Get The App

બ્રાન્ડ ન્યુ સિરીઝ 2026ની .

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
બ્રાન્ડ ન્યુ સિરીઝ 2026ની                                      . 1 - image

- સંજય વિ. શાહ 

- ઓપરેશન સફેદ સાગર 

- ધ રિવોલ્યુશનરીઝ

- પ્રસ્થાપિત સિતારાઓથી માંડીને નવોદિતો અને આશાસ્પદ કલાકારો સાથેની ઘણી નવી સિરીઝ પાઇપલાઇનમાં છે. આ વરસે એ રિલીઝ થશે. જે સફળ થશે એમની સીઝન્સ પણ બનશે.

અહીં આપણે એ સિરીઝની વાત ઓલરેડી કરી ગયા જેમની નવી સીઝન નવા વરસમાં આવે એવી શક્યતા છે. એની સાથે હવે વાત કરવી રહી બ્રાન્ડ ન્યુ સિરીઝની પણ જે પહેલીવાર આપણી સામે આવવાની છે. એ બધી નવી ફ્રેન્ચાઇઝી છે. આશાસ્પદ છે. આ રહી એવી સિરીઝની વાત. 

તસ્કરી: આ વાંચતા હશો ત્યારે ઇમરાન હાશમીને ચમકાવતી આ સિરીઝ નેટફ્લિક્સ પર આવી ગઈ હશે. 'હક' જેવી થિયેટરમાં ફ્લોપ પણ ઓટીટી પર ગાજી રહેલી ફિલ્મ પછી હાશમીનો આ બિગ બ્રેક છે. ક્રાઇમ થ્રિલર 'તસ્કરી'માં વાત છે મુંબઈ એરપોર્ટના કસ્ટમ્સ વિભાગના અધિકારીઓ અને દાણચોરોની. નીરજ પાંડે જેવા કાબેલ મેકરની આ સિરીઝની કથાના કેન્દ્રસ્થાને સુપરિન્ટેન્ડન્ટ અર્જુન મીનાનું પાત્ર છે. ડિરેક્ટર રાઘવ જયરથની સિરીઝમાં હાશમી ઉપરાંત શરદ કેળકર, ઝોયા અફરોઝ, અમૃતા ખાનવિલકર, નંદિશ સંધુ, અનુરાગ સિંહા જેવાં કલાકારો છે. કાયદાની છટકબારીઓ અને ખામીઓનો ઉપયોગ કરીને દાણચોરો કેવીક રીતે પોતાનો વેપાર ચલાવે છે અને અધિકારીઓ કેવી રીતે એમને ઝબ્બે કરવા મથતા રહે છે એ છે સિરીઝનો હાર્દ. 

ઓપરેશન સફેદ સાગર: નેટફ્લિક્સની આ સિરીઝ પણ આશાસ્પદ લાગી રહી છે. એની જાહેરાત થઈ છે અને આ વરસમાં જ રજૂઆત પણ થઈ જાય એવી પૂરી શક્યતા છે. યુદ્ધ વિશેની આ પિરિયડ સિરીઝની પ્રેરણા ૧૯૯૯નું કારગિલનું યુદ્ધ છે. ભારતીય વાયુસેનાએ ચલાવેલા ઓપરેશન સફેદ સાગરને કેન્દ્રસ્થાને રાખીને એની કથા ઘડાઈ છે. એ મહત્ત્વનું ઓપરેશન એટલે હતું કે મિલિટરીના ઇતિહાસમાં દરિયાઈ સપાટીથી સૌથી ઊંચે એ પાર પાડવામાં આવ્યું હતું. સિરીઝમાં સિદ્ધાર્થ, જિમી શેરગિલ, અભય વર્મા, મિહિર આહુજા વગેરે કલાકારો છે. ડિરેક્ટર ઓની સેન છે જેઓ 'અસુર'થી નામના કમાયા છે. સિરીઝના ફર્સ્ટ લૂકને નેટફ્લિક્સ રજૂ કરી ચૂકી છે. 

ધ રિવોલ્યુશનરીઝ: પ્રાઇમ વીડિયોની આ સિરીઝ આ વરસે આવશે એ નક્કી છે. એ પણ પિરિયડ ડ્રામા છે. આ નામની જ બેસ્ટ સેલિંગ બુક પરથી એ બની રહી છે, જેના લેખક સંજીવ સન્યાલ છે. તેઓ વડા પ્રધાનની આથક સલાહકારોની કાઉન્સિલના સભ્ય છે. સિરીઝના મૂળમાં આપણી આઝાદીના એ લડવૈયાઓ છે જેમના વિશે સામાન્ય ભારતીયો ઓછું જાણે છે. નિર્માતા-દિગ્દર્શક નિખિલ અડવાણી છે. કલાકારોમાં ભુવન બામ, રોહિત સરાફ, પ્રતિભા રત્ના, ગુરફતેહ પીરઝાદા, જેસન શાહ, પ્રતીક મોટવાણી વગેરે છે. આ એક ખર્ચાળ અને ગ્રાન્ડ સિરીઝ હશે એવું અત્યારે જણાઈ રહ્યું છે. 

હનીમૂન સે હત્યા: ઝીફાઇવની આ સિરીઝ ઓલરેડી સ્ટ્રીમ થઈ રહી છે. એના થથરાવી મૂકનારા વિષયને લીધે એ લોકર્ચાનો મુદ્દો બની છે. વાસ્તવિક ઘટનાઓ પર આધારિત સિરીઝમાં એ કિસ્સાઓ આસપાસ કથા ઘુમરાય છે જેમાં લગ્ન પશ્ચાત્ (હનીમૂન અને આસપાસના સમયમાં) પત્નીઓએ પોતાના પતિને મોતને ઘાટ ઉતાર્યા હોય. અજિતેશ શર્મા અને સચીન્દ્ર વત્સ દિગ્દશત સિરીઝના લેખક સત્યેન બોરડોલોઈ અને મૃણાલિની હવાલદાર છે. અનુરેખા ભગત મુખ્ય કલાકાર છે.

આ સિવાય: આ વરસમાં આવનારી જૂની-નવી સિરીઝના મામલે બીજી શક્યતાઓ પણ છે. જેમ કે 'દિલ્હી ડાયરીઝ' સિરીઝ દર્શકોને મળી શકે છે. જોકે સત્તાવાર રીતે એની જાણ થવાની બાકી છે. 'ઓ સાથી રે' નામની ઇમ્તિયાઝ અલીની સિરીઝ વિશે પણ વાતો થઈ રહી છે. એ આવી શકે છે નેટફ્લિક્સ પર. એમાં કલાકારો અદિતી રાવ હૈદરી, અવિનાશ તિવારી, અર્જુન રામપાલ વગેરે હશે. દિગ્દર્શક છે આરીફ અલી. સિરીઝનો પ્રકાર રોમાન્ટિક છે. 

એવી જ રીતે 'દલાલ', 'મટકા કિંગ' વગેરે સિરીઝ પણ પાઇપલાઇનમાં છે. 'મટકા કિંગ'માં પ્રતિભાશાળી વિજય વર્મા લીડ રોલમાં જોવા મળશે. ૧૯૬૦ના દાયકાથી મુંબઈમાં ફૂલ્યાફાલેલા મટકા નામના જુગારની વાર્તા સિરીઝમાં જોવા મળશે. બની શકે છે કે આપણી ધારણા કરતાં આ સિરીઝ વહેલી ઓનલાઇન આવી જાય.

'દલદલ' નામની પ્રસ્તાવિત સિરીઝમાં ભૂમિ પેડણેકર લીડ રોલમાં ચમકશે. એમાં એ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસના સ્વાંગમાં અટપટા કેસ ઉકેલશે. 'સુબેદાર'માં અનિલ કપૂર મુખ્ય પાત્ર ભજવશે. એ એક નિવૃત્તિ આર્મી ઓફિસરનું હશે. એણે લડવાની છે વાસ્તવિક જીવનમાં એક જંગ. 

આ થઈ એ સિરીઝની વાત જે બની રહી છે હિન્દીમાં. આ સિવાય ઇંગ્લિશ સિરીઝ અને સાઉથ ઇન્ડિયન સિરીઝ અલગ. જોવા જેવી વાત છે કે સંખ્યા અને ભપકાની દ્રષ્ટિએ મહત્તમ સિરીઝ નેટફ્લિક્સ અને પ્રાઇમ વીડિયોની છે. અન્ય ઓટીટી પ્લેટફોર્મ્સ આ મોરચે હજી ધીમાં છે. મોટું રોકાણ માગી લેતી અને પછી પણ સફળતાની ખાતરી નહીં આપતી સિરીઝ બનાવવા માટે જિયો હોટસ્ટાર, સોની લિવ સહિતનાં પ્લેટફોર્મ્સ ઝાઝો ઉત્સાહ ધરાવતાં નથી. 

તો પણ, મનોરંજનના ફુવારા આ વરસેય સતત ઊડવાના છે. એક નહીં તો બીજા પ્લેટફોર્મ પર. સજ્જ રહેજો ભીંજાવા માટે.