Get The App

તૈયાર રહો... વધુ ખર્ચા કરવા! .

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
તૈયાર રહો... વધુ ખર્ચા કરવા!                                     . 1 - image


- OTT ઓનલાઈન ઝિંદાબાદ- સંજય વિ. શાહ 

- આપણી ભાષામાં કોઈ દમદાર ઓટીટી પ્લેટફોર્મ રહ્યું નથી. જ્યાં મફતમાં ગુણવત્તાસભર શોઝ માણી શકાય એવાં ઓટીટી પ્લેટફોર્મ્સ ઓછાં થઈ રહ્યાં છે. આગળ હજી ઓછાં થશે. એક નજર ઓટીટીની બદલાતી દુનિયા પર

થોડા મહિના જવા દો. ઓટીટી પર હાલમાં જે  છે, સસ્તાઈ છે, વગર જાહેરાતે મનોરંજન માણવાની મોજ છે એ બધાંમાં કપાત મુકાવાની છે. આમ તો એની શરૂઆત ક્યારની થઈ ગઈ છે. બસ, સમય સાથે એનું પ્રમાણ વધતું જવાનું છે. શાને એની વાત કરીએ. 

અત્યાર સુધી જિયો સિનેમા અને હોટસ્ટાર અલગ અલગ જણસ હતાં, પ્લેટફોર્મ્સ હતાં. પ્રાઇમ વીડિયો એને એમએક્સ પ્લેયર પણ અલગ હતાં. હવે આ બબ્બે પ્લેટફોર્મ્સના એકીકરણથી બજારમાં બે પ્લેટફોર્મ્સની બાદબાકી થઈ ગઈ છે. એમાનું એક તો સાવ મફત હતું અને હજી, સદનસીબે છે. પણ એમએક્સ પ્લેયર કાયમ માટે મફત રહેશે ખરું? કશુંક હેવાય નહીં. 

આ મહિનાથી પ્રાઇમ વીડિયો વળી નવો નિયમ લાવી રહ્યું છે. એ છે લવાજમધારકોએ પણ વગર જાહેરાતે મનોરંજન માણવા વધારાનાં ફદિયાં ચૂકવવાનાં રહેશે. કાં તો મહિને રૂ. ૧૨૯ અથા વરસના રૂ. ૬૯૯. આ રૂપિયા સબસ્ક્રાઇબરે પહેલેથી લવાજમપેટે રૂ. ૧,૪૯૯ ભર્યા હોય એનાથી વેગળા છે. હવે વિચાર કરો. એક તરફ શેમારૂ મી જેવું પ્લેટફોર્મ છે, જ્યાં બે હજારમાં એક રૂપિયો ઓછો ભરીને બબ્બે વરસ મનોરંજન માણી શકાય છે અને બીજી તરફ પ્રાઇમ વિડિયો છે જેને વરસના રૂ. ૨૦૦૦થી વધુની રકમ ખપે છે. 

જાહેરાતોના ટેકે ચાલનારાં, એમએક્સ પ્લેયર જેવાં પ્લેટફોર્મ્સથી પહેલાં સબસ્ક્રિપ્શન બેઝ્ડ પ્લેટફોર્મ્સ અલગ હતાં. હવે આ હંધાયને સબસ્ક્રિપ્શન ફી પણ ખપે છે અને જાહેરાતમાંથી પણ આવક રળવી છે. ખરેખર તો એ અંચઈ ના કહેવાય? ઝીફાઇવ જેવું પ્લેટફોર્મ પણ લવાજમ લીધા પછી પણ ફિલ્મો અને શોઝ વચ્ચે પહેલેથી જાહેરાતો બતાવતું રહ્યું છે. હવે આ કામ લગભગ બધાં પ્લેટફોર્મ્સ કરવાનાં છે. કદાચ એકમાત્ર નેટફ્લિક્સને છોડીને?

વાત એ પણ નોંધવી રહી કે હવે તાકાતવાળાં ઓટીટી પ્લેટફોર્મ્સ ઓછાં રહ્યાં છે. ગણીને પાંચ. એમાં પણ સૌથી ટાઢું સોની લિવ છે. એની પાસે આમ પણ પીરસવા માટે નવી સામગ્રી હવે ઓછી છે, કારણ અન્ય પ્લેટફોર્મ્સની જેમ એ જીવ પર આવીને શોઝ વગેરેનું નિર્માણ નથી કરી રહ્યું. નજીકના ભૂતકાળમાં ઝી અને સોનીનું એકીકરણ થવાનું હતું એ પણ યાદ રાખો. કહેવાનું તાત્પર્ય કે સોની લિવ મેદાનમાં લાંબું ટકે એ ઇચ્છનીય છે પણ આ ઉદ્યોગમાં કશું કહેવાય નહીં. 

ગુજરાતીઓ માટે બીજી એક મુશ્કેલી એ છે કે એમની પાસે પોતાની ભાષામાં દમદાર મનોરંજન પીરસતા પ્લેટફોર્મનો અભાવ છે. એક ઓહો ગુજરાતી હતું એ પણ ગયું. જોજો નામે પ્લેટફોર્મ છે પણ હજી એણે મૂળિયાં ઊંડાં કરવાનાં બાકી છે. શેમારૂ મી ખરું પણ સાતેક કરોડ ગુજરાતીઓ માટે એ પૂરતું નથી. થવું તો એવું જોઈતું હતું કે અત્યાર સુધીમાં આપણી ભાષામાં ત્રણ-ચાર પ્લેટફોર્મ્સ તો ઘડાઈને પાટે ચડી જવાં જોઈતાં હતાં. પણ જેમ આપણે ટેલિવિઝન, રેડિયો સહિત માતૃભાષાનાં વિવિધ માધ્યમો વિશે ટાઢાબોળ રહ્યા છીએ એમ આપણે ઓટીટીના મામલે પણ ભાષાપ્રેમી નથી. આપણને ચાલે, મનોરંજન હિન્દીમાં મળી જાય તો પણ ચાલે.  

બદલાતી ઓટીટી બજારની વાત સાથે થોડી આંકડાકીય માહિતી પણ જાણી લઈએ. જિયોના અત્યારે લગભગ ૨૮ કરોડ પેઇડ સબસ્ક્રાઇબર્સ હોવાનો અંદાજ મુકાય છે. એ સાથે એ પેઇડ સબસ્ક્રાઇબર્સના મામલે નેટફ્લિક્સ પછી દુનિયાનું બીજા નંબરનું પ્લેટફોર્મ બની ગયું છે. ઝીના છે પોણાપાંચ કરોડથી થોડા વધુ.  

મજાની વાત કે ઓટીટી પર ૫૫% માલ બિન-હિન્દી છે. એટલેસ્તો વાત કરી કે ગુજરાતીમાં કેમ કોઈ પ્લેટફોર્મ હરણફાળ ભરી શક્યું નથી. દક્ષિણની ભાષાઓ ઉપરાંત બંગાળી ભાષામાં પણ લોકલ પ્લેટફોર્મ્સે ખરેખર દર્શનીય દેખાવ કર્યો છે. ઝીફાઇવ જોનારા અડધા દર્શકો પ્રાદેશિક ભાષાના છે. 

ગુજરાતી ઉપરાંત ભોજપુરી કન્ટેન્ટમાં જિયો મોટું રોકાણ કરી રહ્યું છે એવી પણ એક માન્યતા છે. પણ એની અસર પડદે દેખાય ત્યારે જાણવું કે હા, હવે આપણી ભાષામાં પણ જબરદસ્ત શોઝ વગેરે બની રહ્યા છે. ત્યાં સુધી મોટે ભાગે આપણે હિન્દી, અંગ્રેજી અને અન્ય ભાષી ચીજોથી ગાડું ગબડાવવાનું છે. 

યાદ રહે કે આ આંકડાઓ, ઓટીટીની આ હરણફાળ ત્યારે છે જ્યારે દેશમાં ૩૦% લોકો પાસે સ્માર્ટફોન નથી. જ્યારે ૩૦% ભારતમાં હજી પણ અસ્ખલિત ઇન્ટરનેટની સેવા નથી. જેમ જેમ આ સ્થિતિમાં સુધારો થતો જશે તેમ તેમ ઓટીટીની તાકાત વધતી જશે.

જોકે ઓટીટીની વધતી તાકાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખતરાનીં ઘંટી છે. ટેલિવિઝન માટે પણ આવનારા દિવસોમાં મુશ્કેલી વધાની છે. ટીવી પર આગળ જતાં સૌથી વધુ જોવાશે ન્યુઝ ચેનલ્સ. જનરલ એન્ટરટેઇનમેન્ટ કે જીઈસી તરીકે ઓળખાતી સ્ટાર પ્લસથી ઝી અને સોની સહિતની ચેનલ્સ માટે પડકારો વધવાના છે. એમણે જોકે આમ પણ જાતે પોતાના પગ પર કુહાડી મારી છે. અમુક અપવાદોને બાદ કરતાં ટીવીએ એકદમ ફ્રેશ, નવતર અને કમાલનું પીરસવાનું ક્યારનું બંધ કરી દીધું છે. પરિણામ એવું આવશે કે ઓટીટી ટીવીના દર્શકો ખેંચતું રહ્યું છે અને વધુ પ્રમાણમાં ખેંચતું રહેવાનું છે. ઇન શોર્ટ, ઓટીટી પર પ્લેટફોર્મ્સ ઘટશે, ખર્ચ વધશે અને સાથે, જાહેરાતોનો મારો પણ વધશે. મફતમાં ઓટીટી જોવું હવે પહેલાં જેવું મજેદાર નહીં રહે. તૈયાર રહો, વધુ ખર્ચા કરવા.   

Tags :