બોબી દેઓલ: રાઝ કી બાત .
- 'મારા ફાધરને 'ઝંઝીર'ની ઓફર મળી હતી અને તેઓ આ ફિલ્મ કરવા પણ માગતા હતા.... પણ એમની એક પિતરાઈ બહેન એક દિવસ અમારા ઘરે આવી અને મારા ફાધરને કહે, 'આપકો મેરી કસમ, અગર આપને 'ઝંઝીર' કી તો... આપ મેરા મરા હુઆ મુંહ દેખોગે!'
આતો, 'એનિમલ' પછી બોલી દેઓલ શું કરી રહ્યો છે? ઘણું બધું. એની બે સાઉથ ઇન્ડિયન ફિલ્મો ઓલરેડી રિલીઝ થઈ ગઈ - 'કંગુઆ' અને પેલી અતિવિચિત્ર ઉર્વશીવાળી 'ડાકુ મહારાજ'. હવે એની 'હરિ હરા વીરા મલ્લુ પાર્ટ વન' નામની તેલુગુ ફિલ્મ આવશે, જેમાં એ ખૂંખાર ઔરંગઝેબ બન્યો છે. તે પછી 'આલ્ફા' નામની હિન્દી ફિલ્મ અને ત્યાર બાદ 'જન નાયગન' નામની તમિળ ફિલ્મ. 'એનિમલ પાર્ક' તો ખરી જ. ટૂંકમાં, બોબી દેઓલ અત્યારે બિઝી બિઝી છે.
આ બધા વચ્ચે બોબી હમણાં એક જુદા કારણસર ચર્ચામાં આવ્યો હતો. તેનું કારણ હતું અમિતાભની કરીઅરને રોકેટગતિ આપનાર 'ઝંઝીર' ફિલ્મ. શું તમે જાણો છો કે ૧૯૭૩માં રિલીઝ થયેલી આ ફિલ્મ સૌથી પહેલાં ધર્મેન્દ્રને ઓફર કરવામાં આવી હતી? ધર્મેન્દ્રએ ના પાડી એટલે તે વખતના સુપરસ્ટાર રાજેશ ખન્નાનો અપ્રોચ કરવામાં આવ્યો. એણેય ના પાડી. 'ઝંઝીર'ના નસીબમાં અમિતાભ બચ્ચન લખ્યા હતા. અગાઉ કતારબદ્ધ ફ્લોપ ફિલ્મો આપનાર આ લંબૂસ હીરોને 'ઝંઝીર'નો મેઇન રોલ આપવામાં આવ્યો ને પછી જે બન્યું તે ઇતિહાસ છે. અત્યારે આ વાત એ રીતે આગળ વધી છે કે બોબી દેઓલે પોતાના પિતા ધર્મેન્દ્રએ શા માટે 'ઝંઝીર' ન સ્વીકાર તે વિશે પ્રકાશ પાડયો છે.
બોબી એક મુલાકાતમાં કહે છે, 'મારા ફાઘરે એક સંબંધી માટે 'સત્યકામ' (૧૯૬૯) ફિલ્મ કરી હતી. એ આર્થિક સંકળામણ અનુભવી રહ્યા હતા અને તે વેળા મારા પિતાએ એને ૨૫ લાખ રૂપિયાની ની સહાય પણ કરી હતી. 'ઝંઝીર'ની ઓફર કરવામાં આવી ત્યારે મારા ફાધર આ ફિલ્મ કરવા માગતા હતા. પણ એમની એક પિતરાઈ બહેન હતી, જેને ડિરેક્ટર પ્રકાશ મહેરા સામે કંઈક વાંધો હતો. એક દિવસ એ અમારા ઘરે આવી અને મારા ફાધરને કહે, 'આપકો મેરી કસમ, અગર આપને પ્રકાશ કી ફિલ્મ કી તો... આપ મેરા મરા હુઆ મુંહ દેખોગે!'
... અને ધર્મેન્દ્રએ પિતરાઇ બહેનનું માન રાખવા ફિલ્મ ઠુકરાવી દીધી! ફિલ્મના લેખક જાવેદ અખ્તર કહે છે, 'આ ફિલ્મની સ્કિપ્ટ તો ધર્મેન્દ્રને ધ્યાનમાં રાખીને જ લખવામાં આવી હતી, પરંતુ રહસ્યમય કારણસર એમણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી...'
આ રહસ્ય શું છે એના પરથી આટલાં વર્ષો પછી બોબીએ પડદો ઉઠાવ્યો ખરો!