- 'નાનાં, છતાં અસરકારક પાત્રોએ મને દર્શકોમાં જાણીતો કરવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. દર્શકો તરફથી મળેલા ઉત્સાહજનક પ્રતિસાદ જોઈને જ મને લાગ્યું કે હું સાચી દિશામાં આગળ વધી રહ્યો છું.'
ભુવન અરોરાએ પોતાની અભિનય કારકિર્દીનો આરંભ નાના છતાં અસરકારક પાત્રો સાથે કર્યો. તે પોતાના પ્રત્યેક પાત્રને જીવી જાણે છે એ વાત સર્વવિદિત છે. થોડા સમય પહેલા જ તેની વેબ સીરિઝ 'જનાવર ધ બીસ્ટ વિધિન' રજૂ થઈ હતી.
અભિનેતા આ સીરિઝ વિશે કહે છે કે તેમાં જે યુનિકનેસ છે તે અન્યત્ર ભાગ્યે જ જોવા મળે. આ સીરિઝમાં ઘણું એકસાથે ચાલે છે. તેની કહાણી ડરામણી છે, દર્શકો એક તબક્કે હચમચી જાય એટલી ભીતિ પેદા કરનારી. આ સીરિઝ કહે છે કે દરેક માનવની અંદર એક જાનવર વસે છે. પરંતુ તે તેને સંભાળી શકે છે કે કેમ એ વાતથી બહુ ફરક પડે છે. સામાન્ય રીતે આપણે એમ માનતા હોઈએ છીએ કે આપણે સામી વ્યક્તિને જાણીએ છીએ. જ્યારે હકીકત એ છે કે કોઈ કોઈને પિછાણતું નથી હોતું. આ વાત સીરિઝના લેખકોએ બખૂબી પ્રસ્તૂત કરી છે. આ કહાણીએ મને સંબંધિત સીરિઝ કરવા લલચાવ્યો.
ભુવને વર્ષ ૨૦૧૩માં પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી હતી. તે કહે છે કે આટલાં વર્ષે વિચાર કરું છું તો લાગે છે કે મારા પ્રારંભિક તબક્કાના નાના નાના, છતાં અસરકારક પાત્રોએ મને દર્શકો વચ્ચે જાણીતો કરવામાં, તેમની પ્રશંસા મેળવવામાં બહુ મોટો ભાગ ભજવ્યો હતો. દર્શકો તરફથી મળતાં પ્રતિસાદ જોતાં મને લાગ્યું કે હું સાચી દિશામાં આગળ વધી રહ્યો છું. અભિનેતા વધુમાં કહે છે કે દિલ્હીમાં રહેતા મારા એક મિત્રએ મને જે સોનેરી સલાહ આપી હતી તે મેં ગાંઠે બાંધી રાખી છે. તેણે મને કહ્યું હતું કે ક્યારેય એવું નહીં વિચારતો કે તું કોઈ કામની રાહ જોઈ રહ્યો છે. હમેશાં એમ જ વિચારજે કે ચોક્કસ કામ તારી રાહ જોઈ રહ્યું છે. તારે બસ આગળ વધતા રહેવાનું છે. અને આ વિચારધારા મારા માટે ખરેખર સહાયક પુરવાર થઈ. મેં નાના નાના પાત્રો ભજવવાના ચાલુ રાખ્યાં અને તેની અસરકારકતાએ મને ખાતરી કરાવી કે હું સાચા માર્ગે ચાલી રહ્યો છું તેથી લક્ષ્ય સુધી ચોક્કસ પહોંચીશ.
ભુવન સંખ્યાબંધ પાત્રો જીવ્યો તોય તે પોતાના કામથી સંતુષ્ટ નથી થયો. અભિનેતા કહે છે કે મેં અત્યાર સુધી જેટલું કામ કર્યું છે તેમાં મને કોઈને કોઈ ત્રૂટિ દેખાઈ છે. અલબત્ત, જે તે રોલ અદા કરતી વખતે હું મારા કામમાં કચાશ ન રહે એ બાબતે સાવધાન રહું છું. અને પછીથી જ્યારે હું મારું કામ જોઉં ત્યારે તેમાં મને કોઈક ક્ષતિ દેખાય. આવી સ્થિતિમાં મને મારા કામથી સંતોષ નથી થતો. જોકે મારા મતે જે કલાકાર પોતાના કામથી સંતુષ્ટ થઈ જાય તો તેની પ્રગતિ અટકી પડે. બલ્કે તેની પડતી શરૂ થઈ જાય.
ભુવનને પોતાની પ્રશંસા કોઈ એવોર્ડથી ઓછી નથી લાગતી. તે કહે છે કે જ્યારે કોઈ તમારા કામને વખાણે ત્યારે એવું લાગે જાણે તમે બહુ મોટું માનપત્ર મેળવી રહ્યાં છો. તેમનો પ્રેમ તમારી અંદર નવી ઊર્જાનો સંચાર કરે.
અભિનેતાએ પુનાસ્થિત એફટીઆઈઆઈમાંથી તાલીમ લીધી છે. તે કહે છે કે આ ઇન્સ્ટિટયુટનો માહોલ તમને ફિલ્મી બનાવી દે. તમે ત્યાં ફિલ્મો જ ખાઓ, પીઓ, સૂઓ અને શ્વસો. ત્યાં સિનેમા સિવાય બીજી કોઈ વાત ભાગ્યે જ થાય. ત્યાંનું કલ્ચર જ તમને કેટલું બધું શીખવી જાય. હા, શરત માત્ર એટલી કે તમને તમારા આંખ-કાન ખુલ્લાં રાખવા પડે.
જોકે અભિનેતા વાસ્તવિક જીવનમાં પણ અચ્છો નીરિક્ષક છે. તે કહે છે કે મને લોકોને મળવું બહુ ગમે છે. તેમની સાથે વાત કરતી વખતે, તેમને દૂરથી જોતી વખતે પણ હું મારા મનમગજમાં કશુંક ઉતારતો રહું છું. મારા અભિનયની આ સૌથી મોટી શક્તિ છે. મેં લોકોના ચહેરા પર નિરખેલા હાવભાવ આપોઆપ મારા અભિનયમાં ઉતરી આવે છે.


