બોલિવુડ માટે 2026 એક ધમધમતું વરસ બની રહેવાનું છે. ગયું વર્ષ બિઝનેસની દ્રષ્ટિએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે વખાણવા લાયક નહોતું રહ્યું. તો શું 2026માં રિલીઝ થનારી ૧૦ મોટી ફિલ્મો બોલિવુડની ગાડીને ફરી પાટા પર ચડાવી એની તિજોરી છલકાવી શકશે?
૧. રામાયણ :
વરસો સુધી ચર્ચામાં રહ્યા બાદ આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યો છે. ૪૦૦ કરોડથી પણ વધુના ખર્ચે બે ભાગમાં બનેલી 'રામાયણ'નો પહેલો ભાગ ૨૦૨૬માં દિવિાળીએ રિલિઝ કરવાનું પ્લાનિંગ છે. મોટા સ્કેલ પર બનેલી આ પૌરાણિક ફિલ્મને ભવ્યાતિભવ્ય બનાવવા અત્યાધુનિક વીએફએક્સ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. નિવેશ તિવારીના ડિરેક્શનમાં બનેલી મૂવીમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામ, સાઈ પલ્લવી સીતા, કવિ દુબે લક્ષ્મણ અને સની દેઉલ હનુમાનના રોલમાં જોવા મળશે.
૨. ધુરંધર-ટુ :
આદિત્ય ધરની 'ધુરંધર'ને પ્રચંડ સફળતા મળ્યા બાદ સિનેમાપ્રેમીઓ હવે એની સિકવલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 'ધુરંધર-ટુ' ધરની ફ્રેન્ચાઈસને વધુ દિલધડક ડ્રામા અને થ્રિલિંગ એક્શન સાથે આગળ લઈ જશે. રણવીર સિંહ, અક્ષય ખન્ના, આર. માધવન અને અર્જુન રામપાલને ઇન્ટરેસ્ટિંગ કેરેકટર્સમાં ચમકાવતી આ મૂવી માર્ચ, ૨૦૨૬માં મોટા પડદા પર રિલિઝ થશે.
૩. કિંગ :
આ ફિલ્મ લોન્ચ થઈ ત્યારે એવી ચર્ચા હતી કે શાહરુખ ખાને પોતાની લાડકી દીકરી સુહાનાને નવેસરથી લોન્ચ કરવા આ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. સુહાનાની ઓટીટી પર રિલિઝ થયેલી ડેબ્યુ મૂવી 'ધ આર્ચિઝ'ને દર્શકોનો કંગાળ પ્રતિસાહ મળ્યો હતો. જો કે સમયાંતરે સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત કિંગ શાહરુખની મૂવી બની ગઈ છે. 'પઠાન' અને 'જવાન'ની જેમ એસઆરકે આ ફિલ્મમાં પાત્ર ડાર્ક કેરેક્ટરમાં જોવા મેળવાનો છે. ફિલ્મની સ્ટોરીલાઈન એકદમ ગુપ્ત રખાઈ છે પણ એવું કહેવાય છે કે સુપરસ્ટારે આવો રોલ પહેલા કદી કર્યો નથી. કિંગની સ્ટારકાસ્ટમાં એસઆરકે અને સુહાના ઉપરાંત દીપિકા પદુકોણ, રાની મુખરજી, અભિષેક બચ્ચન, જયદીપ અહલાવત અને રાઘવ જુયાલ જેવા મોટા નામ સામેલ છે.
૪. બોર્ડર-ટુ :
જે. પી. દત્તાની સુપર હિટ ફિલ્મ 'બોર્ડર'ની સિકવલનું સુકાન ડિરેક્ટર અનુરાગ સિંઘના હાથમાં છે. આ વોર ડ્રામા ૨૩મી જાન્યુઆરી, ૨૦૨૬ના થિયેટરોમાં રિલિઝ થશે. 'બોર્ડર-ટુ'માં સની દેઉલ લીડ રોલમાં છે અને એની કાસ્ટમાં વરુણ ધવન, દલજિત દોસાંજ, અહાન સુનીલ શેટ્ટી, મોના સિંહ, મેધા રાણા, સોનમ બાજવા અને અન્યા સિંહ જેવા જાણીતા નામો છે. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મનું ટીજર 'વિજય દિવસ'ના પ્રસંગે બહાર પડાયું હતું. ટીજરમાં યુદ્ધના મેદાનમાં ઉતરેલા આપણાં જાંબાજ જવાનોની સિંહ જેવી ત્રાડ અને એમના અદમ્ય જુસ્સાની ઝલક જોવા મળે છે.
૫. મર્દાની-૩ :
રાની મુખરજી 'મર્દાની-૩'માં ફરી એકવાર નીડર મહિલા પોલીસ ઓફિસર શિવાની શિવાજી રોયના રોલમાં જોવા મળશે. આ હિટ ફ્રેન્ચાઈસના ત્રીજા ભાગમાં રાની એક અત્યંત ક્રુર કેસના અપરાદીઓને ઝેર કરવા બહાર પડશે. પહેલા બે ભાગની જેમ ત્રીજા ભાગમાં પણ દર્શકોને જકડી રાખતી સ્ટોરી જોવા મળશે. પ્રોડયુસર આદિત્ય ચોપરા માટે આ ફિલ્મનું ડિરેક્શન અભિરાજ મીનાવાલાએ કર્યું છે. ફિલ્મ ૨૭ ફેર્બુઆરી, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં પ્રદર્શિત થશે.
૬. બેટલ ઓફ ગલવાન :
ઉપરાઉપરી ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ સલમાન ખાન હવે આ વોર મૂવી પર મોટી આશા રાખીને બેઠો છે. સલમાનના બર્થ ડે પર હમણાં ફિલ્મનું ટીજર બહાર પડાયું. અપૂર્વ લાખિયા દિગ્દર્શિત 'બેટલ ઓફ ગલવાન' સત્ય ઘટનાઓ પરથી પ્રેરિત ફિલ્મ છે. મૂવીના કેન્દ્રમાં ૫ વરસ પહેલો લડાખની એલઓસી પર આપણાં ૨૦ વીર જવાનોએ ચીનના લશ્કરને આપેલી યાદગાર લડતની ગાથા છે. ફિલ્મમાં સલમાન સાથે ચિત્રાંગદાસિંહ લીડ રોલમાં છે. 'બેટલ ઓફ ગલવાન'ને ૧૭મી એપ્રિલ, ૨૦૨૬માં રિલિઝ કરવાનું પ્લાનિંગ છે.
૭. આલ્ફા :
આલિયા ભટ્ટને શર્વરી વાઘ અને બોબી દેઉલ સાથે એક્શન અવતારમાં ચમકાવતી 'આલ્ફા'ની ૨૦૨૬માં આતુરતાથી વાટ જોવાશે. એટલા માટે કે ફિલ્મની રિલિઝ બબ્બે વાર મોકુફ રખાઈ છે. હમણાં આલ્ફાના મેકર્સે સલમાનની ૧૭મી એપ્રિલે રિલિઝ થનારી 'બેટલ ઓફ ગલવાન' સાથે બોક્સ ઓફિસ પર ટક્કર ટાળવા છેલ્લી ઘડીએ પોતાની રિલિઝ મુલતવી રાખી. આ પહેલા ૨૦૨૫માં ક્રિસમસના તહેવારોમાં એને રિલિઝ કરવાનું પ્લાનિંગ પણ પડતું મુકાયું હતું. 'આલ્ફા' ૨૦૨૬માં સિનેમાઘરોમાં રિલિઝ થશે પણ હજુ સુધી એની રિલિઝની તારીખ જાહેર કરાઈ નથી. બાય ધ વે, શિવ રવૈલ દિગ્દર્શિત 'આલ્ફા' યશરાજ ફિલ્મસના સ્પાય યુનિવર્સની છઠ્ઠી ફિલ્મ છે.
૮. લવ એન્ડ વોર :
સંજય લીલા ભણસાલીની આ બિગ બજેટ ફિલ્મ પાસેથી પણ બોલિવુડને ઘણી બધા આશા છે. ફિલ્મમાં પ્રણય ત્રિકોણની સ્ટોરી હોવાનું કહેવાય છે અને એને સ્ક્રીન પર સાકાર કરવા રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ પહેલીવાર સાથે આવી રહ્યા છે. 'લવ એન્ડ વોર'નું શુટિંગ નિર્ધારિત શેડયુલ પ્રમાણે હજુ પુરું નથી થયું એટલે એની રિલિઝ ડેટ અંગે કાંઈ કહી ન શકાય.
૯. દ્રશ્યમ-૩ :
'દ્રશ્યમ'ના પહેલા બે ભાગને કારણે અજય દેવગનનું પાત્ર વિજય સાલગાંવકર એક આઇકનિક કેરેક્ટર બની ગયું છે. ફ્રેન્ચાઈસની પહેલી બે ફિલ્મ હિટ થયા બાદ હવે ત્રીજી મૂવીનો સૌને ઇન્તઝાર છે. હાલ 'દ્રશ્યમ-૩'નું શૂટિંગ બહુવિધ શહેરો અને લોકેશન્સ પર ફુલ સ્પીડમાં ચાલી રહ્યું છે. ફિલ્મને બીજી ઓક્ટોબરે થિયેટરોમાં પ્રદરિશિત કરવાનું પ્લાનિંગ છે.
૧૦. શક્તિ શાલિની :
આયુષ્યમાન ખુરાના અને રશ્મિકા મંદાનાની 'થમ્મા' બાદ દિનેશ વિજાનના બેનરની થિયેટરોમાં રિલિઝ થનારી નેકસ્ટ ફિલ્મ 'શક્તિ શાલિની' છે. ફિલ્મમાં લીડ રોલ માટે પહેલા કિયારા અડવાનીને સાઈન કરાઈ હતી. પરંતુ હવે તેની જગ્યાએ 'સૈયારા'થી લાઈમલાઈટમાં આવેલી અનીત પડ્ડા ગોઠવાઈ ગઈ છે.


