જેસમયે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ વિશે વધારીને વાત કરવામાં આવે છે કે તેનાથી વિશ્વ સમાપ્ત થઈ જશે અથવા તો તેનાથી કોઈ ચમત્કાર સર્જાશે જે સભ્યતા બદલી નાખશે અથવા એક એવું જોખમ જે માનવીઓની નોકરી ખતમ કરી દેશે ત્યારે આ એક્ટર દિગ્દર્શક બેન એફ્લેકે એક તાજગીભર્યો અને વાસ્તવિક દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. 'ધી જો રોગન એક્સપીરીયન્સ' પોડકાસ્ટમાં તેની ટિપ્પણીએ ઓનલાઈન ચર્ચા જગાડી છે, એટલા માટે નહિ કે તેણે મોટી આગાહીઓ કરી, પણ એટલા માટે કે તેણે અફવાઓમાં તણાઈ જવાનો ઈન્કાર કર્યો છે.
સીધી રીતે એઆઈ વિશે ચર્ચા કરવાની બદલે તેણે તેની લેખકો, ફિલ્મ સર્જકો અને કલાકારોનું સ્થાન પડાવી લેવાની એઆઈની ક્ષમતા વિશે જે અતિશયોક્તિભર્યા દાવા થાય છે તેની સામે સવાલ ઉઠાવ્યા. તેણે જણાવ્યું કે જ્યારે લોકો ચેટજીપીટી, ક્લોડ અથવા જેમિની જેવા ચેટબોટ્સને કશુંક રચનાત્મક રીતે લખવા કહે છે ત્યારે તેનાં પરિણામ ભારે વિચિત્ર આવે છે. એફલેકના મતે આ એઆઈની સ્ટ્રક્ચરલ મર્યાદા છે. એફલેકે જણાવ્યું કે ક્રિયેટિવિટી જોખમ અને અંત:સ્ફૂર્ણા પર નભે છે. આ ગુણો આલ્ગોરિધમમાં નથી હોતા.
એફલેકે જોકે કબૂલ કર્યું કે એઆઈ ટેકનિકલ અથવા વિશ્લેષક રોલમાં કે વેરીફિકેશન કરવા માટે સહાયક બની શકે છે. તેણે દલીલ કરી કે આવી ઉપોયગિતાને ક્રિયેટિવિટી ન ગણવી જોઈએ. એક રસપ્રદ પટકથા લખવા માટે જીવંત અનુભવ, આંતરિક ટકરાવ અને અને મૌલિક અવાજની જરૂર પડે છે. પેટર્ન્સ આઇડેન્ટિફાય કરતી વખતે આ તમામ બાબતો બહાર રહી જાય છે.
એફલેકનું સૌથી સચોટ નિરીક્ષણ હતું એઆઈના પ્રચાર પાછળ રહેલા અર્થતંત્ર વિશે. તેણે સૂચવ્યું કે એઆઈ તમામ ક્રિયેટિવ નોકરીઓ આંચકી લેશે તેવો ઉહાપોહ મોટાભાગે વાસ્તવિકતાથી દૂર છે. સ્ટાર્ટઅપ્સ અને ટેક કંપનીઓ ઘણીવાર રોકાણકારોને પોતાની પ્રોડક્ટ્સના મૂલ્યાંકનોને વાજબી ઠેરવવા માટે એઆઈને કારણે વિશ્વમાં જોરદાર પરિવર્તન આવી જવાનું છે તેવી આગાણીઓ કરતા હોય છે.
સોશિયલ મીડિયા પર અનેક લોકએ એફલેકની સમજણના ઊંડાણ વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું. કેટલાક લોકોએ એફલેકની મુખ્ય દલીલો સ્વીકારીને પણ એઆઈની શક્તિઓ વર્ણવી. તેમણે જણાવ્યું કે એઆઈ વિશાળ ડેટા સેટના વિશ્લેષણમાં અને પેટર્નની ઓળખમાં ઉત્તમ છે. રસપ્રદ બાબત છે કે ઓનલાઈન પ્રતિસાદ મોટાભાગે એઆઈની બદલે એફલેક પર જ કેન્દ્રિત રહ્યો. ઘણાએ કબૂલ કર્યું કે તેમણે એફલેકની બુદ્ધિમતાને ઓછી આંકી હતી. પત્રકારો અને જાહેર હસ્તીઓએ નોંધ લીધી કે તેની બુદ્ધિમતા અને વિચારશીલતાએ તેમને આશ્ચર્યમાં મુકી દીધા છે.
ટૂંકમાં, આ હકીકત ફરી એક વાર પૂરવાર થઈ કે ગ્લેમરસ સ્ટાર ઇન્ટેલિજન્ટ વ્યક્તિ ન જ હોઈ શકે એ વાત ખોટી. સાડીસત્તર વાર ખોટી!


