Get The App

સેલિના જેટલી પોતાના અપહૃત ભાઈ મેજર વિક્રાંત માટે ઝુરે છે

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
સેલિના જેટલી પોતાના અપહૃત ભાઈ મેજર વિક્રાંત માટે ઝુરે છે 1 - image

પ્રિયંકા ચોપરા જોનસ અને અનુષ્કા શર્મા કોહલીની જેમ બોલિવુડની ભૂતપૂર્વ એકટ્રેસ સેલિના જેટલી પણ મિલિટરી બેકગ્રાઉન્ડ ધરાવે છે. એના સદ્ગત પિતા વી. કે. જેટલી ભારતીય સૈન્યમાં કર્નલ હતા, જ્યારે એના ભાઈ વિક્રાંત કુમાર જેટલી મેજર છે. કમનસીબે મેજર જેટલી લગભગ ૧૩ મહિનાથી લાપતા છે. મિડલ ઇસ્ટના કોઈ દેશમાંથી તેઓ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા હતા અને આજ સુધી એમનો પત્તો નથી.

પોતાના ભાઈ માટે ઝુરતી જેટલી અવારનવાર સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી પોતાની વ્યથા વ્યક્ત કરતી રહે છે. હમણાં છેલ્લે સોશ્યલ મીડિયા પર મૂકેલી એક પોસ્ટમાં લખે છે, 'મારો પરિવાર ૧૦૬૩૨ કલાક અને ૬,૩૭,૯૨૦ મિનિટથી ભાઈના કોઈ ખબર આવવાની રાહ જોઈ રહ્યો છે. એના ગુમ થયાને આજે ૧ વરસ, ૨ મહિના અને ૧૭ દિવસ એટલે કે કુલ ૪૪૩ દહાડા થયા.' હિન્દી ફિલ્મોની બ્યુટિફુલ એકટ્રેસે પોતાની પોસ્ટમાં જે રીતે મહિના, દિવસો, કલાકો અને મિનિટોની ગણતરી મૂકે છે એના પરથી ખ્યાલ આવે છે કે એનું ફેમિલી પળેપળ કેવી પીડામાંથી પસાર થઈ રહ્યું છે. પોસ્ટમાં જણાવ્યા મુજબ મેજર વિક્રાંતનું અપહરણ કરી એમને આઠ મહિના સુધી કોઈક દુર્ગમ સ્થળે રાખ્યા બાદ કોઈક અજાણ્યા સ્થળે કેદમાં રખાયા છે.

પોતાના ભાઈની તબિયત માટે ચિંતિત પોસ્ટમાં એવી માહિતી આપે છે કે લશ્કરમાં પોતાની વરસોની સેવા દરમિયાન મારા ભાઈને ઘણી ઈજાઓ થઈ છે. એમણે પોતાની યુવાની ભારતને સમર્પિત કરી છે. આપણાં વધુને વધુ જવાનો અને વેટરન્સને વિદેશોમાં ટાર્ગેટ કરાઈ રહ્યા છે, જે આપણાં દેશની સલામતિ માટે ચિંતાજનક બાબત છે.

ભાઈના છુટકારા માટે ભારત સરકારને દરમિયાનગિરી કરવાની અપીલ કરતા જેટલી કહે છે કે કતારમાંથી ભારતના નૌકાદળના અધિકારીઓને સલામત પાછા લાવવા જે પગલું ભરાયું હતું એવી જ એક્શન આ કેસમાં પણ લેવી જોઈએ. આપણાં જવાનો માટે આટલું તો કરવું જ રહ્યું. મેજર વિક્રાંત સલામત પાછા લાવવા બધા જ પ્રયાસ થવા જોઈએ.