કેટ બ્લેન્ચટ માત્ર એક કલાકાર નથી, પણ એ રૂપેરી પડદાથી પર ઉઠેલી એક સાંસ્કૃતિક ઘટના છે, એવું કહેનારા ઓછા નથી. બ્લેન્ચટનો અભિનય ભંડાર વૈવિધ્યતાનો માસ્ટરક્લાસ છે. બહુ ઓછા કલાકારોએ તેની જેમ સરળતાથી ડ્રામા, ફેન્ટેસી અને બાયોગ્રાફિકલ ભૂમિકાઓ ભજવી છે. 'ધી લોર્ડ ઓફ ધી રિન્ગ્સ'માં ગેલેડ્રીયલ તરીકે તેનું ચિત્રણ વિશ્વભરના ફેન્ટેસી ચાહકોને ગમ્યું. 'બ્લ્યુ જાસ્મીન'માં તેના એકેડમી એવોર્ડ વિજેતા પરફોર્મન્સથી આધુનિક મહિલાના વિનાશક મનોવૈજ્ઞાાનિક ઊંડાણો ઉજાગર થયા.
બ્લેન્ચટની વાર્તા પસંદ કરવાની આવડત પણ એટલી જ મહત્વની છે. બોક્સ ઓફિસના આંકડાઓ પાછળ ઘેલા થતા અનેક કલાકારોથી વિપરીત, તેણે ઘણીવાર માનવીય જટિલતામાં ડૂબકી મારે તેવી વાર્તાઓ પસંદ કરી છે. 'કેરોલ' અને 'ધી એવિયેટર' જેવી ફિલ્મો સાંસ્કૃતિક મહત્વ સાથે કલાત્મક ઊંડાણનું મિશ્રણ કરે તેવા રોલ પ્રત્યે તેની આસ્થા પ્રદર્શિત કરે છે.
ખાસ કરીને 'કેરોલ' ગ્રાઉન્ડબ્રેકિંગ હતું જેમાં સજાતીય સંબંધ વિશે શાલીનતાથી વાત કરાઈ હતી. બ્લેન્ચટનો પ્રભાવ તેની અભિનય પસંદગી પર અટક્યો નહિ. પડદાની બહાર પણ તે ફિલ્મમાં જાતીય સમાનતા અને સમાવિષ્ટતાની વાચાળ હિમાયતી બની. કાન ફિલ્મ ફેસ્ટીવલ જ્યુરીની પ્રમુખ બની, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સમસ્યાઓ વિશે મુદ્દા ઉઠાવ્યા.
યુવા પ્રતિભાને તેના માર્ગદર્શન અને સમર્થને એક સાંસ્કૃતિક ઘડવૈયા તરીકે તેની વિરાસત વધુ મજબૂત કરી છે. બ્લેન્ચેટ આગામી પેઢીના લેખકોમાં ખૂબ રસ લે છે, તેમની પાછળ સમય,ત્ક્તિ અને નાણું ત્રણેય રોકે છે. નવા અવાજોને પ્રોત્સાહન આપીને તે સુનિશ્ચિત કરે છે કે હોલિવુડનું ભાવિ તેજસ્વી રહે. તેણે હોલીવૂડને અમેરિકાના મનોરંજન હબમાંથી વૈશ્વિક મંચ બનાવ્યું છે, જ્યાં વૈવિધ્યસભર વાર્તાઓ અને અવાજો પાંગરી શકે.
કેટ બ્લેન્ચેટે આપણા શેખર કપૂરની પહેલી હોલિવુડની ફિલ્મ 'એલિઝાબેથ'માં ટાઇટલ રોલ કર્યો હતો તે યાદ છેને?


