેટફોર્મ્સે દર્શકોના માથે જાહેરાત મારવાની શરૂ કરી દીધી. એક નેટફ્લિક્સને બાદ કરતાં. એ પણ ત્યારે કે જ્યારે અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ્સે ઓરિજિનલી જાહેરાત વિના મનોરંજન પૂરસવાનો વાયદો કર્યો હતો. હવે વાયદો ફેરવી તોળતાં આ પ્લેટફોર્મ્સે એવા પ્લાન બનાવ્યા જેમાં જાહેરાત વિના મોજ કરવાને એક્સ્ટ્રા રૂપિયા ચુકવવા પડે.
આ એક્સ્ટ્રા રૂપિયા અને જાહેરાતે ઓટીટીઝની આવકમાં વૃદ્ધિ કરાવી આપી છે. મારા-તમારા પૈસે અને સમયના ભોગે, નહીં તો શું. આંકડા કહે છે કે ૨૦૨૫માં ઓટીટી પ્લેટફોર્મ્સની સંયુક્ત આવક રૂ. ૨૩,૯૩૬ કરોડ રહી છે. ૨૦૨૪ કરતાં આ આંકડો સત્તરેક ટકા વધ્યો છે.
આ આવકના ૫૮% પ્રાઇમ વિડિયો, નેટફ્લિક્સ અને યુટયુબ ઉસેડી ગયાં. બાકી રહ્યાં ૪૨% ટકા એમાં બાકીનાં બધ્ધાંએ યથાશક્તિ રકમ ઘરભેગી કરી.
જોકે નવાઈની કે સ્વાભાવિક વાત એ કે ઓટીટીને માત્ર ઓટીટી તરીકે નહીં જોતાં, ઓનલાઇન માધ્યમ તરીકે જોઈને મૂલવીએ તો, આ વરસે પણ સૌથી વધુ જોવાતું પ્લેટફોર્મ યુટયુબ જ છે. ઇન્ટરનેટ કનેક્ટેડ ૮૫% લોકો ક્યારેક તો યુટયુબ જુએ જ છે. એનું સબળ કારણ એ પણ ખરું જ કે યુટયુબ મફતમાં માણવું આસાન છે.
આવકની દ્રષ્ટિએ આ વરસે પણ અમેરિકા ઓટીટી માટે સૌથી મોટી બજાર રહી. દર્શકોની દ્રષ્ટિએ ચીન અને ભારત સર્વોપરી રહ્યાં. ચીનમાં ઓટીટી જોનારા દર્શકોની સંખ્યા ૧૨૭ કરોડને આંબી ગઈ છે. ભારતમાં સંખ્યા ૬૦ કરોડ પાર થઈ છે. અમેરિકામાં દર્શકોની સંખ્યા ઓલમોસ્ટ પચીસ કરોડે પહોંચી છે. બ્રાઝિલમાં સંખ્યા સાતેક કરોડ તો ઇન્ડોનેશિયામાં છે છ કરોડ. દુનિયાભરની વાત કરીએ તો ઓટીટીના દર્શકોની સંખ્યા ૫૦૦ કરોડ પાર થઈ ગઈ છે.
નેટફ્લિક્સ અને પ્રાઇમ વિડિયો લગભગ આખી દુનિયામાં જોઈ શકાય છે. ડિઝની પ્લસ ૧૫૦થી વધુ દેશોમાં જોઈ શકાય છે.
ઓટીટીના વિકાસમાં અને દર્શકોની વધતી સંખ્યામાં જોકે સૌથી મોટું યોગદાન ક્રિકેટનું છે. આઈપીએલ, ડબલ્યુપીએલ, (પુરુષો અને મહિલાઓના) ક્રિકેટ વર્લ્ડ કપ વગેરે વગેરે પાછળ દર્શકો એવા ઘેલા છે કે ના પૂછો વાત. એટલે જ્યારે કોઈ તગડી ક્રિકેટ ટુર્નામેન્ટ આવે કે ઓટીટી પર દર્શકોની સંખ્યા સડસડાટ વધે. એ અરસામાં પેઇડ સબસ્ક્રાઇબર્સ પણ વધે.
ઓટીટી પર સૌથી વધુ જોવાતું કોન્ટેન્ટ છે ઓરિજિનલ વેબ શોઝ અને ઓટીટી માટે બનેલી ફિલ્મો. પછી એ કોઈપણ ભાષાની હોય કારણ એને માણવા માટે સબટાઇલ્સ અને ડબિંગ છે.
એવું નથી કે આપણું કોન્ટનેટ માત્ર ભારતમાં લોકપ્રિય છે. જેમ આપણે કોરિયન વગેરે કોન્ટેન્ટ માણીએ છીએ એમ વિદેશીઓ પણ આપણું કોન્ટેન્ટ ભરપૂર માણે છે. એટલું કે સો વખત આપણું કોન્ટેન્ટ જોવાય તો એમાંથી પચીસ વખત એ ભારત બહાર દુનિયાના કોઈક ખૂણામાં જોવાયું હોય છે.
દર્શકો જેને મેક્ઝિમમ જુએ છે એવાં પ્લેટફોર્મ્સ એ છે જે જાહેરાતની મહેરબાનીથી વિનામૂલ્યે જોઈ શકાય છે. આ વરસે એવાં પ્લેટફોર્મ્સે ગયા વરસની તુલનામાં ૨૦% વ્યુઅરશિપમાં વધારો જોયો. જેના દામ ચુકવવાં પડે એવાં પ્લેટફોર્મ્સ તો સોમાંથી માત્ર પચીસ વપરાશકર્તા જ જુએ છે.
આ વરસે વધ્યું છે એ છે પે-પર-વ્યુ ટાઇપના કોન્ટેન્ટ. આમિર ખાને એની ફિલ્મ 'સિતારે ઝમીન પર' એ રીતે જ રિલીઝ કરી હતી.
ગયા વરસ સુધી કોન્ટેન્ટ ક્રિએશન માટે આડેધડ નાણાં ફૂંકનારાં ઓટીટી પ્લેટફોર્મ્સ આ વરસે ખર્ચની બાબતમાં જરા શાણાં થયાં છે. ખર્ચાળ અને સ્ટાર-સ્ટડેડ ફિલ્મો, સિરીઝ બનાવવામાંથી તેઓ કદાચ ઊંચાં આવી ગયાં છે. હવે તેઓ ધ્યાન આપે છે સસ્તું (કે માફક દરનું) ભાડુંને સિદ્ધપુરની જાત્રા પર.
આ વરસે પ્રસાર ભારતીએ પણ ઓટીટીના મેદાનમાં વ્યવસ્થિત રીતે ઝંપલાવ્યું છે. એનું પ્લેટફોર્મ વેવ્ઝ ઓટીટી અજમાવ્યું ના હોય તો ડાઉનલોડ કરી લેજો. વેવ્ઝ ઓટીટી સાફસુથરું મનોરંજન પીરસતી એપ છે. એણે લાયન્સગેટ પ્લે, ઇરોઝ નાઉ અને પીટીસી પ્લે સાથે ભાગીદારી કરી છે. દસ ભાષામાં એમાં મનોરંજન ઉપલબ્ધ છે. ગુજરાતીમાં પણ. એના પર આશરે સિત્તેર ટીવી ચેનલ્સ જોઈ શકાય છે. સાથે રેડિયો, લાઇવ ઇવેન્ટ્સ (જેમ કે મન કી બાત, અયોધ્યામાં રામલલ્લાની આરતી), ઓએનડીસી આધારિત શોપિંગ... ઘણુંબધું છે. બાળકો માટે અલાયદું સેક્શન છે. ક્લાસિક સાથે લેટેસ્ટ અને પ્લેટફોર્મ માટે સર્જાતું મનોરંજન માણી શકાય છે.
દુનિયાએ શું જોયું?
ડિઝની પ્લસ પર 'બ્લ્યુ' શોની ત્રીજી સીઝન જાન્યુઆરીથી જૂન વચ્ચે ૨,૫૦,૦૦,૦૦૦,૦૦૦ મિનિટ જોવાઈ! એ ઓસ્ટ્રેલિયન શો છે. ભુલકાંઓ માટેના આ શોઝમાં વાત છ વરસના એવા શ્વાનની વાત છે જે માનવસમ લાગણી અને ભાવનાઓ ધરાવે છે. આપણે ત્યાં એને માણો જિયો હોટસ્ટાર પર, પણ માત્ર અંગ્રેજીમાં. 'એડોલસન્સ'ની સફળતાની લહેરો ભારતમાં પણ પહોંચી. એ ૧૪,૫૦,૦૦,૦૦૦ વખત જોવાઈ ગઈ છે. 'સ્ક્વિડ ગેમ'ની ત્રીજી સીઝન ભલે સૌથી નબળી પણ એને દર્શકો અઢળક મળ્યાં. પહેલા ત્રણ જ દિવસમાં સિરીઝ છ કરોડ વ્યુઝ મેળવી શકી હતી. કુલ વ્યુઝ પહોંચ્યા દસ કરોડ પાર. એ સિવાયના નોંધપાત્ર શોઝ હતા - 'ગ્રેઝ એનોટોમી', 'એનસીઆઈએસ', 'ફેમિલી ગાય', 'બોબ્સ બર્ગર્સ', 'સ્પોન્જબોબ સ્ક્વેઅરપેન્ટ્સ', 'ધ બિગ બેન્ગ થિયરી', 'રીચર' સીઝન ત્રણ, 'ધ રૂકી', 'લેન્ડમેન', 'ધ વ્હાઇટ લોટસ' વગેરે. આ શોઝ અલગ અલગ પ્લેટફોર્મ પર છે.
નેશનલ ઓટીટી, પ્રાદેશિક ઓટીટી
આ વરસે અંગ્રેજી અને હિન્દી ઓટીટી પ્લેટફોર્મ્સ સાથે પ્રાદેશિક ઓટીટીની સ્પર્ધા વધુ સંગીન થઈ છે. વિશેષ તો દક્ષિણ ભારતીય દર્શકો એમની માતૃભાષામાં ઓટીટી માણવાના મામલે વધુ હોશીલા રહ્યા છે. એ સિવાય મરાઠી અને બંગાળી ભાષાઓમાં પણ કોન્ટેન્ટનો વ્યાપ વધ્યો છે.
પ્રાદેશિક ભાષાઓનો દબદબો એવો વધ્યો છે કે ઓટીટી પર હવે ૪૮% મનોરંજન એક અથવા બીજી દેશી ભાષામાં માણવામાં આવી રહ્યું છે.
વરસભરમાં (ઓનલાઇન રેકોર્ડ પ્રમાણે) ૨,૬૨૦ ટાઇટલ્સ રિલીઝ થયાં. એમાંનાં ૫૦% હિન્દીભાષી હતાં. બાકીનાં અન્ય ભારતીય ભાષાઓમાં. એમાંથી સાઠ જેટલી ફિલ્મો એવી હતી જે માત્ર ઓટીટી પર રિલીઝ થવાને બની પણ અમુકને મર્યાદિત સમય માટે મોટા પડદે પણ મૂકવામાં આવી.
ફરી મળીએ, નવા વરસે.
ભારતના ટોપ ઓટીટી પ્લેટફોર્મ્સ
દેશમાં નંબર વન ઓટીટી પ્લેટફોર્મ કોણ? જિયો હોટસ્ટાર સ્તો. એનું કારણ એની પાસે સ્પોર્ટ્સ (ખાસ તો ક્રિકેટ)ના પ્રસારણના અધિકારો છે. ઓટીટીના ૭૩% દર્શકો જિયો હોટસ્ટારનો ઉપયોગ કરે છે.
એ પછી પ્રાઇમ વીડિયો છે. એનો નવપરાશ કરનારા દર્શકોની માત્રા ૬૩% છે. ત્રીજા સ્થાને નેટફ્લિક્સ છે. ૬૧% ઓટીટી યુઝર્સ એને માણે છે.
એ પછી ઝીફાઇવ છે. એના પછી બાકીનાં બધાં, સોની લિવ સહિતનાં પ્લેટફોર્મ્સ.
સૌથી વધુ જે પ્રકારના મનોરંજનની ડિમાન્ડ છે એ ડ્રામા, ક્રાઇમ થ્રિલર અને એક્શન છે. આ ત્રણ ભેળા મળીને ઓટીટી પર જોવાતી ચીજોના ૬૧% ઉસેડી જાય છે. અ પછી આવે કોમેડી (૧૪%) અને પછી ક્યાંક આવે રોમાન્સ (૧૨%). ખરેખર, દુનિયામાં પ્રેમની વેલ્યુ ઓછી થઈ રહી છે, નહીં?
દુનિયાના ટોપ ઓટીટી પ્લેટફોર્મ્સ
યુટયુબ ઓનલાઇન પ્લેટફોર્મ વધુ અને ઓટીટી પ્લેટફોર્મ ઓછું છે પણ દર્શકોના મામલે એ નંબર વન છે. એ સિવાય દુનિયાનાં ટોપ ઓટીટી પ્લેટફોર્મ્સ નેટફ્લિક્સ, પ્રાઇમ વીડિયો, ડિઝની પ્લસ, હુલુ, ટેન્સેન્ટ વીડિયો, (એચબીઓ) મેક્સ છે. નેટફ્લિક્સના પેઇડ વપરાશકર્તા ૩૦ કરોડથી વધુ છે. પ્રાઇમ વીડિયોના વીસ કરોડથી વધુ. ડિઝની પ્લસના લગભગ ૧૩ કરોડ. મેક્સના ૧૨ કરોડથી વધુ. હુલુના સાડાપાંચ કરોડ આસપાસ. ટેન્સેન્ટ અને એના પ્રતિસ્પર્ધી આઈક્યુઆઈક્યુઆઈ, બેઉના બાર-બાર કરોડ.


