Get The App

ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ બાર વર્ષે ફરી સિનેમાગૃહોમાં...

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ બાર વર્ષે ફરી સિનેમાગૃહોમાં... 1 - image


- 'હોકીના જાદુગર ધ્યાનચંદ, કુસ્તીબાજ દારાસિંઘ અને દોડવીર મિલ્ખાસિંઘ મારી પેઢીના આદર્શ હતા  આ પ્રકારની ફિલ્મોની સ્ટોરીનું પોત સમય વીતવા ફિક્કું પડવાને બદલે વધારે ઘટ્ટ બનતું જાય છેે':  રાકેશ ઓમપ્રકાશ મેહરા

બિઝનેસમાં સામા પ્રવાહે તરવાનું કામ મુશ્કેલ હોય છે પણ થોડાં વિરલા નિર્દેશકો આ કામ કરી બતાવે છે. હિન્દી ફિલ્મ  ઉદ્યોગમાં રાકેશ ઓમપ્રકાશ મેહરા એક આવા જ નિર્દેશક છે જે સામા પ્રવાહે તરે તો છે પણ તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ પણ થાય છે. રાકેશ ઓમપ્રકાશ મેહરાએ જ્યારે હિન્દીમાં કોઇ સ્પોર્ટ ફિલ્મ બનાવવાની હિંમત કરતું નહોતું ત્યારે બાર વર્ષ પહેલાં એક અસામાન્ય ફિલ્મ નામે ભાગ મિલ્ખા ભાગ બનાવી હતી. સ્પોર્ટ ફિલ્મ કેટેગરીમાં આ ફિલ્મ એક સીમાચિન્હ બની રહી છે. આ ફિલ્મની લોકપ્રિયતા આજે બાર વર્ષ બાદ પણ અકબંધ છે અને આ ફિલ્મ ઓગસ્ટ મહિનામાં ફરી સિનેમાગૃહોમાં રજૂ થવા જઇ રહી છે. એ પ્રસંગે રાકેશ ઓમપ્રકાશ મેહરા તેમના જ શબ્દોમાં ફિલ્મની સર્જનકથા કહે છે: 

હું ૬૦ના દાયકામાં જન્મ્યો છું. એ સમયે સ્વતંત્રતા અને દેશના ભાગલાં એ બે મોટી ઘટનાઓ હતી. જેની સારી અને નરસી બંને કથાઓ સાંભળતા સાંભળતા હું મોટો થયો છું. આ કથાઓની  મારા પર અમીટ છાપ પડેલી છે. દિલ્હીમાં નિરાશ્રિતો માટે એક કોલોની બનાવવામાં આવી હતી. હું જ્યારે કોલેજમાં જોડાયો ત્યારે અમે આ કાલોનીમાં રહેવા ગયા હતા. આ સમયે સામાન્ય માણસ કેવી રીતે પોતાનું કામ કરી પોતાના જીવનને થાળે પાડી રહ્યો છે તે સમજવા ભણી હું આકર્ષાયો હતો. તેના સુખદુખ શું છે તે સમજવાનો મારો પ્રયાસ રહ્યો હતો. એક ફિલ્મમેકર તરીકે તમારે એક દૃષ્ટિ વિકસાવવી પડે છે. હું સામાન્ય માણસની નજરે મારી દુનિયાને નિહાળું છું અને રજૂ કરૂ છું. 

આ નિરાશ્રિતોની કોલોનીમાં બધાં બીજા દેશમાંથી પહેરેલાં કપડે બધું છોડીનેઆવ્યા હતા. તેઓ એકડે એકથી તેમના જીવનની શરૂઆત બીજા દેશમાં કરી રહ્યા હતા. મિલ્ખાસિંઘની કથા આવા એક સામાન્ય માણસની કથા છે જે પોતાની પાસે કશું ન હોવા છતાં માત્ર લગનના જોરે કેવો સફળ થાય છે તેની વાત છે. હું દિલ્હીમાં ઉછર્યો છું. હું નેશનલ સ્ટેડિયમમાં તરવા અને ક્રિકેટ રમવા જતો હતો. એ સમયે અમારા માટે ત્રણ મહાન માણસો હતો. હોકીના જાદુગર ગણાતાં ધ્યાનચંદ, દોડવીર મિલ્ખાસિંઘ અને કુસ્તીબાજ દારાસિંઘ. એ અમારા જમાનાના સચીન તેંડુલકર અને વિરાટ કોહલી હતા. અમને બધાને મિલ્ખા જી સાથે તાદામ્ય એટલા માટે કે અમારી આખી પેઢી એક પ્રકારના અભાવોમાં ઉછરી છે. મિલ્ખાજી પાસે શૂઝ નહોતાં એટલે એક સમયે તો તે ઉઘાડાં પગે દોડતા હતા. હું પણ નીચલા મધ્યમ વર્ગમાંથી આવું છું. મિલ્ખાજી એપહેલી રેસ જીતી ત્યારે તેમને ઇનામમાં એક ગ્લાસ દૂધ અને બે ઇંડા મળ્યા હતા. તે વિશ્વવિક્રમો બનાવવા માટે કે મહાન એથ્લીટ બનવા માટે આ રેસ જીત્યા નહોતાં. તેમના માટે આ સ્પર્ધાઓ જીતવી એ એક જરૂરિયાત હતી. હું પોતે તરવાની પ્રેક્ટિસ કરવા એટલા માટે જતો હતો કે પ્રેક્ટિસને અંતે અમને હોર્લિક્સ મિલાવેલાં દૂધનો ગરમ ગ્લાસ અને બે બોઇલ્ડ ઇંડા મળતાં હતા. અમારા માટે આ જબરદસ્ત નાસ્તો બની રહેતો અને એ પણ મફત. ભારતમાં એ સમયે બધાંની આ જ કથા હતી. 

મારે ભાગ મિલ્ખા ભાગ ફિલ્મમાં એવી કથા કહેવી હતી જેમાં દેશના ભાગલાંની કથા પણ વણાઇ જાય. મિલ્ખાસિંઘની બાયોગ્રાફીમાં મને આ કથા જણાઇ જેમાં ભાગલાંની વાત અને મિલ્ખાસિંઘની પોતાની કથા પણ એકમેકની સમાંતર ચાલતી હતી. પણ આ ફિલ્મ બનાવવાનું સરળ નહોતું. દરેક જણને મારી આ ફિલ્મ વિશે જાત જાતના સવાલો થતાં હતા. ઇસમે રોમાન્સ કહાં હૈ? હિરો તો સિર્ફ ભાગતાં રહેતાં હૈ ઇસમે એક્શન કહાં હૈ? ભારત મેં એથ્લેટિક્સ કૌન દેખતા હૈ? સારે સવાલ સહી થે. પણ મારા માટે આ લોકોને ખોટાં પાડવાનું પણ એટલું જ મહત્વનું હતુંં. જો મને મારી બનાવેલી ફિલ્મમાં રસ ન પડે તો હું તેને બનાવું જ નહીં. જ્યારે તમે ફિલ્મ જુઓ ત્યારે તમે તેમાં તરબોળ થઇ જાવ છો. લોકોને સમય ક્યાં પસાર થઇ જાય છે તેનો ખ્યાલ જ આવતો નથી. ફિલ્મની લંબાઇની ચિંતા હમેંશા પ્રદર્શકોને હોય છે. 

ફિલ્મના દર્શકો અને સમીક્ષકો કદી ફિલ્મની લંબાઇની ફરિયાદ કરતાં નથી. બધાંને એ સમયે ફિલ્મ લાંબી લાગતી હતી, પણ આ લાંબી  સ્પોર્ટ ફિલ્મ હોવા છતાં તે સફળ બની રહી છે. કેટલીક સ્ટોરીઓ કદી ભૂંસાતી નથી. પણ સમય સાથે તનું પોતે ઘટ્ટ બનતું  જાય છે. ભાગ મિલ્ખા ભાગ એક આવી કથા છે. આ ફિલ્મની કથા સમયને અતિક્રમી જાય છે.  આ ફિલ્મ ફરહાન અખ્તરની પણ એટલી જ છે. તે આ ફિલ્મમાં પાત્ર ભજવવાને બદલે તે જીવી ગયો છે.  

સોનમ કપૂરે માત્ર અગિયાર રૂપિયા જ શુકનના લીધા હતા 

 જ્યારે આ ફિલ્મમાં કામ કરવા માટે સોનમને મળવા હું ગયો ત્યારે તેને સ્પષ્ટ કહ્યું હતું કે તે પડદાં પર માત્ર પંદર મિનિટ જ તે દેખાશે.તેનું પાત્ર મિલ્ખાસિંઘે લીધેલાં નિર્ણયો સામે સવાલો કરે છે અને તેનું જીવન પલટી નાંખે છે. મેં સોનમને જણાવ્યું હતું કે ફિલ્મમાં તે પછી તે દેખાતી નથી અને પોસ્ટર કે ટ્રેલરમાં પણ તે હશે કે કેમ તેની મને ખબર નથી. સોનમે મારી વાત સાંભળી અને કહ્યું કે આ ફિલ્મ તો બનવી જ જોઇએ. હું આ ફિલ્મ માટે મોટી રકમ ચાર્જ કરીશ. મેં તેને કહ્યું બતા દેના ફીસ કોશિશ કરેંગે. જ્યારે તેનો કોન્ટ્રેક્ટ આવ્યો ત્યારે તેણે શુકનના માત્ર અગિયાર રૂપિયા જ ચાર્જ કર્યા હતા. તેણે તેની ભૂમિકા ગૌરવભેર ભજવી હતી. 

Tags :