ભારતી સિંહ : જેટલી સારી કોમેડિયન એટલી મજાની ગૃહિણી
- 'હમણાં હું અને મારો હસબન્ડ કામમાં ગળાડૂબ હોવાથી ઝાઝો સમય સાથે વિતાવી શકતાં નથી... પરંતુ ૮-૧૦ વર્ષ કામ કર્યા પછી અમારે માત્ર હરીફરીને મઝા જ કરવી છે. '
પોતાની કોમેડીથી લોકોને પેટ પકડીને હસાવતી ભારતી સિંહ વાસ્તવિક જીવનમાં પણ ભલે હસમુખી રહી, પરંતુ તેની અંદર એક અચ્છી ગૃહિણી અને મમતામયી માતાનો વાસ પણ છે. પુત્ર ગોલાની વાત આવે ત્યારે તે એકદમ ભાવુક થઈ જાય છે. અને પતિ હર્ષ લિંબચિયા સાથેનો સંસાર તે સામાન્ય ગૃહિણીની જેમ સંભાળી જાણે છે. હાલના તબક્કે 'લાફ્ટર શેફ-૨' માં હોસ્ટની ભૂમિકા અદા કરી રહેલી ભારતના સંસ્કાર પાક્કે પાક્કા ભારતીય નારીને છાજે એવા છે.
દર્શકોને હસાવવામાં પાવરધી ભારતી પાકકળામાં પણ માહેર છે. અને રજાના દિવસે પતિ માટે જાતે જ રાંધવાનું પસંદ કરે છે. તે કહે છે કે હું મને આદર્શ પત્ની પુરવાર કરવાનો પ્રયાસ નથી કરતી. એવું પણ નથી કે હર્ષ રજાના દિવસે મારા હાથે રાંધેલું ભોજન લેવાનોે આગ્રહ રાખે છે. પરંતુ આપણે જેને નિર્વ્યાજ પ્રેમ કરતાં હોઈએ તેને માટે રાંધવાની મઝા જ કંઈક જુદી જ હોય. હું શૂટિંગ માટે ઘરેથી નીકળી ગઈ હોઉં તોય હર્ષ માટે શું રસોઈ બની છે તેની મને ખબર હોય.
આ કોમેડિયનનો પુત્રને ઘરે મુકીને કામ પર જવા નીકળતી વખતે જીવ કપાય છે. આમ છતાં પુત્રના જન્મ પછી તેણે બહુ જલદી કામ શરૂ કરી દીધું હતું. તે વખતે ભારતીને લોકોએ ખૂબ વગોવી હતી. પરંતુ ભારતી કહે છે કે હમણાં ભલે અમને નાણાંનો તોટો નથી. પરંતુ અમે અમારા ઉજ્જવળ ભાવિવેશે હમણાં આઠ-દસ વર્ષ અંધાધૂંધ કામ કરી લેવા માગીએ છીએ. હમણાં અમે અમારા કામમાં ગળાડૂબ હોવાથી એકસાથે ઝાઝો સમય નથી વિતાવી શકતા. પરંતુ ૮-૧૦ વર્ષ કામ કર્યા પછી અમને માત્ર હરીફરીને મઝા કરવી છે. એકસાથે સમય વિતાવવો છે. ત્યાં સુધી અમારો પુત્ર ગોલા પણ ૧૩-૧૪ વર્ષનો થઈ જશે.
ભારતી પોતાના પતિમને પોતાનો મુખ્ય આધારસ્તંભ માને છે. તે કહે છે કે તે મને છાશવારે મારી ક્ષમતાઓ યાદ અપાવતો રહે છે. જો હું કોઈ લાઈવ શો કરતી વખતે ગભરામણ અનુભવતી હોઉં તો તે કહે છે કે તું જે કરી શકે છે તે અન્ય કોઈ ન કરી શકે. તું તારી આસપાસ સઘળા પુરૂષો ઊભા હોય તોય એકલી જ બધાને હસાવી જાણે છે.
જ્યારે તમારો પતિ આ રીતે તમારી સરાહના કરે ત્યારે તમારી અંદર દુનિયા જીતવાની શક્તિ આવી જાય. ભારતી વધુમાં કહે છે કે અમે એક જ ક્ષેત્રમાં કામ કરતાં હોવા છતાં અમારી વચ્ચે કોઈ અહમ્ કે ઈર્ષ્યા નથી. અમે પતિ-પત્ની કરતાં પણ સારા મિત્રો છીએ.
ભારતી છાશવારે સોશ્યલ મીડિયા પર પુત્ર ગોલાના વિડિયો પોસ્ટ કરતી રહે છે. અને નેટિઝનો પણ તેને ખૂબ પસંદ કરે છે. ઘણા લોકો તેને એમ પણ કહે છે કે આટલા બધા વિડિયો પોસ્ટ કરીશ તો તારા દીકરાને નજર લાગી જશે. પરંતુ ભારતી કહે છે કે પ્રેમ કરનારાઓની ક્યારેય નજર ન લાગે. જ્યારે લોકો મારા પુત્ર વિશે સરસ સરસ કોમેન્ટ લખે ત્યારે મારી છાતી ગજ ગજ ફૂલે છે. એક માતાને તેનાથી વધુ શું જોઈએ?