સોનાક્ષીની ટેલેન્ટ પર ભ્રાતાશ્રી કુશ સિંહા ઓળઘોળ

સોનાક્ષી સિંહાના ઝહીર ઇકબાલ સાથેનાં લગ્નને લઈને સિંહા ફેમિલીમાં મતહોદો અને ટેન્શન ઊભુ થયું હતું. ડેડી શત્રુઘ્ન, મમ્મી પૂનમ કે ભાઈઓ - લવ અને કુશ કોઈ આ શાદીથી ખુશ નહોતા. પરંતુ સમય વીતવા સાથે હવે બધુ થાળે પડી ગયું.
સોનાક્ષીએ પોતાના મોટા ભાઈ કુશ સિંહાની ડિરેક્ટર તરીકેની ડેબ્યુ ફિલ્મ 'નિકિતા રોય'માં લીડ રોલ પણ કર્યો. પરેશ રાવળ અને અર્જુન રામપાલના મહત્ત્વના રોલ ધરાવતી એ મિસ્ટ્રી થ્રિલર હજુ એક મહિના પહેલા જ રિલિઝ થઈ પણ કમનસીબે એને સારો સિર્પોન્સ ન મળ્યો. પરંતુ નિકિતા રોયને કારણે સિંહા પરિવારમાં બધુ સમુસુતરુ હોવાનો સંકેત જરૂર મળ્યો. હવે કુશ સિંહાએ એક ઇન્ટરવ્યુમાં પોતાની લાડકી બહેનની એક્ટર તરીકે ભરપુર પ્રશંસા કરી 'સબ સલામત'નો વધુ એક પુરાવો આપ્યો છે.
એક મીડિયા ઇન્ટરએક્શનમાં કુશે સોનાક્ષી વિશે ખૂબ બધી વાતો કરી. સૌથી પહેલા સોનાક્ષીની ટેલેન્ટ વિશે વાત કરતા શત્રુઘ્ન સિંહાના જોડિયા પુત્રોમાંનો એક કુશ કહે છે, 'સોનાક્ષી વિશે મારો બહુ ક્લિયર ઓપિનિયન છે કારણ કે હું એને માત્ર એક ભાઈ તરીકે નહિ પણ સિનેમાના દર્શક તરીકે પણ જાણું છું. મને હમેશાં એવું લાગ્યું છે કે સોનાના પોટેન્શિયલનો હજુ સુધી પુરેપુરો ઉપયોગ નથી થયો. એના ઘણાં કારણો હોઈ શકે છે. ક્યારેક ડિરેક્ટર્સ સ્ટાર્સને અમુક હદથી આગળ જવા નથી દેતા, કારણ કે એમને સેટ પર કાસ્ટ વચ્ચે ટેન્શન ઊભુ થવાનો તેમને ડર લાગતો હોય છે. મેં સોનાક્ષી 'દબંગ', 'લૂટેરા' અને 'અકિરા' જેવી ફિલ્મો જોઈ છે અને એટલે જાણું છું કે એની પાસે એક્ટર તરીકે વિશાળ રેન્જ છે. મારી મૂવી 'નિકિતા રોય'માં એણે પોતાની રેન્જ બહુ સરસ રીતે બતાવી છે. એક્શનની સાથોસાથ એણે લાગણીનું ઊંડાણ પણ દાખવ્યું છે. 'નિકિતા રોય'ના પાત્રનાં ઘણાં પાસાં છે. એને કોઈ સારો એક્ટર જ ન્યાય આપી શકે. સમીક્ષકોએ પણ એને સોનાક્ષીના કરીઅરનું એક બેસ્ટ પરફોર્મન્સ ગણાવ્યું હતું. મને ખુશી છે કે અમે ભાઈ-બહેન સાથે મળીને નિકિતાના કેરેક્ટરનું પડદા પર યોગ્ય નિરૂપણ કરી શક્યા.'
કુશ પાસે સોનાક્ષીને શા માટે સારી ફિલ્મો ઓફર નથી થઈ એવું માનવાનાં કારણો છે. 'મને લાગે છે કે એ બધુ ચોઈસનું ચક્કર છે. ક્યારેક એક્ટર એવા નિર્ણયો લઈ લે છે જે એમના માટે શ્રેષ્ઠ નથી નીવડતા. પેપર પર બહુ સારી લાગતી કે નરેશન દરમિયાન એકદમ એકસાઇટિંગ જણાતી સ્ક્રિપ્ટ તમે શૂટીંગ શરૂ કરો પછી સાવ જુદી જ બની રહે એવું પણ બને. ક્યારેક એવું પણ બને કે લખાયેલી પટકથા કરતાં મૂવી સ્ક્રીન પર વધુ સારી લાગે. એકટર્સ પાસે બેસ્ટ પરફોર્મન્સ કઢાવવું એ ડિરેક્ટરની જવાબદારી છે. એટલે ધાર્યું કામ ન થાય ત્યારે હમેશાં એક્ટર્સને દોષ દેવો બરાબર નથી. ફિલ્મ મેકિંગ સાથે ઘણી બધી બાબતો જોડાયેલી હોય છે. સ્ટોરીનું પેપર પરથી પડદા પર નિરૂપણ કેવું હશે એ કોઈ કહી ન શકે. ધેટ ઈઝ અનપ્રેડિકટેબલ. એ ટેલેન્ટ જેટલો જ ચાન્સનો સવાલ હોય છે.'
સમાપનમાં શત્રુઘ્ન સિંહાના પુત્ર અને સોનાક્ષીના ભાઈ તરીકે પોતાને કેટલા પ્રેશરનો સામનો કરવો પડે છે એ વિશે કુશે એકદમ નિખાલતાપૂર્વક વાત કરી. કુશ કહે છે, 'મને નથી લાગતું કે કોઈ આવા પ્રકારના ફેમિલી પ્રેશરને ટાળી શકે. બટ ટુ બી ઓનેસ્ટ, હું ફેમિલીમાં સૌથી શાંત વ્યક્તિ છું. પોતાની બડાશ હાંકવની મને ક્યારેય જરૂર નથી પડી. એક જ વાતમાં મારો વિશ્વાસ છે કે તમે કંઈક સારું કરશો તો તમારું કામ જ બોલશે. મને મારા ફાધરે ફિલ્મો અને રાજકારણમાં મેળવેલી સિદ્ધિઓ
પર ગર્વ છે. બહુ જુજ લોકો બંને ફિલ્ડમાં સફળ થયા છે. એ જ રીતે સોનાક્ષીની ટેલેન્ટ માટે પણ મને ગર્વ છે. પરંતુ એ એમની સિદ્ધિઓ છે. બંનેમાંથી કોઈએ ડિરેક્શન કર્યું નથી એટલે મારા પર ઝાઝુ પ્રેશર નથી આવતું. મારું કર્તવ્ય માત્ર મને સોંપાયેલી જવાબદારી સારામાં સારી રીતે પાર પાડવાનું છે.'

