Get The App

આયુષમાન ખુરાનાઃ હવે સંપૂર્ણ પારિવારિક મનોરંજનનો વારો

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
આયુષમાન ખુરાનાઃ હવે સંપૂર્ણ પારિવારિક મનોરંજનનો વારો 1 - image

- દર્શકોની પસંદગીને પડકારનાર કલાકાર

- સિનેમા હોલમાં હવે વધુ વ્યાપક, વૈશ્વિક સ્તરે સુસંગત અનુભવોની જરૂર પડી છે. આયુષમાને આ ફેરફાર સ્વીકારી લીધો છે અને જણાવ્યું કે તે સભાનપણે એવી પટકથા શોધે છે જે વ્યાપક  દર્શકોને પસંદ આવે.

બોલીવૂડ કલાકાર આયુષમાન ખુરાનાએ સામાજિક પૂર્વગ્રહોને પડકારે અને ચર્ચાઓ છેડે તેવી ફિલ્મો પસંદ કરીને હિન્દી સિનેમામાં પોતાની વિશિષ્ટ જગ્યા બનાવી છે. 'વિકી ડોનર'માં શુક્રાણુ ડોનરથી લઈને 'શુભ મંગલ સાવધાન'માં સ્તંભન દોષથી પીડાતા પાત્ર સાથે અયુષમાને રમૂજ અને સંવેદનશીલતા મિશ્રિત બિનપરંપરાગત વાર્તા પર પોતાની પ્રતિષ્ઠા બનાવી છે.   લગભગ એક દાયકા કરતા વધુ સમયથી આયુષમાન સામાજિક રીતે સુસંગત સિનેમાનો પર્યાય બની ગયો હતો. તેની ફિલ્મો માત્ર મનોરંજન પૂરુ નહોતી પાડતી, પણ ભારતીય સમાજમાં અસ્વસ્થ ગણાતા વિષયો ફરતે ચર્ચાઓ પણ જગાવતી હતી. 'બાલા', 'આર્ટિકલ ૧૫' અને 'બધાઈ હો' જેવી ફિલ્મોએ શારીરિક છબી અને જાતીય ભેદભાવથી લઈને મોટી ઉમરે સગર્ભાવસ્થા જેવા મુદ્દા સંબોધ્યા છે. આ ફિલ્મોની કમર્શિયલ અપીલ સાથે અર્થસભર થીમ મિશ્રિત કરવા માટે પ્રશંસા કરવામાં આવી હતી અને આયુષમાનને કન્ટેન્ટ આધારીત બોલીવૂડ સિનેમાનો સૌથી વિશ્વસનીય અભિનેતા બનાવી દીધો.

છતાં આયુષમાનના મતે કોવિડ મહામારી પછી સિનેમેટીક લેન્ડસ્કેપ નાટયાત્મક રીતે બદલાઈ ગયો. તેણે સ્પષ્ટતા  કરી કે આજે દર્શકો થિયેટરોમાં પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી ફિલ્મો તરફ વધુ વળ્યા છે. એક તરફ પ્રયોગાત્મક સિનેમાનું અસ્તિત્વ જળવાઈ રહ્યું છે તો બીજી તરફ થિયેટર સફળતા વધુને વધુ વ્યાપક ભાવનાત્મક જોડાણ અને અપીલ પર મદાર રાખી રહી છે. આયુષમાને કબૂલ કર્યું કે મહામારી પછી તેની કેટલીક ફિલ્મો આલોચકોએ પસંદ કરી હોવા છતાં બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ ચાલી નહિ.

આયુષમાને ખાસ 'ચંડીગઢ કરે આશિકી' અને 'ડોક્ટર જી'ને ઉદાહરણ તરીકે ટાંકી. બંને ફિલ્મોએ સામાજિક સંવેદનશીલ વિષયો સંબોધ્યા હતા અને તેમની નિર્ભિક વાર્તા માટે પ્રશંસા પણ હાંસલ કરી. છતાં તે તેની અગાઉની સામાજિક થીમ પર આધારીત ફિલ્મો જેટલી સફળ ન થઈ શકી. આયુષમાનના મતે આ બાબતે તેને  ભાવિમાં કેવા પ્રોજેક્ટ પસંદ કરવા તેના વિશે ફેરવિચારણા કરવા મજબૂર કર્યો.

આયુષમાન માને છે કે ઓટીટી પ્લેટફોર્મના ઉદયે દર્શકોની પસંદગીને પ્રભાવિત કરી છે. સિનેમા હોલમાં હવે વધુ વ્યાપક, વૈશ્વિક સ્તરે સુસંગત અનુભવોની જરૂર પડી છે. આયુષમાને આ ફેરફાર સ્વીકારી લીધો છે અને જણાવ્યું કે તે સભાનપણે એવી પટકથા શોધે છે જે વ્યાપક  દર્શકોને પસંદ આવે.

મહત્વની બાબત છે આ આયુષમાન પોતાને અર્થસભર સિનેમાથી અલગ નથી કરી રહ્યો. તેના સ્થાને તે મનોરંજન અને સુસંગતતા વચ્ચે સંતુલન જાળવવા ઈચ્છે છે.  આયુષમાનના મતે ભાવનાત્મક જોડાણ, હાસ્ય અને પારિવારીક ફિલ્મો આજના થિયેટરીકલ યુગમાં વધુ મહત્વની બની રહી છે.

આયુષમાનની સારા અલી ખાન, વમિકા ગબ્બી અને રકુલ પ્રીત સિંહ અભિનિત નવી ફિલ્મ 'પતિ, પત્ની ઔર વહ દો'માં હળવી અને વ્યાપક મનોરંજન તરફની ગતિ જણાઈ આવે છે. આ ફિલ્મને ભલે બોક્સ ઓફિસ પર સરેરાશ પ્રતિસાદ મળ્યો હોય, પણ તેમાં આયુષમાનનો મુખ્ય પ્રવાહના પારિવારીક દર્શકો સાથે ફરી જોડાવવાનો પ્રયાસ દેખાઈ આવે છે.

આગામી સમયમાં આયુષમાન પાસે રસપ્રદ પ્રોજેક્ટની ભરમાર છે જેમાં 'યહ પ્રેમ મોલ લિયા' અને 'ઉડતા તીર' સામેલ છે. ચાહકો અને ઉદ્યોગના નિરીક્ષકો આ નવા સિનેમેટીક તબક્કામાં આયુષમાન કેવી રીતે પોતાને રજૂ કરે છે તે જોવા આતુર છે. તેની અગાઉની ફિલ્મોએ ભારતીય સમાજમાં મુશ્કેલ ચર્ચાઓ સામાન્ય કરવામાં સહાય કરી હતી ત્યારે તેના ભાવિ પ્રોજેક્ટો ઉષ્મા, હાસ્ય અને વૈશ્વિક રીતે સુસંગત કથાનક દ્વારા દર્શકોને સાથે લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.