- 'લગાન' અને 'મુન્નાભાઈ એમબીબીએસ'ની હિરોઇન ગ્રેસી સિંહે શાસ્ત્રીય નૃત્ય ઉપરાંત બ્રહ્માકુમારી સંસ્થા સક્રિય સભ્ય તરીકે આધ્યાત્મિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવા અભિનયના ક્ષેત્રને તિંલાજલી આપી દીધી.
- ઉર્મિલા માતોંડકરે કારકિર્દીની ટોચે પહોંચીને લગ્ન કર્યાં અને પછી રાજકરણનો હિસ્સો બનવા અભિનયક્ષેત્રની જવાબદારીઓ ઓછી કરી નાખી.
તાજેતરમાં રીમી સેને રિયલ એસ્ટેટમાં ધ્યાન કેન્દ્રિત કરવા ફિલ્મ ઉદ્યોગ છોડી દીધો. તેણે એક પોડકાસ્ટમાં ફિલ્મ ઉદ્યોગમાં પ્રચલિત જેન્ડર અસમાનતાની વાત કરી. રીમીના મતે આ ક્ષેત્રમાં મહિલા કલાકારો માટે કારકિર્દીનો સમયગાળો અત્યંત ટૂંકો હોય છે જ્યારે પુરુષ કલાકારો આસાનીથી બેથી ત્રણ દાયકા સુધી હીરો તરીકે કામ કરી શકે છે. રીમીના ફિલ્મ ક્ષેત્રથી સન્યાસ લેવાના નિર્ણયે અગાઉ ઉદ્યોગને સલામ ભરી દેનાર કલાકારોની યાદ તાજી કરાવી છે. રીમી સેન ઉપરાંત ફિલ્મ ઉદ્યોગ છોડી દેનાર કલાકારો પર નજર નાખીએ.
રીમી સેન
એક સમયે ૨૦૦૦ના દાયકામાં 'હંગામા' (૨૦૦૩), 'ધૂમ' (૨૦૦૪) અને 'ગોલમાલ' (૨૦૦૬)થી ઘર ઘરમાં જાણીતુ નામ બનેલી રીમી સેને દુબઈમાં રિયલ એસ્ટેટમાં ધ્યાન કેન્દ્રિત કરવા ફિલ્મ જગતને અલવિદા કહી દીધી છે. તેના જણાવ્યા અનુસાર આ નિર્ણય તેણે ઘણા સમય પહેલા લીધો હતો કારણ કે તેના મતે બોલીવૂડમાં મહિલા કલાકારોની કારકિર્દી લાંબો સમય નથી ચાલતી. રીમીના જણાવ્યા પ્રમાણે શાહ રૂખ અને સલમાન જેવા કલાકારો મોટી વયે પણ હીરોની ભૂમિકા નિભાવી શકે છે પણ એક સમયે તેમની સાથે હીરોઈન તરીકે કામ કરી ચૂકેલી મહિલા કલાકારોએ હવે માતા અથવા સાઈડના રોલ સ્વીકારવા પડે છે.
ટ્વિન્કલ ખન્ના
૯૦ના દાયકાના ઉત્તરાર્ધમાં તેમજ ૨૦૦૦ના દાયકાના પ્રારંભિક સમયમાં લોકપ્રિય અભિનેત્રી રહેલી ટ્વિન્કલ ખન્નાએ અક્ષય કુમાર સાથે લગ્ન પછી ઈન્ટીરીયર ડીઝાઈનિંગ અને લેખન પર ધ્યાન કેન્દ્રિત કરવા અભિનય ક્ષેત્ર છોડી દીધું. આજે તે સફળ અને પ્રશંસિત બેસ્ટ સેલિંગ લેખિકા-અગ્રણી કોલમ્નીસ્ટ છે.
આસીન
'ગજિની' અને 'રેડી' જેવી ફિલ્મો સાથે સફળ અભિનય કારકિર્દી શરૂ કરનારા આસીને ૨૦૧૫માં ઉદ્યોગપતિ રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા પછી પારિવારીક જીવન પર ધ્યાન આપવા અભિનયનો સંપૂર્ણ રીતે ત્યાગ કરી દીધો.
સના ખાન
ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક અને અભિનેત્રીએ ૨૦૨૦માં ફિલ્મ ઉદ્યોગને આખરી સલામ કરી દીધી. તેણે વધુ અર્થસભર જીવન અને ધાર્મિક પથ કંડારવાની ઈચ્છા વ્યક્ત કરીને ફિલ્મ ઉદ્યોગને પોતાની વિચારસરણીથી વિપરીત ગણાવ્યો.
ઝાઈરા વસીમ
'દંગલ' અને 'સીક્રેટ સુપરસ્ટાર' અભિનેત્રી, જે સ્ટારડમ તરફ ઝડપી ગતિએ આગળ વધી રહી હતી તેણે ધાર્મિક પથ અપનાવીને યુવા વયે અભિનય ક્ષેત્ર છોડવાના નિર્ણયની જાહેરાત કરીને તમામને ચોંકાવી દીધા.
ઉર્મિલા માતોંડકર
ઉર્મિલાએ સત્તાવાર રીતે અભિનય ક્ષેત્ર નહોતો છોડયું, પણ કારકિર્દીની ટોચે હતી ત્યારે લગ્ન અને પછી રાજકરણમાં હિસ્સો લેવા અભિનય ક્ષેત્રમાંથી જવાબદારીઓ ઓછી કરી નાખી.
કિમ શર્મા
ખાસ કરીને 'મહોબતે'માં પોતાના રોલથી લોકપ્રિય બનેલી કિમ શર્માએ 'લૂટ' પછી અભિનય ક્ષેત્ર છોડી દીધું. તેણે પછી શોબિઝમાં જ કોર્પોરેટ રોલ સ્વીકાર્યા અને હવે તે ટેલેન્ટ મેેનેમજમેન્ટ, ડિજિટલ પ્રોફાઈલ બનાવવા તેમજ ઓરી સહિત ઈન્ફ્લ્યુન્સરો માટે બ્રાન્ડ વેલ્યુ બનાવવા જેવા કાર્યો સાથે સંકળાયેલી છે.
ગ્રેસી સિંહ
'લગાન', 'મુન્નાભાઈ એમબીબીએસ'. અને 'ગંગાજલ', તેમજ ટીવી સીરીઝ 'સંતોષી મા, સુનિયે વ્રત કથાએ'માં જોવા મળેલી ગ્રેસી સિંહએ શાસ્ત્રીય નૃત્ય ઉપરાંત બ્રહ્માકુમારી સંસ્થા સક્રિય સભ્ય તરીકે આધ્યાત્મિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવા અભિનયને તિંલાજલી આપી દીધી.
મમતા કુલકર્ણી
૯૦ના દાયકાની સૌથી ચર્ચિત અભિનેત્રી પૈકી એક મમતા કુલકર્ણી 'કરણ અર્જુન' અને 'ચાઈના ગેટ'માં ચમકી હતી, પણ તેણે 'કભી તુમ કભી હમ' પછી અભિનયનું જગત છોડી દીધું. વર્ષો પછી તે આધ્યાત્મિકતા તરફ વળી અને ૨૦૨૫માં મહા કુંભ દરમ્યાન કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર તરીકે નિયુક્ત થઈ હતી, જે પગલાએ વિવાદ સર્જતા તેને રદ કરવામાં આવ્યું હતું.
વિવેક ઓબેરોય
પૂર્ણપણે ફિલ્મ ઉદ્યોગ ન છોડયો હોવા છતાં વિવેક ઓબેરોયએ રિયલ એસ્ટેટ અને વિવિધ ઉદ્યોગ સાહસોમાં ધ્યાન કેન્દ્રિત કરવા તેની ફિલ્મી જવાબદારીઓ ખૂબ જ ઘટાડી દીધી છે.
ઈમરાન ખાન
'જાને તુ..યા જાને ના' જેવી ફિલ્મોમાં લોકપ્રિયતા હાંસલ કરનાર ઈમરાને અંગત જીવન તેમજ કેમેરા પાછળની રચનાત્મક ભૂમિકા માટે ચૂપચાપ અભિનય ક્ષેત્રને અલવિદા કહી દીધી.


