બોબી દેઓલ
- રેસ-૩થી બોલીવુડમાં જાણે નવો અવતાર
એક સમયનો વ્યસ્ત અને સફળ બોબી લગભગ ચારેક વરસ સુધી અદ્રશ્ય થઇ ગયો હતો : આત્મવિશ્વાસ ગુમાવી બેઠો હતો: સલમાન ખાને હાથ પકડયો અને શરૃ થઇ નવી ઇનિંગ્ઝ
બોલીવુડમાં પ્રતિભા, મહેનત,સંબંધ અને નસીબ નામનાં પરીબળો બહુ મહત્વનાં ગણાય છે.અમુક કલાકારો પ્રતિભાશાળી હોવા છતાં તેમને કાં તો ઓછી ફિલ્મો મળે અથવા લાંબા સમય સુધી બોલીવુડથી દૂર રહી જાય.આવા સંજોગોમાં જૂની દોસ્તી કે મીઠા સંબંધ બહુ આશીર્વાદરૃપ નિવડે.
બોબી દેઓલ(બોબી દેઓલનું સાચું નામ વિજય સિંહ દેઓલ છે) આ બાબતનું તાજું ઉદાહરણ છે. ચાર વરસના લાંબા સમયગાળા બાદ બોબી દેઓલ રેસ-૩ ફિલ્મમાં સલમાન ખાન સાથે દેખાયો છે. બોલીવુડના અસલી હી મેન ધર્મેન્દ્રનો પુત્ર અને ઢાઇ કિલોનો લોખંડી હાથ ધરાવતા સન્ની દેઓલનો નાનો ભાઇ બોબી દેઓલ ફિલ્મ પોસ્ટર બોય(૨૦૧૭) પહેલાં લગભગ ચારેક વરસ સુધી બોલીવુડમાંથી અદ્રશ્ય થઇ ગયો હતો.બોબીની એક પણ ફિલ્મ રજૂ થઇ નહોતી.બહુ ઓછા નિર્માતા-દિગ્દર્શકોએ તેનોે સંપર્ક કર્યો હતો.
બરસાત (૧૯૯૫) ફિલ્મથી અભિનય કારકિર્દી શરૃ કરનારો(આ જ ફિલ્મમાં બોબીને શ્રેષ્ઠ નવોદિત અભિનેતાનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો) બોબી દેઓલ ખુલાસો કરતાં કહે છે, ખરું કહું તો ચાર વરસ સુધી બોલીવુડથી દૂર રહેવાનું મેં કોઇ ચોક્કસ આયોજન કર્યું નહોતું.કે હું કોઇ ગંભીર બીમારીનો ભોગ પણ બન્યો નહોતો.જોકે મારી આવી લાંબી ગેરહાજરી વિશે બોલીવુડમાં જાતજાતની અને ચિત્રવિચિત્ર વાતો ફેલાઇ હતી.લોકોએ એવું માની લીધું હતું કે અરે, બોબીને વળી ફિલ્મોમાં કામ કરવાની શી જરૃર છે ? તેની પાસે તો બહુ રૃપિયા છે.તે સુખી છે.તો વળી,કેટલાંક એમ કહેતાં હતાં કે બોબી તો ભારે આળસુ છે.બોલીવુડમાં આવા આળસુનું કામ નહીં.વગેરે વગેરે.
ઔર પ્યાર હો ગયા,બાદલ,ગુપ્ત અને અજનબી જેવી સફળ ફિલ્મોમાં મજેદાર ભૂમિકાઓ ભજવનારો બોબી ખુલાસો કરતાં કહે છે, આ બધી વાતા કે ટીકા-ટીપ્પ્ણીમાં જરાંય વજુદ નથી.હા, મને ફિલ્મો ઓછી મળવા લાગી એટલે મારા ઘરમાં ગોંધાઇ ગયો હતો. મને જાતજાતના વિચારો આવતા.એટલે વિચારોની માયાજાળમાંથી બહાર નીકળવા દરરોજ મનપસંદ શરાબનો આનંદ માણતો હતો.આમ છતાં મનના ઉંડાણમાં તો મને બહુ દુ:ખ થતું.મેં એમ પણ વિચાર્યું હતું કે કામ કાંઇ સામે ચાલીને મારી પાસે નથી આવવાનું.મારે ખુદ કામ મેળવવા મહેનત કરવી પડશે.
સંઘર્ષ અને આરોહ-અવરોહ તો જીવનનો જ એક હિસ્સો છે.વળી,અતિ શરાબ પણ તંદુરસ્તી માટે ઘાતક નિવડે.બોલીવુડમાં ટકી રહેવું હોય તો તન-મનથી તંદુરસ્ત રહેવું જ પડે.શરાબનો આનંદ કે નશો તો ઘડી-બેઘડી રહે.તમે થોડો સમય તમારું દુ:ખ કે મુંઝવણ ભૂલી પણ જાવ.આમ છતાં બીજી સવારે તો તમારું માથું ફાટી જાય અને પેલી મુંઝવણ અને પીડા તો જેમનાં તેમ જ હોય.
એક ખાસ વાત.આમ તો આ ચારેક વરસ દરમિયાન મને ફિલ્મોની ઓફર જરૃર મળતી હતી.જોકે તે ફિલ્મોની કથા-પટકથા મને પસંદ નહોતી. વળી, મેં બોલીવુડના સંપર્ક પણ જાળવી રાખ્યા હતા.આમ છતાં મોટાભાગના નિર્માતા-દિગ્દર્શકોએ એવા જવાબ આપ્યા હતા,હા,જોઇશું, કોઇ સારી ભૂમિકા હશે તો તને જરૃર યાદ કરીશું વગેરે વગેરે.વળી,હું લગભગ ૧૮ મહિના પહેલાં સાજીન નડિયાદવાલાને રૃબરૃ મળ્યો હતો.ખરેખર મારા આશ્ચર્ય વચ્ચે આજે હું તેની નવી ફિલ્મ હાઉસફૂલ-૪ નો હિસ્સો છું.
પોતાના ઘરની ફિલ્મો દિલ્લગી અને યમલા પગલા દિવાના અને યમલા પગલા દિવાના-૨માં પિતા ધર્મેન્દ્ર અને મોટાભાઇ સન્ની દેઓલ સાથે કામ કરનારોે બોબી બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે,આવા નિરાશાજનક તબક્કામાં મને મારા પરિવારનો અને ખાસ કરીને મારી પત્ની તાન્યાનો ઘણો સધિયારો રહ્યો. તાન્યા મને વારંવાર કહેતી,તમે અરીસામાં તમારી જાતને નિહાળો,કેવા લાગો છો.અને પછી વિચારો કે હું કોણ છું અને મારે શું કરવાનું છે.ખરેખર તો તમારે તમારી જાત સાથે વાત કરવાની જરૃર છે.તમારો આત્મવિશ્વાસ મજબૂત કરવાની જરૃર છે.તમારામાં ભરપૂર અભિનય પ્રતિભા અને મહેનત કરવાની શક્તિ છે જ.બસ, તેને ઓળખો અને તેને વહાવો.
બોબી દેઓલ કબૂલ કરતાં કહે છે, મને મારી ધર્મપત્ની તાન્યાની વાત બરાબર સમજાઇ.મને એવો પણ ખ્યાલ આવ્યો કે અમારાં સંતાનો મોટાં અને સમજણાં થતાં જાય છે.સંતાનો કદાચ એવું પણ વિચારે કે અમારા પિતા તો આખો દિવસ ઘરમાં જ હોય છે.કાંઇ કામ-ધંધો નથી કરતા.શરાબનો નશો કરે છે.વળી,તેમનાં મિત્રો પણ મારી વિશે પૂછે કે તારા ડેડીની ફિલ્મો કેમ નથી રજૂ થતી વગેરે વગેરે.ખરેખર તો અમારાં સંતાનોને મારા વિશે ગૌરવ થવું જોઇએ.મને અને મારા ભાઇ સન્નીને અમારાં માતાપિતા વિશે ભરપૂર ગૌરવ છે.મારા પિતા તો આજે ૮૩ વર્ષની જૈફ વયે પણ ફિલ્મોમાં અને ટીવી શોમાં હિસ્સો લે છે.તેમની તંદુરસ્તી લીલીછમ છે.
સુપરહીટ ગુપ્ત ફિલ્મમાં પિતાની હત્યાના આરોપી પુત્રની ભૂમિકા ભજવનારો બોબી કહે છે,બરાબર એ જ તબક્કે -૨૦૧૭- મને શ્રેયસ તળપદેએ પોસ્ટર બોય ફિલ્મ માટે આમંત્રણ આપ્યું.જાણે કે ભગવાને મારી પ્રાર્થના સાંભળી હોય.પોસ્ટર બોયને બોક્સ ઓફિસ પર ભલે ઓછો આવકાર મળ્યો હોય પરંતુ મારા માટે તો બોલીવુડના દરવાજા ખુલી ગયા હતા.ઘણાં દર્શકોને ફિલ્મ અને મારું કામ ગમ્યાં હતાં.
બસ,પોસ્ટર બોય બાદ મારો આત્મવિશ્વાસ વધ્યો.અમે અમારા બેનરની યમલા પગલા દિવાના -ફિર સે ફિલ્મનું નિર્માણ કરવાની તૈયારી શરૃ કરી હતી.મેં દરરોજ કસરત શરૃ કરી.પૌષ્ટિક આહાર લઉં છું. ખાસ કરીને ઘઉં અને સાકરની વાનગીઓ નથી આરોગતો.
ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસ સાથે બોબી કહે છે, જાણે મારા નસીબના દરવાજા ખુલી ગયા હોય તેવો પ્રસંગ બન્યો.થોડા સમય પહેલાં સમાજની પ્રસિદ્ધ વ્યક્તિઓ વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન થયું હતું.તે ક્રિકેટ મેચમાં હું અને સલમાન ખાન પણ હતા.જોકે તે વખતે તો અમે બહુ થોડી વાતો કરી હતી.આમ છતાં ત્યારબાદ પણ અમે સંપર્કમાં હતા.એક વખત સલમાને મને કહ્યું હતું,જો ભાઇ,એક તબક્કે મારી કારકિર્દી ડામાડોળ હતી ત્યારે હું સંજય દત્ત અને તારા મોટાભાઇ સન્નીની પીઠ પર ચડી ગયો હતો.મેં સહજતાથી કહ્યું,મામુ,હવે મને તારી પીઠ પર ચડવા દે.
ખરેખર ચમત્કાર થયો હોય તેમ એક દિવસ સલમાનનો ફોન આવ્યો.મને કહે, બોલ શર્ટ ઉતારેગા ? મેં કહ્યું,અરે,હું કોઇપણ કામકરીશ.બસ,મને રેસ-૩ ફિલ્મ મળી તેનું ખરું રહસ્ય ખુદ સલમાન ખાન છે.ખરું કહું તો આજે સલમાન ખાન બોલીવુડનો સુપરસ્ટાર છે.આમ છતાં તે બહુ ઉદાર અને સરળ હૃદયનો છે.મુશ્કેલીમાં હોય તેવી વ્યક્તિને જરૃર મદદ કરે.રેસ-૩ના શૂટિંગમાં પણ અમે ભરપૂર આનંદ કર્યો.
એક દિવસ મને ભારે ચક્કર આવી ગયાં તો અનિલ કપૂર સહિત સેટ પરની બધી વ્યક્તિ મારી મદદે આવી ગઇ હતી.મારી પૂરી કાળજી લીધી હતી.અને એટલે જ શૂટિંગ પૂરું થયું ત્યારે હું થોડો ઉદાસ પણ થઇ ગયો હતો. ગમે તે કહો, મને લાગે છે કે બોલીવુડમાં મારો નવો અવતાર થયો છે.મારો આત્મવિશ્વાસ મજબૂત થયો છે.