- 'બાર વર્ષથી હું ફિલ્મોમાં કામ કરું છું, પણ મને ગાઇડ કરનારું કોઇ નથી. આ જ કારણ છે કે મારી કારકિર્દી રોલરકોસ્ટર રાઇડની જેમ ચડાવઉતારથી ભરપૂર બની રહી છે'
પહેલાં દક્ષિણની ફિલ્મોમાં સફળ થયા બાદ ઘણી હિરોઇન હિન્દી ફિલ્મોમાં આવે છે. આવી જ એક હિરોઇન પૂજા હેગડે છે. એક દાયકા કરતાં વધારે સમયથી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરતી પૂજા હેગડેએ જીવનમાં ઘણી ચડતી પડતી જોઇ લીધી છે. પૂજા કહે છે, 'સફળતાની મારી વ્યાખ્યા સમય સાથે બદલાઇ રહી છે. કારકિર્દીનો આ તબક્કો મારા માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે. મારી ફિલ્મો કે જે આ વર્ષે રજૂ થવાની છે તે, અને હવે પછી હું જે ફિલ્મો પસંદ કરીશ તે નક્કી કરશે કે બાકીની કારકિર્દીમાં હું કેવા પ્રકારની એક્ટર બની રહીશ.'
પૂજા પોતાની વાત આગળ ધપાવતાં કહે છે, 'જ્યારે તમે બિનફિલ્મી પરિવારમાંથી આવતા હો ત્યારે તમારે દરેક પ્રોજેક્ટ મેળવવા માટે આકરી મહેનત કરવી પડે છે. એક એક્ટર તરીકે મેં મારી જાતને સ્થાપિત કરી છે. હું એક સ્તર સુધી પહોંચી ચૂકી છું, પણ હવે હું એનાથીય ઉપરના સ્તર પર જવા માગું છું.'
પૂજાને હિન્દી ફિલ્મના ટોચના હિરો સાથે કામ કરવાની તક મળી છે, પણ તેની એકપણ હિન્દી ફિલ્મ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી શકી નથી. ઋતિક રોશનની સાથે આવેલી 'મોંહે જો ડેરો' હોય, ૨૦૨૨માં રોહિત શેટ્ટી નિર્દેશિત 'સરકસ' હોય (જેમાં પૂજાનો હીરો રણવીર સિંહ હતો) કે ૨૦૨૩માં એ સલમાન ખાનની 'કિસી કા ભાઇ કિસી કી જાન' હોય - આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હોવાથી પૂજાની કારકિર્દી હિન્દી ફિલ્મોમાં ઉંચકાઇ નહીં. પૂજા પોતાની કારકિર્દીની આ લાક્ષણિકતા બાબતે કહે છે, 'બાર વર્ષથી હું ફિલ્મ ઉદ્યોગમાં કામ કરૂ છું, પણ મને ગાઇડ કરનારું કોઇ નથી. હું ઇચ્છું છું કે મારી સાથે કોઇ હોય જે મને ગાઇડ કરે કે મારી કારકિર્દી માટે શું બરાબર રહેશે. આ જ કારણે મારી કારકિર્દી રોલરકોસ્ટર રાઇડની જેમ ચડાવઉતારથી ભરપૂર બની રહી છે.'
સ્વાભાવિક રીતે જ પૂજાની ઇચ્છા સારા ફિલ્મમેકર્સ સાથે કામ કરવાની છે. 'હું સારા ફિલ્મમેકર્સ સાથે યોગ્ય પ્રકારની ફિલ્મો કરવા માગું છું કે જેમાં મારી પ્રતિભાની કસોટી થાય અને મારા કામની નોંધ લેવાય. બાકી સાઉથની વાત કરીએ તો મેં એક પછી એક એમ છ બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે, પણ હું આ સફળતાથી પોરસાઇ જતી નથી. કારણ કે પછી જ્યારે નિષ્ફળતા આવે ત્યારે સહન થઈ શકતી નથી. હું એક એન્ટરટેઇનર છું એટલે હું બ્લોકબસ્ટર મસાલા ફિલ્મો તો કરીશ જ, કેમ કે આ ફિલ્મ જોનારાઓ પણ મારો ચાહકવર્ગમાં આવે છે. આવતા વરસે મારી 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ' નામની હિંદી ફિલ્મ આવશે.'
આટલું કહીને પૂજા સમાપન કરે છે, 'મને ઘણી સફળતા તો થોડી નિષ્ફળતા પણ મળી છે. સફળતા-નિષ્ફળતા તો જીવનનો એક હિસ્સો છે. મૂળ યાદ રાખવા જેવી વાત એ છે કે કશું ટકતું નથી. તેથી સફળતામાં છકી ન જવું અને નિષ્ફળતામાં હબકી ન જવું. જીવનના દરેક પાસાંની મોજ માણવી.'
વાત તો સાચી.


