- 'બેહદ' એટલે ઉત્તમ લખાણ, દિગ્દર્શન અને અભિનયનું ફાંકડું કોમ્બિનેશન. આ ફિલ્મ થકી દાનેશ ગાંધી એક દમદાર સ્ટાર-એક્ટર તરીકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશી રહ્યા છે
- દાનેશ ગાંધી
ગુજરાતી સિનેમાને હંમેશાં એક મહેણું મારવામાં આવે છે કે આપણી ફિલ્મોમાં સળગતા સામાજિક વિષયોને સ્પર્શવામાં આવતા નથી. તો હવે તમે જાણી લો કે 'બેહદ' ફિલ્મે આ મહેણું ભાંગી નાખ્યું છે. આજે જ રિલીઝ થયેલી આ નવીનક્કોર ગુજરાતી ફિલ્મનો વિષય પણ સ્ફોટક છે અને તેની રજૂઆત પણ સ્ફોટક છે. તેનો વિષય કન્ટેમ્પરરી છે, આજના ગુજરાતનો, આજના ભારતનો છે.
એવું તે શું છે આજે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'બેહદ'માં?
સૌથી પહેલાં તો એની કથા ટૂંકમાં જાણી લો. એક સાધનસંપન્ન હિંદુ પરિવારની ડોક્ટર દીકરી પ્રેમમાં પડે છે. ના, પ્રેમમાં ફસાય છે. અહીં 'ફસાવું' શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો છે કે તેના ફરતે રીતસર ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું. સમાજના અમુક ચોક્કસ તત્ત્વો હિન્દુ સમાજની ભણેલીગણેલી યુવતીઓને ફસાવવા માટે ત્રાગડો રચતાં હોય છે. યુવતી ફસાય છે અને પારાવાર યાતનાનો ભોગ બને છે. અલબત્ત, પરિવારની એકતા, મિત્રોના સાથ-સહકાર અને ખાસ તો પિતાના પોતાની પુત્રી પ્રત્યેનો અનહદ પ્રેમ યુવતીને ઉગારી લે છે. આ સમગ્ર ઘટનાક્રમના પરિણામસ્વરૂપે ચોંકાવનારું ષડયંત્ર ઉઘાડું પડે છે.
ચેતન ગાંધીએ પ્રોડયુસ કરેલી આ ફિલ્મ અંકુષ ભટ્ટે ડિરેક્ટ કરી છે. સ્ટોરી-સ્ક્રીનપ્લે આલાપ ત્રિપાઠીએ લખ્યા છે. એડિશનલ સ્ક્રીનપ્લે અને ડાયલોગ રાજુ પટેલના છે. દિલીપ રાવલ અને મયૂર ગલચરે ગીતો લખ્યાં છે, જ્યારે સિનેમેટોગ્રાફી ક્રિષ્ના રામનને કરી છે.
ફિલ્મના પ્રતિભાશાળી કલાકારોની વાત કરીએ તો, હિતુ કનોડિયા, સંજય ગોરડિયા, નિમેષ દિલીપરાય અને જ્હાન્વી ચૌહાણે 'બેહદ' ફિલ્મમાં અસરકારક અભિનય કર્યો છે. ના, વાત અહીં પૂરી થતી નથી...
ગુજરાતી સિનેમાને એક બીજું મહેણું પર મારવામાં આવે છે. તે એ કે, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અક્ષયકુમાર કે રણવીર સિંહ જેવા કેરિશ્મેટિક સ્ટાર નથી. આ મહેણું પણ 'બેહદ' ફિલ્મ ભાંગે છે. આ ફિલ્મથી એક નવોનક્કોર સ્ટાર-એક્ટર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મળ્યો છે. એમનું નામ છે - દાનેશ ગાંધી. ગુડ લુક્સ, સ્માર્ટ પર્સનાલિટી, બોલિવુડના હીરો જેવું કસાયેલું બોડી અને ખાસ તો જાનદાર અભિનયક્ષમતા. આ બધાં દાનેશ ગાંધીનાં પ્લસ પોઇન્ટ્સ છે.
દાનેશ ગાંધીએ અગાઉ ગુજરાતી રંગભૂમિ પર ૭થી ૮ નાટકોમાં અભિનય કર્યો છે. તે ઉપરાંત બોલિવુડના ડિરેક્ટર ઉમેશ શુક્લાના માર્ગદર્શન હેઠળ 'આંખ મિચૌલી' અને 'એક ચતુર નાર' જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. હવે તેઓ આ વિસ્ફોટક અને સંવેદનશીલ વિષય લઈને ગુજરાતી ફિલ્મ 'બેહદ' સાથે પ્રેક્ષકો સામે આવ્યા છે.
'બેહદ' લવ જિહાદ જેવા અત્યંત નાજુક અને જલદ વિષય પર આધારિત છે. ગુજરાતી સિનેમામાં સંભવત: આવા સ્ફોટક વિષય પર અગાઉ ક્યારેય કોઈ ફિલ્મ બની નથી.
'બેહદ' એટલે ઉત્તમ લખાણ, દિગ્દર્શન અને અભિનયનું ફાંકડું કોમ્બિનેશન. ચીલાચાલુ ફિલ્મોથી ખાસ્સી અલગ અને સમાજની આંખો ઊઘાડનારી 'બેહદ' ફિલ્મ દર્શકોએ વધાવી લેવા જેવી છે.
'બેહદ', અગાઉ નોંધ્યું તેમ, આજથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.


