બોલિવુડ અને સાઉથ સામસામે નહીં, સાથે સાથે છે: આયુષમાન
- એક વર્ષમાં જ જે ઇન્ડસ્ટ્રીએ 'પઠાણ', 'જવાન' અને 'એનિમલ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી હોય ત્યારે તે કાચી પડી રહી છે એમ શી રીતે કહેવાય?'
છેલ્લા કેટલાંક વર્ષથી ભારતીય ફિલ્મોદ્યોગમાં નોર્થ વર્સેસ સાઉથની ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે. વળી, બોલિવુડ નબળું પડતું જાય છે તેવી વાતો પણ બહુ થાય છે. જોકે એક્ટર આયુષમાન ખુરાનાને લાગે છે કે આ પ્રકારની વિચારસરણી ભારતીય ફિલ્મોદ્યોગ માટે અયોગ્ય છે. એ કહે છે, 'આપણે ત્યાં વિવિધ ફિલ્મોદ્યોગો એક થઈ રહ્યા છે. કલાકારો માટે આ શ્રેષ્ઠ સમય છે.' આનું કારણ જણાવતાં અભિનેતા કહે છે, 'નોર્થ અને સાઉથ ફિલ્મોદ્યોગો વચ્ચે સધાઈ રહેલું તાદાત્મ્ય, બંને ઇન્ડસ્ટ્રી વચ્ચે થઈ રહેલું જોડાણ પરિવર્તનની ગવાહી પૂરે છે. સાઉથના ફિલમમેકર એટલીએ 'જવાન'માં શાહરુખ ખાન સાથે શી રીતે કામ પાર પાડયું, તેમજ નાગ અશ્વિન નામના ડિરેક્ટર પ્રભાસ અને અમિતાભ બચ્ચનને 'કલ્કિ ૨૮૯૮ એડી'માં કેવી રીતે એક જ ફ્રેમમાં લઈ આવ્યા તે આપણે જોયું છે. આ પ્રકારની ફિલ્મોએ બંને ફિલ્મોદ્યોગને કેટલી સરસ રીતે જોડયા છે.'
મઝાની વાત એ છે કે આયુષમાનની 'વિકી ડોનર', 'આર્ટિકલ ૧૫', 'અંધાધૂંધ' અને 'બધાઈ હો'ની તમિળ રીમેક બનાવવામાં આવી છે. આયુષમાને પણ આ ફિલ્મો જોઈ છે અને આ બાબતે ગૌરવ પણ અનુભવ્યું છે. તે કહે છે, ' કોઈ પણ એક્ટર માટે આનાથી મોટા ગર્વની વાત બીજી કઈ હોઈ શકે?'
છેલ્લા કેટલાક સમયથી સતત એમ કહેવામાં આવી રહ્યું છે કે હિન્દી ફિલ્મોદ્યોગ નબળો પડી રહ્યો છે, તેમાં હવે પહેલા જેવા દમખમ નથી રહ્યાં. પરંતુ આયુષમાન આ વાત નથી માનતો. અભિનેતા કહે છે, 'છેલ્લા એક વર્ષમાં જ જે ઇન્ડસ્ટ્રીએ 'પઠાણ', 'જવાન' અને 'એનિમલ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી હોય ત્યારે બોલિવુડ કાચી પડી રહ્યું છે એમ શી રીતે કહેવાય? આ સિવાય 'સ્ત્રી-૨' અને 'છાવા'એ પણ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. વળી, ક્યો ઉદ્યોગ એવો હશે જે ક્યારેક ચડાવઉતારમાંથી પસાર નહીં થયો હોય? મારા મતે બોલિવુડ પરિવર્તન કાળમાંથી પસાર થઈ રહ્યું છે અને તે કોરોના કાળ પછી તે પોતાની નવી ઓળખ સ્થાપિત કરવાની દિશામાં છે.'
અભિનેતા વધુમાં કહે છે, 'પેન્ડેમિક દરમિયાન લોકોના મનોરંજન પ્રત્યેના રસરુચિ સંપૂર્ણપણે બદલાઈ ગયા. તેમની વિષયવસ્તુની પસંદગીમાં આમૂલ પરિવર્તન આવ્યું. તેથી કોઈપણ સામાન્ય વિષય જોવામાં દર્શકોને રસ નથી રહ્યો. ચાહે તે બિગ બજેટ ફિલ્મ કેમ ન હોય. તેઓ તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી ગયા છે. આ કારણે જ તેમને હવે મધ્યમ બજેટમાં બની હોવા છતાં કાંઈક નોખું દર્શાવતી 'લાપતા લેડીઝ', '૧૨વી ફેલ', 'ધ કેરલા સ્ટોરી', 'મુંજ્યા' કે 'સીતા રામમ્' જેવી ફિલ્મો ગમે છે. સારી, હટકે ફિલ્મો દર્શકોને આપોઆપ સિનેગૃહો સુધી ખેંચી લાવે છે.'
આયુષમાનની આ વર્ષે એક જ ફિલ્મ રજૂ થવાની છે, દિવાળીમાં, જેનું ટાઇટલ છે 'થામા'. આયુષમાન ખુરાના આ મૂવીમાં અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે જોવા મળશે. તે અભિનેત્રી સાથે કામ કરવાના અનુભવ વિશે જણાવે છે, 'રશ્મિકા સેટને એક નવી ઊર્જાથી ભરી દે છે. તે પોતાના દ્રશ્યોની પૂરેપૂરી તૈયારી કરીને સેટ પર આવે છે. તેના કામમાં કોઈ કચાશ નથી હોતી.' બિલકુલ.