Get The App

અવન્તિકા દાસાણી : સ્ટાર કિડ તરીકે નહિ, કલાકાર તરીકે ઓળખાવું છે

Updated: Aug 1st, 2024

GS TEAM


Google News
Google News
અવન્તિકા દાસાણી : સ્ટાર કિડ તરીકે નહિ, કલાકાર તરીકે ઓળખાવું છે 1 - image


- 'મારી મમ્મી (ભાગ્યશ્રી) પાસેથી હું એ શીખી છું કે સૌની સફળતાની વ્યાખ્યા પોતપોતાની હોય છે. તમને જે રસ્તો તમારા માટે યોગ્ય લાગે - પછી તે પ્રોફેશનલ લાઇફ સંબંધિત હોય કે પર્સનલ  લાઇફનો - તેના પર પૂરી લગનથી ચાલો.'

અવિન્તકાની કારકિર્દી પ્રયોગાત્મક ભૂમિકાઓ અને પ્રચલિત કમર્શિયલ પાત્રોના મિશ્રણથી ઘડાયેલી હશે. તે પોતાની અભિનય સફરમાં વિકાસ પર વધુ ભાર મુકવા માગે છે.

બોલિવુડમાં સ્ટાર કિડ્સની એન્ટ્રી ફરતેની વાતો મોટાભાગે તેમને વિશેષાધિકાર મળતો હોવાની ધારણા પર આધારીત હોય છે. ગત જમાનાની હિટ અભિનેત્રી ભાગ્યશ્રીની પુત્રી અવન્તિકા દાસાણી પણ એમાં કોઈ અપવાદ નથી. જો કે ફિલ્મ ઉદ્યોગમાં અવન્તિકાનો પથ તેના માતાના માર્ગથી ઘણો જૂદો પડે છે. ભાગ્યશ્રી ૧૯૮૯માં તેની ડેબ્યુ ફિલ્મ મૈંને પ્યાર કિયાથી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. બીજી તરફ અવન્તિકાએ વધુ પ્રયોગાત્મક અને બિનપરંપરાગત માર્ગ અપનાવ્યો છે. 

બોલિવુડમાં અવિન્તકાની એન્ટ્રી બિલકુલ ધમાકેદાર નહોતી. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ઓટીટી પ્રોજેક્ટ 'મિથ્યા'થી કરી, જેમાં તેને પ્રારંભથી જ પ્રયોગ કરવાની તક મળી. ભાગ્યશ્રીને મેઈનસ્ટ્રીમ બ્લોકબસ્ટરથી પ્રસિદ્ધિ મળી ગઈ જ્યારે અવન્તિકાનો ડેબ્યુ શાંત હતો, છતાં તેને પોતાના અભિગમથી સંતોષ છે.

અવન્તિકા કહે છે કે તેની કારકિર્દી પ્રયોગાત્મક ભૂમિકાઓ અને પ્રચલિત કમર્શિયલ પાત્રોના મિશ્રણથી ઘડાયેલી હશે. અવિન્તકા પોતાની અભિનય સફરમાં વ્યાપક વિકાસ પર વધુ ભાર મુકવા માગે છે.

અવન્તિકાનો આગામી પ્રોજેક્ટ 'યુ શેપ કી ગલી' પડકારો લઈને આવ્યો છે. ફિલ્મની વાર્તા તેના પોતાના શહેરી વાતાવરણ જૂહુથી વિપરીત ગ્રામીણ વિસ્તારમાં કેન્દ્રિત છે. આ ભૌગોલિક અને સાંસ્કૃતિક વિરોધાભાસને કારણે અવન્તિકા સામે પાત્રને ન્યાય આપવા બાબતે શંકા ઉપસ્થિત થઈ છે. જૂહુમાં ઉછરેલી યુવતી આવું પાત્ર કેવી રીતે નિભાવી શકશે એવા સવાલ પૂછાઈ રહ્યા છે.

પણ અવન્તિકા આવા સંશયવાદનું સ્વાગત કરીને તેને પોતાના સમર્પણ અને સખત પરિશ્રમ સાબિત કરવાની તક તરીકે જુએ છે. અવન્તિકા હવે આવો સંશય કરનારાને પોતાની મહેનત અને પ્રતિભાથી ખોટા પડાવા આતુર છે.

અવન્તિકા સામે વિશેષાધિકારની પૂર્વધારણાનો સામનો કરવાનો મોટો પડકાર ઊભો છે, જેમાં તેના પ્રયાસો અને સમર્પણની અવગણના કરવામાં આવે છે. અભિનેત્રીની પુત્રી હોવાને નાતે પોતાને અમુક લાભ હોવાનું સ્વીકારતા અવન્તિકા કહે છે કે ખરી સફળતા કલાકારના સંતાનો હોવાને કારણે નહિ પણ પ્રતિભાથી હાંસલ થાય છે. અવન્તિકાના મતે અભિનયકલા સમગ્ર જીવનપર્યંતની સફર છે, તે માત્ર વિશેષાધિકારથી હાંસલ નથી થતી.

અવન્તિકા સ્ટારકિડના આધારે નહિ પણ ગુણોના આધારે રોલ મેળવવા માગે છે અને તેની આ પ્રતિબદ્ધતા સતત ઓડિશન આપવામાં અને અસંખ્ય રોલ નકારવાના કિસ્સાથી સાબિત થાય છે. તે પોતાની આવડતના જોરે અભિનેત્રી બનવા તત્પર છે, માત્ર ભાગ્યશ્રીની પુત્રી હોવાના નાતે નહિ.

ઉલ્લેખનીય છે કે અભિનય તરફ અવન્તિકાનો પથ બિલકુલ સરળ નહોતો. શરૂઆતમાં તેણે માતાના પગલે ચાલવાનો ઈન્કાર કરી દીધો હતો અને કારકિર્દીના અન્ય વિકલ્પો વિચાર્યા હતા. અવન્તિકા કબૂલ કરે છે કે અભિનય જ તેનો ખરું લક્ષ્યાંક હતું તે સ્વીકારતા તેને સમય લાગ્યો હતો. અભ્યાસ પૂર્ણ કરીને વિવિધ કંપનીઓમાં કામ કર્યું હોવા છતાં તેને સંતોષ નહોતો થઈ રહ્યો. પણ તેના એક્ટર ભાઈ અભિમન્યુ દાસાણીએ તેને અભિનયની તાલીમ મેળવવા પ્રોત્સાહિત કરી. અનેક વર્કશોપમાં હાજરી આપવાથી તેનામાં અભિનયની ધગશ પ્રજ્વલિત થઈ અને તેણે અભિનયને પોતાના અસલ વ્યવસાય તરીકે અપનાવવાનું નક્કી કર્યું.

અવન્તિકાની અભિનય સફર પર તેના માતા ભાગ્યશ્રીની ગાઢ અસર છે. ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા સહજ સંઘર્ષો ટાળવા માતાએ અલગ કારકિર્દી અપનાવવાની સલાહ આપી હોવા છતાં ભાગ્યશ્રીએ આખરે અવન્તિકાની અભિનય ધગશને મંજૂરી આપી દીધી.

ભાગ્યશ્રીએ કારકિર્દીની ટોચે હતી ત્યારે ફિલ્મો છોડવાનો નિર્ણય લેતા ચકચાર જાગી હતી, પણ અવન્તિકા તેને મક્કમતા અને પોતાની માન્યતાને વળગી રહેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે જુએ છે. અવન્તિકા કહે છે કે મારી માતા પાસેથી મહત્વની શીખ મળી છે કે સફળતા વ્યક્તિલક્ષી છે. તમને જે પથ તમારા માટે યોગ્ય લાગે તેના પર પૂરી લગનથી ચાલો. 

Tags :