Get The App

આશા ભોસલે : મોંઘેરાં અને મીઠડાં ગાયિકાના જીવનમાં આઘાત અને નિરાશાના આરોહ-અવરોહ ખૂબ આવ્યા છે

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
આશા ભોસલે : મોંઘેરાં અને મીઠડાં ગાયિકાના જીવનમાં આઘાત અને નિરાશાના આરોહ-અવરોહ ખૂબ આવ્યા છે 1 - image


- 'હા, મેં મારાથી 20 વર્ષ મોટા ગણપતરાવ   ભોંસલે  સાથે લવમેરેજ કર્યાં હતાં. એ વખતે તેઓ લતાબાઈના અંગત સેક્રેટરી હતા.'    

આશા ભોસલે.  હિન્દી ફિલ્મ સંગીતનું સૂરીલું  સન્માનનીય  નામ. ગગન ભરાય એટલી લોકપ્રિયતા.  ખોબલે ખોબલે  સન્માનજનક  એવોર્ડ્ઝ.   આલા દરજ્જાનાં ગાયિકા તરીકે ૭૦ કરતાં  વધુ  વર્ષની  ગૌરવસભર દીર્ઘ કારકિર્દી અને   વિશાળ રેન્જ. 

આમ તો આશા ભોસલેનો સીધો  અને   સાચો પરિચય એટલે હિન્દી ફિલ્મ જગતનાં કર્ણમંજુલ ગાયિકા  લતા મંંગેશકરની નાની બહેન. આમ છતાં આશા ભોસલેએ તેમની સંગીત પ્રતિભાથી પોતાનો પરિચય અને કારકિર્દી બંને નોખાં અને અનોખાં સાબિત કર્યાં છે. 

બોલીવુડના મહાન અને  મુઠ્ઠીઉંચેરા  સૂરીલા ગાયક મોહમ્મદ રફીમાં   ભારોભાર વિવિધતા હતી. એટલે કે મોહમ્મદ  રફી  પ્રણય, મોજમસ્તી, ઉદાસીનતા, ગઝલ,ભજન,કવ્વાલીથી લઇને સુગમ સંગીતનાં અને  શાસ્ત્રીય સંગીતનાં  ગીતો  બહુ   સહજતાથી ગાઇ શકતા હતા. બરાબર આ જ રીતે આશા ભોસલએ ે પણ તમામ ભાવનાં  ગીતો ગાયાં છે. કોઇ ગાયક કે ગાયિકામાં આવી સૂરીલી વિવિધતા ભાગ્યે જ હોય. 

 એવું કહેવાય છે કે સફળતા, યશ, કીર્તિના ઉજાસમાં  ક્યાંક નાનો શો કાળો ડાઘ પણ હોય છે. સુખ અને રજવાડી વૈભવની  સાથોસાથ  પીડા,આઘાત,આંસુનો ઓછાયો પણ હોય છે.

જે  આશા ભોસલે બોલીવુડનાં મોંઘેરાં અને મીઠડાં ગાયિકા છે એ  જ આશા ભોસલેના અંગત જીવનમાં દુ:ખ, નિરાશા, અપમાનના આરોહ -અવરોહ પણ આવ્યા છે. 

આમ તો આશા ભોસલેની મીંઠી મધુરી ગાયિકી અને ઝળહળતી સફળતા  વિશે  ઝાઝું બધું લખાયું છે. આમ છતાં આ જ આશા ભોસલેના જીવનમાં એક તબક્કે એમ કહો કે ભારોભાર વેદના, ચિંતા,અફસોસ વગેરેના ધરતીકંપના આંચકા પણ આવ્યા છે.

હા તબક્કે આશા ભોસલેને આટલાં બધાં યાદ કરવાનું પણ ચોક્કસ કારણ છે. કારણ એ છે   કે  હમણાં જ પ્રસિદ્ધ થયેલા   આશા ભોસલે :    એ   લાઇફ   ઇન   મ્યુઝિક પુસ્તકમાં આશા ભોસલેના અંતરંગ જીવનની અણગમતી  ઘટમાળનાં દર્શન થાય છે. 

મહારાષ્ટ્રના  સાંગલી જિલ્લાના ખોબલા જેવડા ગોર ગામમાં જન્મેલાં આશા ભોસલેને  સંગીતની સૂરીલી સરગમનો વારસો તેમના મરાઠી રંગમંચના જાણીતા અભિનેતા અને સંગીતકાર દિનાનાથ  મંગેશકર તરફથી મળ્યો છે. આશા ભોસલેનાં માતા ગુજરાતી હતાં અને તેમનું નામ સેવંતી બહેન હતું.  આમ તો આશાજીની સાચી અટક મંગેશકર જ છે. આમ છતાં આ જ આશા નામની યુવતી મંગેશકરમાંથી આશા ભોસલે  ક્યારે  અને કઇ રીતે બની તેની  ઘટનાઓ જાણવા જેવી છે. 

આશા ભોસલે :    એ   લાઇફ   ઇન   મ્યુઝિક પુસ્તકમાં એવો ઉલ્લેખ છે કે આશા ભોસલેની ઉંમર ૧૬ વર્ષની હતી ત્યારે તેમણે તેમનાથી લગભગ  ૨૦ વર્ષ મોટી  ઉંમરના ગણપત રાવ ભોસલે સાથે લગ્ન કર્યાં  હતાં. તે લવ મેરેજ હતાં. આશા મંગેશકર નામની ઉગતી,સંસ્કારી યુવતી અચાનક જ આશા ભોસલે બની ગઇ. 

ઉત્તમ ગાયિકા તરીકે બે નેશનલ એવોર્ડ્ઝ, નવ ફિલ્મફેર એવોર્ડ્ઝ, આજીવન પુરસ્કાર, ભારતીય ફિલ્મ જગતનો સર્વોચ્ચ સન્માનનીય દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ભારત સરકારનો   પ્રતિષ્ઠિત પદ્મભૂષણ પુરસ્કાર વગેરેનાં ઉજળાં સન્માન મેળવનારાં આશા ભોસલે ખુદ કહે છે, હા, મેં ૧૯૪૯માં  ગણપતરાવ   ભોસલે  સાથે લવ મેરેજ કર્યાં હતાં.   તે વખતે  ગણપત રાવ મારાં મોટાં બહેન લતા મંગેશકરના અંગત સેક્રેટરી હતા. પરિણામે  ગણપત રાવ ભોસલે અમારા પરિવાર સાથે ગાઢ રીતે જોડાયેલા હોવાથી અમારો સહુનો  અવારનવાર સંપર્ક રહેતો. સમય જતાં મારો અને ગણપત રાવનો સંપર્ક વધ્યો. મીઠો બન્યો અને અમે બંનેએ લગ્ન કરી લીધાં. 

 મારાં ગણપત રાવ ભોસલે સાથેના આવા નાની વયનાં અને  ઉતાવળાં લગ્નથી મોટી બહેન લતા સહિત આખો પરિવાર ભારે નારાજ થઇ ગયો હતો. લતાએ તો મારી સાથે વર્ષો સુધી અબોલા લીધા હતા. લતા દીદીને  કદાચ એમ  લાગ્યું હશે કે  મેં જ  મારી નાની બહેનનાં લગ્ન  મારા  અંગત સેક્રેટરી સાથે કરવાની સંમતી આપી છે  એવો  સંદેશો આખા કુટુંબમાં અને સમાજમાં વહેતો થયો છે. પરિણામે મારી અને મારા પરિવાર વચ્ચે જબરી ભાવનાત્મક તિરાડ પડી. 

 મેં ગણપત રાવ ભોસલે સાથે લવ મેરેજ તો કરી લીધાં પણ સમય જતાં તે લગ્નમાંથી લવ એટલે કે પ્રેમ, વહાલ,પ્રણય અદ્રશ્ય થઇ ગયાં. મારો લવ મેરેજનો ભ્રમ પણ ધીમીે ધીમે ભાંગતો ગયો. મારાં સાસરિયાં અતિ રૂઢીચૂસ્ત હોવાથી તેઓ તેમની વહુ  સંગીતની  શોખીન  ગાયિકા હોય તેવું માની કે સ્વીકારી શકતાં નહોતાં. અરે,મારા પતિ ગણપત રાવનો સ્વભાવ પણ બહુ ઉતાવળો હતો. બહુ જલદી ઉશ્કેરાઇ જતા. આટલું જ નહીં, અમુક ચિત્રવિચિત્ર ઘટનાઓ પરથી   મને   ખ્યાલ આવ્યો   કે મારા પતિને કદાચ  બીજી વ્યક્તિને માનસિક--શારીરિક ત્રાસ આપીને આનંદ  થતો હતો.  

૧૯૪૮માં  સાવન આયા (ફિલ્મ : ચુનરિયા) ગીત સાથે  હિન્દી ફિલ્મજગતમાં  સૂરીલો પ્રવેશ કરનારાં  આશા ભોસલે  ભારે  હૈયે કહે છે, વાતો તો એવી  પણ વહેતી થઇ  હતી  કે ગણપત રાવ તો જબરા શરાબી છે. પોતાની પત્ની સગર્ભા હોવા છતાં તેને મારે છે. પજવણી કરે છે વગેરે વગેરે. આમ છતાં હું એક હરફ પણ ઉચ્ચારતી નહોતી. મારા ઘરમાં શું શું થાય છે તેનો જરા સરખો અંદેશો પણ ઘર બહાર થવા દેતી  નહોતી.  ચૂપ રહેતી.  હિન્દુ  ધર્મની  પરંપરા મુજબ  ઘરની વહુ  તરીકે મારી ફરજ બજાવતી.   

બૂટ પોલીશ, નયા દૌર,  કાજલ, વક્ત,  હમરાઝ,  ધૂલ કા ફૂલ,  ધુંધ, કારવાં, કશ્મીર કી કલી,તીસરી મંઝીલ, મુકદર કા સિકંદરથી લઇને ઉમરાવ જાન  વગેરે સુંદર અને માણવાલાયક ફિલ્મોનાં સૂરીલાં ગીતો ગાનારાં આશા ભોસલે કબૂલાત કરતાં કહે છે, એક તબક્કે મારાં સાસરિયાંએ બધી મર્યાદા તોડી નાખી.મને ક્હ્યું, ઘર બહાર નીકળી જા. 

મારા પર વજ્રાઘાત થયો કારણ કે તે સમયે મારો  સૌથી નાનો દીકરો આનંદ મારા ગર્ભમાં ઉછરી રહ્યો હતો. હું પણ  મક્કમ મને ઘરમાંથી બહાર નીકળી ગઇ અને સીધી પહોંચી મારા પિયરના ઘરે.મારી માતા, બહેનો,ભાઇ  પાસે જઇને બધી સાચી વાત કહી દીધી.બહુ રડી. બસ, તે ઘડી ને આજનો દિવસ. 

સાંભળીને બે ઘડી તરબતર થઇ જવાય તેવી ગઝલ  :  ઇન આંખો કી મસ્તી  કે  (ફલ્મ : ઉમરાવ જાન : ૧૯૮૧) માટે શ્રેેષ્ઠ ગાયિકાનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવનારાં આશા ભોસેલ કહે છે, કોઇ નહીં માને પણ હકીકતછે કે  તો એ છે કે એક તબક્કે  મેં  મારા જીવનનો અંત લાવવાનો અણગમતો  નિર્ણય પણ કર્યો હતો.  હું બીમાર પણ હતી. સાથોસાથ ચાર મહિનાની સગર્ભા પણ હતી.મારાં લગ્ન મારા માટે અભિશાપ  સાબિત થયાં હતાં. હું એક સાથે  ઉંઘની  ઘણી બધી ગોળીઓ ગળી ગઇ હતી. બસ, પછી તો શું થયું તેની મને ખબર પણ નહોતી. મને હોસ્પિટલમાં દાખલ કરવામાં  આવી હતી. ખરું કહું તો હું મારા ગર્ભમાં ઉછરી રહેલા બાળકના ઉજળા અને શુકનિયાળ  નસીબથી ઉગરી ગઇ. મને મારા દીકરાએ નવજીવન આપ્યું. મારા જીવનમાં નવો સૂર્યોદય થયો. 

પુસ્તકમાં તો એવો મુદ્દો પણ છે કે મંગેશકર બહેનો બોલીવુડ પર રાજ કરે છે. કોઇ નવી અને પ્રતિભાશાળી ગાયિકાને તક મળે  તે   બંને બહેનોને   જરાય   પસંદ નથી. આટલું જ નહીં, સંગીત નિર્દેશકોને કહે છે, તમે કોઇ નવી ગાયિકાને પસંદ કરશો તો અમે તમારી સાથે કામ નહીં કરીએ. 

 જોકે આશા ભોસલે સ્પષ્ટતા કરતાં કહે છે, ના ભાઇ ના, આવું  કાંઇ જ નથી.  અમે  ક્યારેય પણ આવો  વિચાર  નથી કર્યો. અમે સંગીત નિર્દેશકોને આવું કહીએ  તેટલો સમય જ અમારી બંને બહેનો પાસે નહોતો. જુઓ, અલકા યાજ્ઞિાક, સાધના સરગમ, અનુરાધા પૌડવાલ  વગેરે  પ્રતિભાશાળી  ગાયિકાઓને તક મળી છે. આ બધી ગાયિકાઓએ  ઘણાં ઘણાં મજેદાર અને સૂરીલાં ગીતો ગાયાં જ છે.  

Tags :