Get The App

રામાયણનો ભરત કહે છે, હું અને રામજી બંને એક જ સ્કૂલના વિદ્યાર્થી છીએ

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
રામાયણનો ભરત કહે છે, હું અને રામજી બંને એક જ સ્કૂલના વિદ્યાર્થી છીએ 1 - image

- 'ડિરેક્ટર નિતેશ તિવારી કી બાત હી કુછ ઔર હે...'

જાણીતા ફિલ્મ નિર્માતા -- દિગ્દર્શક  રામાનંદ સાગરની  રામાયણ(૧૯૮૭)  ટેલિવિઝન સિરિયલે આખા ભારતભરને મંત્રમુગ્ધ કરી દીધું હતું. ત્યાર બાદ ટીવીના નાના પડદા પર રામાયણનાં વિવિધ સ્વરૂપ પણ રજૂ થયાં. 

હવે  ચીલ્લર પાર્ટી, દંગલ, છીછોરે જેવી  સુપરહીટ ફિલ્મોના મજેદાર દિગ્દર્શક  નિતેશ તિવારી નવા જ  સ્વરૂપમાં રામાયણ ફિલ્મ સાથે આવી રહ્યા છે. નિતેશ તિવારીની રામાયણ ફિલ્મમાં હિન્દી ફિલ્મોના હેન્ડસમ અને સુપરહીટ એક્ટર રણબીર કપૂર ભગવાન શ્રીરામ, સાઇ પલ્લવી સીતાજી, રવિ દુબે લક્ષ્મણ , આદિનાથ કોઠારે ભરત , સન્ની દેઓલ હનુમાનજી,  યશ લંકાપતિ રાવણનાં પાત્ર ભજવી રહ્યાં છે. 

મરાઠી ફિલ્મ પાની(૨૦૨૪) માટે  શ્રેષ્ઠ દિગ્દર્શકનો નેશનલ એવોર્ડ વિજેતા ભરત કોઠારે ભરપૂર ઉત્સાહ  સાથે કહે છે, મને નિતેશજી જેવા પ્રયોગશીલ અને સુપરહીટ દિગ્દર્શક સાથે કામ કરવાની ઉજળી તક મળી છે તેનો ભરપૂર આનંદ છે.  રામાયણ જેવા મહાકાવ્ય અને અજરઅમર ધર્મગ્રંથ વિશે ફિલ્મનું નિર્માણ કરવું ખરેખર એક કસોટીરૂપ  ગણાય. વળી, રામાયણમાં તો ભગવાન શ્રીરામજી, સીતાજી, લક્ષ્મણજી,ભરત, શત્રુઘ્ન, દશરથ,  હનુમાનજી, સુગ્રીવથી લઇને માતા કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા અને લંકાપતિ રાવણ એમ ઝાઝાં બધાં અને બહુ મહત્વનાં  પાત્રો હોવાથી દિગ્દર્શક તરીકે નિતેશજીએ સહુને સંપૂર્ણ ન્યાય આપવો રહ્યો. 

હું રામાયણ ફિલ્મમાં ભગવાન શ્રીરામજીના નાના ભાઇ ભરતની ભૂમિકામાં છું. આમ તો ભરત  પરમ જ્ઞાાની અને ભક્તિવાન છે. સાથોસાથ  પરમાત્મા  સ્વરૂપ મોટાભાઇ રામજીને મન, કર્મ,વચનથી પ્રેમ કરે છે. અતિ સંવેદનશીલ અને સત્યપ્રિય  હોવાથી પોતાની માતા કૈકેયીના હઠાગ્રહથી મળેલી અયોધ્યાની રાજગાદી પણ સ્વીકારવાની ના કહે છે. 

નિતેશજીને જોકે દિગ્દર્શનનો સફળ અને  બહોળો અનુભવ હોવાથી સેટ પર હંમેશાં શાંત હોય છે. સાથે સાથે પોતાની  કાર્યપદ્ધતિમાં સ્પષ્ટ હોવાથી ફિલ્મનું નિર્માણ બહુ સરસ રીતે થઇ રહ્યું છે. 

મરાઠી અને હિન્દી ફિલ્મોમાં અભિનય અને દિગ્દર્શનનો અનુભવ ધરાવતો આદિનાથ કોઠારે બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, હું રામાયણ ફિલ્મમાં રણબીર કપૂર જેવા પ્રતિભાશાળી અને સફળ  અભિનેતા સાથે કામ કરું છું તેનો બેહદ આનંદ છે. ખરું કહું તો રણબીર કપૂર બહુ જ મહેનતુ અને નિષ્ઠાવાન અભિનેતા છે. અમે બંને મુંબઇની એક જ શાળામાં ભણેલા છીએ.  જોકે રણબીર શાળામાં મારો સિનિયર હતો.હું  તે વખતે તેને રૂબરૂ મળી શક્યો નહોતો. મેં જોકે રણબીરને અમારી શાળાનાં જૂનાં  સંસ્મરણો વિશે વાત કરી ત્યારે તે રાજીના રેડ થઇ ગયો હતો. આજે અમે બંને રામાયણ જેવી સુંદર ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છીએ તેનો વિશેષ આનંદ છે.