Get The App

બ્રિટની સ્પીયર્સ ભૂતપૂર્વ પતિની આવનારી આત્મકથાથી ફફડી રહી છે

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
બ્રિટની સ્પીયર્સ ભૂતપૂર્વ પતિની આવનારી આત્મકથાથી ફફડી રહી છે 1 - image

પોપ આઈકન બ્રિટની સ્પીયર્સ તેના ભૂતપૂર્વ પતિ કેવિન ફેડરલાઇનનું આત્મકથનાત્મક પુસ્તક 'યુ થોટ યુ ન્યુ' હજુ બહાર પણ પડયું નથી તો પણ દુખી દુખી થઈ ગઈ છે. આ પુસ્તકમાં ફેડરલાઈનના સ્પીયર્સ સાથેનાં લગ્ન, તેની બહુચર્ચિત મેન્ટલ હેલ્થ, અને તેમના તેર વર્ષના સહજીવન વિશે અંતરંગ ખુલાસાઓ કરવામાં આવ્યા છે. પ્રશંસકો આ પ્રકાશનની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે, પણ બ્રિટની તો આ બુકમાં શું શું લખાયું હશે તેની ચિંતા કરી કરીને અડધી થઈ ગઈ છે. 

સ્પીયર્સ અને ફેડરલાઈન ૨૦૦૪થી ૨૦૦૭ સુધી વિવાહિત રહ્યા. આ એ સમય હતો જ્યારે  તેમના પ્રત્યે મીડિયાનું તમામ ધ્યાન, જનતાનું  આકર્ષણ અને અંગત પડકારો હતા.  મનોરંજન જગતના જાણકાર રોબ  શટરસ્કૂપનાં સૂત્રોએ જણાવ્યા મુજબ સ્પીયર્સ પોતાના ભૂતપૂર્વ પતિના આગામી પુસ્તકની  જાહેરાતથી અચંબિત છે અને હવે એ કાનૂની કાર્યવાહીનો વિચાર કરી રહી છે. નવેમ્બરમાં તેમનો સૌથી નાના પુત્ર જેડન ૧૮ વર્ષનો થઈ જશે. તે પછી બાળઉછેર માટે આપવા પડતા કાનૂની લેવડદેવડ બંધ થઈ જશે. પતિદેવ કદાચ એટલે જ હવે ખુલીને બોલવા તૈયાર થયો છે. 

૨૦૦૪માં સ્પીયર્સ સાથે તેના રોમાન્સની શરૂઆત થઈ ત્યારે વિવાદ થયો હતો, કારણ કે તે વખતે એની પૂર્વપત્ની જેકસન પ્રેગનન્ટ હતી. એ જ વર્ષે પછી સ્પીયર્સ અને ફેડરલાઈને લગ્ન કરી લીધાં અને પછી થોડો સમય માટે રિયાલિટી ટીવી સીરીઝ 'બ્રિટની એન્ડ કેવિન: કેઓટિક'માં સાથે કામ કર્યું. આ કપલે બે પુત્રોને જન્મ આપ્યો. તે પછી પછી સ્પીયર્સે ૨૦૦૬માં છૂટાછેડા માટે અરજી કરી જેને ૨૦૦૭માં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું.  

જેમ જેમ 'યુ થોટ યુ ન્યુ' પુસ્તકની લોન્ચિંગ ડેટ નજીક આવી રહી છે, ત્યારે પ્રશંસકોનું ધ્યાન એ વાત પર રહેશે કે નવા સંસ્મરણો જૂની લડાઈઓને ફરી સજીવન થશે અને સ્પીયર્સ કાનૂની કાર્યવાહી અથવા પોતાના જવાબી ખુલાસા સાથે  તેનો સામનો કરશે.  

જેણે પોતાનો અવાજ પાછો મેળવવા સખત સંઘર્ષ  કરવો પડયો તેવી મહિલા માટે આ નવો ઘટનાક્રમ એક વાર ફરી તેની દ્રઢતાની પરીક્ષા કરી શકે છે.