Get The App

2025માં બોલિવુડમાં થયેલા મોટા વિવાદ

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
2025માં બોલિવુડમાં થયેલા મોટા વિવાદ 1 - image

 ધ બે...ડ્ઝ ઓફ બોલિવૂડ 

આ સિરીઝનું નામ જ વિવાદાસ્પદ બની રહ્યું, કેમ કે 'બી'થી શરૂ થતો શબ્દ આખેઆખો શબ્દ જ સુરુચિભંગ થાય તેવો છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન દ્વારા નિર્દેશિત આ સિરિઝમાં પોતાની બદઇરાદાપૂર્વક બદનક્ષી કરવામાં આવી હોવાનું જણાવી આઇઆરએસ અધિકારી સમીર વાનખેડેએ દિલ્હીની હાઇકોર્ટમાં માનહાનિનો કેસ કરી વળતર પણ માંગ્યું હતું. પણ અદાલતે આ સિરિઝમાં વ્યંગાત્મક રજૂઆત કરાઇ હોવાનું જણાવી તેની રજૂઆત અટકાવવાની ના પાડી હતી. હજી આ કેસ ચાલી રહ્યો છે.શાહરૂખખાનની કંપની રેડ ચિલીઝ દ્વારા આ સિરિઝનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 

હક 

વિવાદાસ્પદ શાહબાનો કેસને કેન્દ્રમાં રાખી બનાવવામાં આવેલી આ ફિલ્મની રજૂઆત અટકાવવા માટે મધ્યપ્રદેશની હાઇકોર્ટમાં અરજી નોેંધાવવામાં આવી હતી. શાહબાનોની પુત્રી સિદ્દિક બેગમ ખાન દ્વારા કેસ કરી જણાવવામાં આવ્યું હતું કે શાહબાનોની સ્ટોરી રજૂ કરવા માટે તેમના કાનુની વારસદારોની કોઇ મંજૂરી લીધાં વિના જ ફિલ્મ બનાવવામાં આવી હોવાથી એમની પ્રાઇવસી જોખમાઈ છે. શાહબાનોના પરિવારે ચિંતા વ્યક્ત કરી હતી કે ફિલ્મમાં કલ્પનાના રંગનો ઉપયોગ થવાથી સાચી હકીકતો અને પાત્રોને અન્યાય થવાની સંભાવના રહેલી છે.જો કે, યમી ગૌતમની  એક્ટિંગની ભરપૂર પ્રશંસા અને વિવાદો છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ફલોપ નીવડી હતી. 

ઇમરજન્સી 

કંગના રનૌત દ્વારા અભિનિત અને નિર્દેશિત આ ફિલ્મ પર ઐતિહાસિક તથ્યો તોડી મરોડીને રજૂ કરવાનો આક્ષેપ થયો હતો. ૧૯૭૫માં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઇમરજન્સી આ ફિલ્મનો વિષય હતો. સેન્સર બોર્ડ દ્વારા પણ ફિલ્મ સામે વાંધા લેવામાં આવતાં તેની રજૂઆત વિલંબમાં પડી હતી. જોકે, કંગનાની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધોવાઇ ગઇ હતી. કંગનાએ આ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું હતું. 

છાવા 

વિક્કી કૌશલની આ વર્ષની સફળ ફિલ્મ 'છાવા' પણ વિવાદમાં ઘેરાઇ હતી. ગણોજી શિર્કે અને કાન્હોજી શિર્કેના વંશજોએ આ ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરી હોવાનો આક્ષેપ કરી જણાવ્યું હતું કે તેમના વડવાનાં પાત્રોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં ઔરંગઝેબના પાત્રને કારણે પણ એક અલગ ચર્ચા શરૂ થઇ ગઇ હતી. વિક્કી કૌશલને લેજીમ ડાન્સ સાથે ગીત ગાતો બતાવવા સામે વિરોધ થતાં તે ગીતને ફિલ્મમાંથી કાપી નાખવામાં આવ્યું હતું. 

જાટ  

સની દેઓલ અને રણદીપ હુડાની આ ફિલ્મ રજૂ થતાં જ વિવાદમાં સપડાઇ હતી. એક સીન સામે ખ્રિસ્તી સમાજને વાંધો પડતાં  બંને અભિનેતા તથા ફિલ્મમેકર્સ સામે એફઆઇઆર નોંધાવવામાં આવી હતી. જોકે, બાદમાં ફિલ્મમેકર્સે વિવાદાસ્પદ સીન કાપી નાંખી ખ્રિસ્તી સમાજની માફી માંગી લઇ ફિલ્મે રજૂ કરી હતી. 

અબીર ગુલાલ

પાકિસ્તાની અભિનેતા ફવાદખાન નવ વર્ષ બાદ આ ફિલ્મથી પુનરાગમન કરી રહ્યો હતો પણ ૨૨ એપ્રિલે પહલગામમાં આતંકી હુમલો થતાં આ ફિલ્મની રજૂઆત ઘોંચમાં પડી હતી.આતંકી હુમલા બાદ ભારતમાં માહોલ તંગ બની જતાં ફિલ્મની રજૂઆત પર પ્રતિબંધ મુકી દેવામાં આવતાં ફવાદ ખાનની મનની મનમાં રહી ગઇ હતી.