Get The App

બોલિવુડને વર્લ્ડ-ક્લાસ બનવામાં હજુ બહુ વાર છે: અમિત સિયાલ

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
બોલિવુડને વર્લ્ડ-ક્લાસ બનવામાં હજુ બહુ વાર છે: અમિત સિયાલ 1 - image


- 'અમે સોશિયલ મીડિયા મારફત બધાના સીધા સંપર્કમાં છીએ. એટલે ટીકા-ટીપ્પણી તો થવાની જ. થોડું ટ્રોલિંગ પણ થાય. એટલે તમારે એ બધુ સહજ રીતે સ્વીકારીને ચલાવી લેવું પડે.' 

ટીવી સીરિયલોએ જેટલા નવા એકટર્સ નથી આપ્યા એટલા વેબ શોઝ આપી રહ્યા છે. વેબ સીરિઝને કારણે કન્ટેન્ટમાં વરાઇટી આવી છે અને નવી વિષય-વસ્તુને ન્યાય આપવા નવા ક્રેશ એકટર્સને પસંદ કરાય છે. એક્ટરના લુક કરતા એની ટેલેન્ટને પ્રાયોરિટી મળતી થઈ છે, જેને પગલે મિડલ એજ કેરેક્ટર એકટર્સનો નવો ફાલ આવ્યો છે. ફિલ્મમેકર્સ એમને વેબ શોઝમાં મેન રોલ આપતા પણ અચકાતા નથી. તાજો દાખલો અમિત સિયાલનો છે. કાનપુરમાં જન્મેલા પંજાબી પરિવારના નબીરા અમિત 'મિર્ઝાપુર', 'જમતારા' અને 'કાઠમંડુ કનેક્શન' જેવા પ્રોજેક્ટ્સ સાઇડ રોલ્સ કર્યા બાદ હવે વેબ શો 'ધ હન્ટ : ધ રાજીવ ગાંધી એસેસિનેશન કેસ'માં મેઇન ઇન્વેસ્ટિગેશન ઓફિસર ડી. આર. કાર્તિકયનની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ઓફ્ફબીટ ફિલ્મો માટે નાગેશ કુકનુરનો આ ઇન્ટરેસ્ટિંગ શો આજકાલ ચર્ચામાં છે.

તાજેતરમાં એક ઈવેન્ટમાં અમિતની હાજરીની નોંધ લઈ મીડિયાએ એમની સાથે એક બ્રિફ ઇન્ટરએક્શન ગોઠવી દીધું. મીડિયાનો પહેલો પ્રશ્ન બહુ સ્વાભાવિક હતો: સર, આજકાલ કોઈ ફિલ્મ કે શોમાં એકાદ રાજકીય નેતાનો જરાસરખો પણ ઉલ્લેખ હોય તો એમાંથી મોટો વિવાદ ઊભો થાય છે. ધ હન્ટ સાથે આવું જ થશે એવો તમને કદી ડર નહોતો લાગ્યો?' 

સિયાલ ખોખારા ખાઈને ખુલાસો કરે છે, 'સૌથી પહેલી વાત તો એ કે આ શો પોલિટિક્સ વિશે નથી. એમાં ફક્ત રાજીવ ગાંધીની ગોઝારી હત્યા બાદ એની ઇન્વેસ્ટિગેશનની વાત છે. હત્યાનું ષડયંત્ર કઈ રીતે રચાયું, કેવી રીતે એને અંજામ અપાયો એની જ વાત છે. સીરિયલના કેન્દ્રમાં હત્યાની તપાસ સિવાય બીજુ કશું નથી. બીજુ, હું એક એક્ટર છું એટલે આવી વાતોથી દોરવાઈને કે મનમાં ડર રાખીને મારા કામથી દૂર ભાગી ન શકું. મારું કામ જ વિવિધ પ્રકારના પાત્રોને ન્યાય આપવાનું છે. એક્ટિંગ મારા અસ્તિત્વનો મૂળ આધાર છે, ભાઈ.'

અમિત પાસેથી કોઈક ઇન્ટરેસ્ટિંગ 'મસાલો' કઢાવવા બીજો સવાલ પણ પત્રકારો આ જ સંદર્ભમાં પૂછે છે: તમે હન્ટ જેવી સીરિઝ સ્વીકારવા તૈયાર કઈ રીતે થયા? એની પાછળ તમારું શું પ્રયોજન હતું? મીડિયાનો ઇરાદો પામી ગયેલા સિયાલના ચહેરા પર સ્મિત આવી જાય છે, 'દેખિયે, સબસે પહેલી બાત તો એ કિ નાગેશ કુકનુર એક ફેન્ટાસ્ટિક ડિરેક્ટર હૈ. મને પહેલેથી એમની સાથે કામ કરવાની ઇચ્છા હતી. બીજુ, મેં પહેલા કદી રિયલ લાઈફ કેરેક્ટર ભજવ્યું નહોતું અને આવા રિયલ લાઈફ કમનસીબ બનાવને પડદા પર સાકાર કરવાની કદી તક પણ નહોતી મળી. એટલે આ બધી વાતો ભેગી થઈ અને પછી હું શો કરવાનો ઇન્કાર કરું તો બેવકુફ જ ગણાવું.'

પછી અમિતને એક સાંપ્રત સંદર્ભની પૃચ્છા થાય છે કે સર, તમને એવું લાગે છે કે આજકાલ ફિલ્મ કે શોના કન્ટેન્ટને લઈને લોકોમાં થોડી અસહિષ્ણુતા વધી રહી છે? 

એનો બેધડક ઉત્તર આપતા એક્ટર કહે છે, 'હા, એવું જ છે અને હવે અમારા જેવા ક્રિયેટીવ લોકો સોશિયલ મીડિયા મારફત બધાના સીધા સંપર્કમાં છીએ. એટલે ટીકા-ટીપ્પણી તો થવાની જ. થોડું ટ્રોલિંગ પણ થાય. એટલે તમારે એ બધુ સહજ રીતે સ્વીકારી લેવું પડે, ચલાવી લેવું પડે. તમે એક એક્ટર તરીકે આવી બાબતોને તમારી જર્નીમાં બાધા બનવા ન દઈ શકો. આટલી હિંમત તો રાખવી જ પડે અને મારા મતે તો દર્શકોના રિએક્શનને આવકારવું જોઈએ. અમુક રિએક્સન હશે તો અમુક સારા. ઇટ્સ ઓલ પાર્ટ ઓફ ધ બિઝનેસ.' 

સમાપનમાં એક વિચાર માગી લેતો અગત્યનો સવાલ: તમે આટલા વરસોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છો. તમે એક એક્ટર તરીકે ઇન્ડસ્ટ્રી માટે કેવો બદલાવ સૂચવશો? સિયાલનો જવાબ એકદમ રિયલ લાગે એવો છે, 'મારું એવું અંગત માનવું છે કે એક ઇન્ડસ્ટ્રી તરીકે અમારે હજુ લાંબી મજલ કાપવાની છે. આપણે સાવ પ્રારંભિક નહિ તો મિડલ સ્ટેજમાં છીએ. અમારે હજુ ક્રિયેટિવિટી સંદર્ભમાં, ઇન્ડસ્ટ્રીના અમારા ભાઈ-બહેનોની સુખાકારી સંબંધમાં અને એક વર્લ્ડ-ક્લાસ સિનેમા ઇન્ડસ્ટ્રી બનવાની દિશામાં લાંબો પથ કાપવાનો છે.' 

Tags :