આશા પારેખ પોતાની મરજી મુજબ જીવન જીવવાનો આનંદ અનુભવતી અદાકારા
- કારકિર્દીના આરંભમાં આશા ગ્લેમર ગર્લ તરીકે ઓળખાતાં હતાં, પરંતુ 'કટી પતંગ'ની માધવીની ભૂમિકા ભજવ્યા બાદ તેઓે ગંભીર અભિનેત્રી તરીકે જાણીતાં બન્યાં.
- એક સમયે એવી અફવા ઉડી હતી કે આશા પારેખે દિલીપકુમાર સાથે અભિનય કરવાનો ઈનકાર કર્યો હતો. જોકે આ અફવાનું ખંડન કરતા તેમણે કહ્યું હતું કે, 'આ વિવાદ મીડિયાએ ઊભો કર્યો છે. હું તો દિલીપસાબની ચાહક છું. તારીખો એડજસ્ટ ન થવાથી હું ફિલ્મ સ્વીકારી ન શકી. મને ભવિષ્યમાં દિલીપકુમાર સાથે કામ કરવાની તક મળશે કે કેમ તે સવાલ છે. એમની સાથે ફિલ્મ ન કરી શકવાનો અફસોસ મને જિંદગીભર રહેશે.'
હિન્દી ફિલ્મ જગતના સુપ્રસિદ્ધ અભિનેત્રી આશા પારેખ ૮૦ વર્ષની વયે અનોખી ખુમારી અને ગરવાઈ સાથે જીવન જીવી રહ્યાં છે. સાદગી અને સુંદરતાનોે અદ્ભૂત સમન્વય તેમના વ્યક્તિત્વમાં જોવા મળે છે. મુંબઈના ઉપનગર સાંતાક્રુઝમાં આશા પારેખ હૉસ્પિટલ લેન્ડમાર્ક બની ગઈ છે. આ હૉસ્પિટલની જાળવણી માટે અભિનેત્રીએ ઉદાર હાથે ફાળો આપ્યો હોવાથી હૉસ્પિટલને તેમનું નામ આપવામાં આવ્યું હતું. તેમના માતા આ હૉસ્પિટલ કામમાં ધ્યાન આપતા હતા અને હવે તે આશા સ્વયં હોસ્પિટલ સાથે સંકળાઈ ગયા છે.
નૃત્યની શોખીન બાળ આશાથી સિનેસ્ટાર આશા પારેખ સુધીની તેમની સફર રોચક છે. 'નાનપણથી જ મને નૃત્યનો શોખ હતો. કિશોરાવસ્થામાં હું મારી મનગમતી રેકોર્ડ મૂકીને મને આવડે તેવો ડાન્સ કરતી હતી. એકવખત હું મારા પાડોશીને ત્યાં આ રીતે જ ડાન્સ કરતી હતી ત્યારે જાણીતા અભિનેતા પ્રેમનાથ આવી ગયા હતા. મારા પાડોશી તેમના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હતા. પ્રેમનાથ મારું નૃત્ય જોઈને ખુશ થયા હતા. યોગાનુયોગે તેમને મારી શાળામાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાનું નિમંત્રણ પણ ત્યારે જ મળ્યું હતું, પરંતુ તેમણે કહ્યું કે જો હું તે કાર્યક્રમમાં ભાગ લઉં તો જ તેઓ તેમાં હાજર રહેશે. આથી મારી મમ્મીએ મને ડાન્સ ક્લાસમાં મોકલવાનું નક્કી કર્યું હતું. દિવંગત મોેહનલાલ પાંડે મારા કથક ગુરુ હતા.' એમ આશાએ ભૂતકાળમાં સરી પડતાં જણાવ્યુ ંહતું.
નૃત્યની આગવી પ્રતિભા હોવાને કારણે આશાએ ઘણા સ્ટેજ શો કર્યા હતા. આવા એક કાર્યક્રમ દરમિયાન બીમલ રોયની નજર તેમના પર પડી અને તેમને 'બાપ બેટી' ફિલ્મની ઓફર મળી હતી. ૧૯૫૪ માં ફિલ્મ 'બાપબેટી' રજૂ થઈ ત્યારે આશાની ઉંમર માત્ર ૧૨ વર્ષ હતી. તે સમયે ફિલ્મોમાં કામ કરવું સારું ન ગણાતું, પરંતુ આશાના દાદા ફિલ્મ ફાઇનાન્સર હતા એટલે ઘરમાંથી કોઈ વિરોધ થયો નહીં. ઉપરાંત તેઓ સ્ટેજ પર નિયમિત રીતે કાર્યક્રમ આપતા હતા. આથી તેમના માટે પણ ફિલ્મ પ્રવેશ સાહજિક હતો. અત્રે નોેંધનીય છે કે આશાના પિતા ગુજરાતી અને માતા બોરી મુસલમાન હતા અને તેમનો જન્મ ૧૯૪૨માં મુંબઈમાં જ થયો હતો. તેઓ જે.પીટ પેટીટ સ્કુલમાં ભણ્યા હતા.
જો કે આશાની પહેલી ફિલ્મ 'બાપબેટી' ફ્લોપ ગઈ હતી. બાદમાં બાળ કલાકાર તરીકે કેટલીક ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો છતાં ભણતર પર ધ્યાન આપવા તેમણે અભિનય કરવાનું બંધ કરી દીધું હતું. જો કે ૧૬ વર્ષની વયે ફરી તેમને અભિનય કરવાની ઝંખના જાગી અને બિલકુલ તે જ સમયે દિગ્દર્શક વિજય ભટ્ટે તેમને 'ગુંજ ઉઠી શહેનાઈ' માં નાયિકાની ભૂમિકા ઓફર કરી હતી. જો કે બાદમાં તેમને આશામાં 'સ્ટાર મટિરિયલ' ન લાગતા આ ભૂમિકા અભિનેત્રી અમીતાને આપી હતી.
'આ ફેરફાર થતાં મને નિરાશા થઈ હતી, પરંતુ ઊંડોે આઘાત નહોતો લાગ્યો. મારી ઈચ્છા તો સિવિલ સર્વિસ ઓફિસર બની એલચી તરીકેની કામગીરી કરવાની હતી,' એમ આશાએ કહ્યું હતું.
નસીબજોગે ૧૯૫૯માં 'ગુંજ ઉઠી શહેનાઈ' ફ્લોપ ગઈ હતી અને આશાને દિગ્દર્શક નાસિર હુસેને (આમિર ખાનના કાકા) 'દિલ દે કે દેખો' ની ઓફર આપી હતી. આ ફિલ્મ સુપરહીટ થઈ અને આશા પારેખ 'સ્ટાર અભિનેત્રી' બની ગયા. તે સમયે શમ્મી કપૂર ભારતીય સિનેમાના મોટા ગજાના કલાકાર ગણાતા અને તેમણે 'દિલ દેકે દેખોે' ના સહકલાકાર તરીકે આશાને સારી એવી મદદ કરી. ત્યારબાદ આશાની બધી જ ફિલ્મોને બોક્સ ઓફિસ પર સફળતા મળતી ગઈ અને તેઓ 'જ્યુબિલી ગર્લ' તરીકે ઓળખાવા લાગ્યા હતા. દરમિયાન નાસિર હુસેન સાથેના તેમના સંબંધોે ગાઢ બન્યા અને તેમણે તેમની છ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. અત્રે નોેંધનીય વાત એ છે કે ત્યારે તેમની વચ્ચેના સંબંધની વાતો ખૂબ ચગી હતી. 'દિલ દે કે દેખો' રજૂ થઈ ત્યારે આશા ૧૭ વર્ષના હતા અને તેમની માતા સતત તેમના શેડયૂલને સંભાળતા હતા. તેઓ જ તેમની તારીખો અને ફાઇનાન્સની વાતચીત કરતા હતા. તેઓ આશા સાથે શૂટિંગ પર પણ જતા હતા.
કારકિર્દીના આરંભમાં આશા ગ્લેમર ગર્લ તરીકે ઓળખાતાં હતા, પરંતુ 'કટી પતંગ'ની માધવીની ભૂમિકા ભજવ્યા બાદ તેઓે ગંભીર અભિનેત્રી તરીકે ઓળખાવા લાગ્યા હતા. આ પડકારરૂપ ભૂમિકા હતી અને તેમણે તે ભજવવા તેમણે ઘણી મહેનત કરી હતી. આ ભૂમિકા માટે તેમને ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. બાદમાં 'મૈં તુલસી તેરે આંગન કી' માં ભજવેલા પાત્ર માટે સહાયક અભિનેત્રીનોે એવોર્ડ મળ્યો હતો.
આશાએ તે સમયના તમામ જાણીતા કલાકારોે-શમ્મી કપૂર, દેવ આનંદ, મનોજકુમાર, રાજેશ ખન્ના, જિતેન્દ્ર, ધર્મેન્દ્ર, જોય મુખરજી અને શશી કપૂર સાથે અભિનય કર્યોે છે. તેઓ આ બધા અભિનેતાઓ સાથે મૈત્રીભર્યો સંબંધ ધરાવતા હતા, પંરતુ તેમનું નામ કોઈ કલાકાર સાથે જોડાયું નહોતું. આ અંગે વાત કરતાં પીઢ અભિનેત્રીએ કહ્યું હતું કે 'તમામ સહકલાકારો સાથે હું સારા સંબંધો ધરાવતી હતી ત્યારની સ્થિતિ વેગળી હતી. તે સમયે અમે વરસને બે ફિલ્મો કરતા હતા. શુટિંગનો સમય પણ સુવિધાજનક રહેતો અને શુટિંગ પૂરું થતાં જ બધા ઘરે જતા રહેતા. આથી સંબંધો આગળ વધવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નહોતો. આજે કલાકારોે અત્યંત તાણભર્યું જીવન જીવે છે. તેમની વચ્ચે ગળાકાપ સ્પર્ધા હોય છે અને મીડિયા તેમના પર નિશાન તાકીને જ બેઠું હોય છે. વળી તેમને પ્રવાસ પણ ખૂબ કરવો પડે છે. મને સૌથી વધુ દુ:ખ એ વાતનું થાય છે કે આપણે આપણા મૂળિયાં કાપી રહ્યા છીએ. આપણો દેશ અતિશય સુંદર છે અને આપણે સમૃદ્ધ વારસો ધરાવીએ છીએ. તેમ છતાં આપણે વિદેશમાં જ શુટિંગ કરવા જઈએ છીએ. આ ઉપરાંત ગીત અને નૃત્ય પણ પાશ્ચાત્યશૈલીના રંગે જ રંગાયેલા જોવા મળે છે.
એક સમયે એવી અફવાપણ સંભળાતી હતી કે આશાએ દિલીપકુમાર સાથે અભિનય કરવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ આ અફવાનું ખંડન કરતા તેમણે કહ્યું હતું કે, આ વિવાદ મીડિયાએ ઊભો કર્યો હતો. હું તો દિલીપસાબની ચાહક છું. તે ઉત્કૃષ્ટ અને આદર્શ કલાકાર હતા. મને તેમની સાથે ફિલ્મમાં અભિનય કરવાની તક મળી હતી, પરંતુ તારીખો ઉપલબ્ધ ન હોવાથી હું તે ફિલ્મ સ્વીકારી શકી નહોતી ત્યારબાદ મને આવી તક મળી નહીં અને આનો અફસોસ જીવનભર રહેશે. આ ઉપરાંત સિમી ગરેવાલ અને અરુણા ઈરાની સાથે પણ વિવાદ થયો હોવાની વાતોને તેમણે નકારી હતી.
અભિનય કારકિર્દીના મધ્યાહને ચાહકોને નિરાશ કરીને આશા ડાન્સ ટુર પર જતા રહ્યા હતા અને રશિયા સિવાય લગભગ બધા જ દેશોમાં ડાન્સ કાર્યક્રમો રજુ કર્યા હતા. આ દરમિયાન બોલીવૂડમાં હેમા માલિની અને ઝીન્નત અમાને સ્થાન જમાવી દીધું હતું એટલે ડાન્સ ટુરથી પાછા ફર્યા બાદ તેમની અભિનય કારકિર્દીના વળતાં પાણી થયા હતા આથી તેમણે લાંબા સમય અગાઉ નાસિર હુસેન સાથે મળીને શરૂ કરેલી ડિસ્ટ્રિબ્યુશન કંપનીની દોર પોતાના હાથમાં લઈ લીધી અને 'કલાભવન' ડાન્સ એકેડેમી સ્થાપના કરી હતી. તેમના 'ચૌલા દેવી', 'અનારકલી' અને 'ઈમેજિસ ઓફ ઈન્ડિયા' જેવા બેલે લોકપ્રિય થયા હતા. જો કે પછી એકેડેમીનું કામ સંભાળ્યું તેમને માટે મુશ્કેલ થઈ ગયું હતું. આથી તે બંધ કરવી પડી હતી.
આશાને ફિલ્મોમાં માતા કે ભાભીની ભૂમિકા ભજવવી નહોતી એટલે તેમણે પોતાના બેનર હેઠળ સીરિયલોનું નિર્માણ શરૂ કર્યું . તેમણે બનાવેલી ગુજરાતી સીરિયલ 'જ્યોતિ' અને હિન્દી 'પલાશ કે ફૂલ', 'બાજે પાયલ' તથા 'કોરા કાગજ' સીરિયલ લોકપ્રિય થઈ હતી.
ટીવી સિરિયલો સોડા બોટલ જેવી હોય છે. એક વખત તેનોે ઊભરો શમી પછી તેમાં રસ જળવાતો નથી. આ ઉપરાંત કલાકારો બિનવ્યવસાયિક અભિગમથી હેરાન થઈ ગઈ હતી. તેઓ કહ્યા વગર જ પેકઅપ કરી નીકળી જતાં હતાં, એમ તેમણે કહ્યું હતું. છેવટે આશાએ સીરિયલ નિર્માણ કરવાનું પણ પડતું મૂક્યું હતું.
આશા સિને આર્ટિસ્ટ એસોસિયેશનના પ્રમુખ રહી ચૂક્યા છે અને સિને આર્ટિસ્ટ વેલફેર એસોસિયેશન ટ્રસ્ટ (સિન્ટા)ના ખજાનચી અને ૧૯૯૮થી ૨૦૦૧ દરમિયાન તેઓ સેન્સર બોર્ડના અધ્યક્ષ હતા. તેઓ બોેર્ડના પહેલા મહિલા અધ્યક્ષ હોવાનું બહુમાન ધરાવે છે. જો કે તેમના રૂઢીચુસ્ત અભિગમને લીધે ઘણી ફિલ્મો પર કાતર ફરી ગઈ હોવાથી વિવાદ ઉદ્ભવ્યો હતો.
અત્યારે આશા એકલા જ છે. લગ્ન કરીને માતા બનવાની ઈચ્છા તેઓ પણ ધરાવતા હતા. આ માટે તેઓ કેટલાંક યુવકોને મળ્યા હતા, પરંતુ વાત આગળ વધી શકી નહોેતી. જો કે બીજી તરફ જ્યારે તેઓ લોકોનું લગ્નજીવન કે પરાણે સાથે રહેતાં દંપતિને જુએ છે ત્યારે પોતાની એકલતા તેમને નડતી નથી. ઘરના અને હૉસ્પિટલના કામમાંથી તેમને નવરાશ મળતી નથી. ઉપરાંત તેઓ વહીદા રહેમાન જેવી જુની સખીઓના સંપર્કમાં પણ રહે છે. ભગવાનમાં અતૂટ શ્રધ્ધા ધરાવતાં આશા પુસ્કોના વાંચનમાં પણ સારો એવો સમય ગાળે છે.