આયેગા અબ મઝા બરસાત કા, તેરી મેરી દિલકશ મુલાકાત કા...
- 'અંદાજ'માં સમીરનાં ગીતોને નદીમ-શ્રવણે સ્વરાંકિત કર્યાં હતાં. રસપ્રદ વાત એ હતી કે મોટે ભાગે વિદેશી તર્જોની અસર હેઠળ કામ કરતા આ સંગીતકારોએ આ ફિલ્મમાં આપણા આદરણીય સંગીતકાર ખય્યામના એક ગીતની નકલ કરી હતી.
હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં જાણે-અજાણે કે ઇરાદાપૂર્વક એવું બન્યું છે કે એક નામની ત્રણ-ચાર ફિલ્મો આવી ગઇ. એ એક અકસ્માત હોઇ શકે, અજાણપણે આવું બન્યું હશે એમ માની લઇએ. સંગીતકાર નદીમ-શ્રવણને વિદાય આપવાની પૂર્વસંધ્યાએ જે ફિલ્મના સંગીતની વાત કરવી છે એની જોડે એવા જ જોગસંજોગ સર્જાયા છે. ધુરંધર ફિલ્મ સર્જક મહેબૂબ ખાને ૧૯૪૯-૫૦માં પહેલી અને છેલ્લી વાર દિલીપકુમાર અને રાજ કપૂરને સાથે લઇને 'અંદાજ' ફિલ્મ બનાવેલી. એનું સંગીત નૌશાદનું હતું અને બધાં ગીતો હિટ નીવડયાં હતાં. એ પછી ૧૯૭૧માં આવી રાજેશ ખન્ના અને શમ્મી કપૂરને રજૂ કરતી ફિલ્મ 'અંદાજ'. 'શોલે' ફેમ રમેશ સિપ્પીની નિર્દેશક તરીકે આ પહેલી ફિલ્મ. એમાં શંકર-જયકિસનનું સંગીત હતું. આ ફિલ્મ રજૂ થયાના થોડાજ મહિનામાં જયકિસને અકાળે વિદાય લીધી. આ 'અંદાજ'નાં ગીતો પણ હિટ હતાં.
૨૦૦૩માં નિર્માતા સુનીલ દર્શન અને નિર્દેશક રાજ કંવર ત્રીજી 'અંદાજ'ને લઇને આવ્યા. આ 'અંદાજ' અલગ રીતે મહત્ત્વની છે. આ ફિલ્મે આપણને બે પ્રતિભાવાન અભિનેત્રી આપી. એમાંની એક તો ઇન્ટરનેશનલ કલાકાર તરીકે પંકાઇ. એ અભિનેત્રી એટલે પ્રિયંકા ચોપરા. બીજી અભિનેત્રી લારા દત્તા. આ 'અંદાજ'ના અભિનય માટે પ્રિયંકાને બેસ્ટ સપોટગ એક્ટ્રેસનો ફિલ્મ ફેર એવોર્ડ મળેલો તો લારાને બેસ્ટ ડેબ્યુનો સ્ક્રીન એવોર્ડ મળેલો. હીરો હતો અક્ષયકુમાર. પ્રણય ત્રિકોણની કથા હતી. નાયક-નાયિકાના પ્રેમને સફળ કરવા પ્રિયંકા રમત રમે છે એવી વાત હતી.
આ ફિલ્મમાં અક્ષયકુમારે વાયુ સેનાના અધિકારીનો રોલ કર્યો છે. એનાં દ્રશ્યોનું શૂટિંગ સાઉથ આફ્રિકાના કેપટાઉન શહેરમાં કરેલું. એ માટે સાઉથ આફ્રિકાની સરકારે મિગ અને જેટ વિમાનો ભાડે આપેલાં. કેપટાઉનમાં એક બીચ પર ગીતના શૂટિંગમાં લારા દરિયાની ભરતીમાં તણાતી હતી ત્યારે અક્ષયકુમારે એને બચાવી લીધી હતી. આશરે સવા નવ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ આફિસ પર ટંકશાળ પાડેલી, ૨૮ કરોડની કમાણી કરી હતી.
સમીરનાં ગીતોને નદીમ-શ્રવણે સ્વરાંકિત કર્યાં હતાં. રસપ્રદ વાત એ હતી કે મોટે ભાગે વિદેશી તર્જોની અસર હેઠળ કામ કરતા આ સંગીતકારોએ 'અંદાજ'માં આપણા આદરણીય સંગીતકાર ખય્યામના એક ગીતની નકલ કરી હતી. એ ગીતથી વાતનો ઉપાડ કરીએ તો કેમ? ખય્યામે ફિલ્મ 'નૂરી'માં એક અદભુત ગીત આપેલું- 'ઉસ કે ખેલ નિરાલે, વો હી જાને, અલ્લાહ જાને, વો હી જાને, અલ્લાહ જાને...' આ ગીત ખય્યામનાં પત્ની અને સરસ ગાયિકા જગજિત કૌર, ટોચના ફિલ્મ સર્જક યશ ચોપરાનાં પત્ની પામેલા ચોપરા અને અનવરે ગાયું હતું.
'અંદાજ'માં નદીમ-શ્રવણે આ ગીતની તર્જ પરથી એક ગીતને સ્વરાંકિત કર્યું છે. સૂફી સંતો ભક્તિને ઇશ્ક કહે છે. અહીં શબ્દો છે- 'ઇશ્ક ચીઝ હૈ ઐસે રબ્બા, જિસે કોઇ સૌત ન પાયે, કોઇ ઇશ્ક મેં સબ કો મીટા દે, કોઇ ઇશ્ક મેં ખુદ મીટ જાયે, રબ્બા ઇશ્ક ના હોવે...' આ ગીત સોનુ નિગમ, કૈલાસ ખેર, અલકા યાજ્ઞિાક અને સપના મુખરજીનાં કંઠે રજૂ થયું છે. તર્જ તૈયાર હતી એટલે એમ માની શકાય કે મૂળ ગીતના છંદ પર સમીરે શબ્દો બેસાડયા હોય. જે હોય તે, પણ ગીત માણવા જેવું બન્યું છે.
એક ગીત પહેલી વાર કુમાર સાનુના અને બીજી વાર અલકા યાજ્ઞિાકના કંઠે રજૂ થયું છે- 'કિતના પાગલ દિલ હૈ, કૈસી યહ મુશ્કિલ હૈ, બેવજહ કિસી પે એતબાર કરે, જો ભી યહાં પ્યાર કરે, જીના દુશ્વાર કરે...' પરદા પર આ ગીત ખૂબ સરસ રીતે શૂટ થયું હતું.
પ્રેમ કરનાર ક્યારેક પ્રેમના ભ્રમમાં અટવાય ત્યારે એના મનમાં દ્વિધા પ્રગટે. એવા સમયે એને કેવા વિચાર આવે? સોનુ નિગમ અને અલકાએ એ ગીત ગાયું છે. મુખડું છે- 'અલ્લાહ કરે દિલ ના લગે કિસી કા, યે પ્યાર તો હૈ ઇક ધોખા, ઇસી લિેયે મૈંને દિલ કો રોકા, હમ જિસ પે મરે, વો ભી હમ પે મરે, સચ કે રાતભર હમ જગે...'
આ ગીતના ભાવથી તદ્દન જુદો ભાવ ધરાવતું ગીત ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિાકના કંઠમાં સાંભળવા માણવા જેવું બન્યું છે- 'આજ કહના જરૂરી હે કે તુમ સે પ્યાર હુઆ હૈ, બડી મુશ્કિલ યે દૂરી હૈ કે તુમ સે પ્યાર હુઆ હૈ...' ફિલ્મ રજૂ થઇ ત્યારે આ ગીત સારું ગાજ્યું હતું. 'કિસી સે તુમ પ્યાર કરો તો ઇઝહાર કરો, કહીં ના દેર હો જાયે...' મુખડું ધરાવતા ગીતમાં સંગીતકારોએ ભારતીય સંગીતના રાગ ગાવઠીનો આધાર લીધો છે. કહરવા તાલમાં આ ગીત કુમાર સાનુ અને અલકા યાજ્ઞિાકે દિલથી જમાવ્યું છે. પરદા પર ગીત જામ્યું'તું. ઓડિયોમાં પણ સાંભળવું ગમે એવું છે.
વીતેલા જમાનામાં 'શ... લા... લા.. બેબી' મુખડું ધરાવતી ઘણી લોરી લોકપ્રિય હતી. આપણે જેને હાલરડું કહીએ છીએ અને માતાઓ 'હા લા લા લા...' કરતાં શાબ્દિક જોડકણાં જેવું ગાઇને બાળકને પોઢાડે છે એવી રચનાનો અલગ રીતે ઉપયોગ કરીને અહીં એક ગીત રજૂ થયું છે. શાન અને અલકાના કંઠે ગવાતા આ ગીતમાં હાલરડાના એ શબ્દોનો સરસ ઉપયોગ કરાયો છે. 'શ..લા...લા.. બેબી, બોલો શ..લા..લા.. બેબી, આયે જો સપનોં મેં બાર બાર, હૈ મેરે દિલ કો એતબાર...' તર્જ-લય રમતિયાળ છે.
ફિલ્મ સંગીતના અભ્યાસીઓ નદીમ-શ્રવણ માટે કહે છે કે આ બંનેએ પાકિસ્તાની ગીતોની ભરપુર કોપી કરેલી. હકીકતમાં આ બંનેએ જુદા જુદા દેશના સંગીતનો ઉપયોગ કરેલો. બંને ખૂબ આંતરરાષ્ટ્રીય સંગીત સાંભળતા. પછી પોતાની રીતે એનો ઉપયોગ કરી લેતા. એક આખો દશકો આ બંનેનો હતો એમ કહી શકાય. સંજોગો એવા સર્જાયા કે નદીમે સ્વેચ્છાએ દેશત્યાગ કર્યો. શ્રવણ એકલો રહી ગયો. બંનેની જોડી તૂટી ગઇ. જોકે બંનેએ ટકી રહેવા ભરપુર પરિશ્રમ કરેલો, પરંતુ એકવાર જોડી તૂટી પછી નસીબનો સાથ પણ છૂટયો. શ્રવણે કોરોનાકાળમાં વિદાય લીધી અને નદીમ આજે દુબઇમાં પરફ્યૂમનો બિઝનેસ કરે છે. સુખી છે. (આવતા શુક્રવારે પૂરૂં.)