Get The App

આર્યન ખાન પોતાની ડેબ્યુ સીરિઝમાં બોલિવુડની ઘણી પોલ ખોલશે

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
આર્યન ખાન પોતાની ડેબ્યુ સીરિઝમાં બોલિવુડની ઘણી પોલ ખોલશે 1 - image

- મીડિયાએ આર્યનમાં એના પાપાનું જ પ્રતિબિંબ જોયું. આર્યન દેખાવમાં તો યુવાન શાહરુખ લાગે જ છે. પણ આ સિવાય  બોલવા-ચાલવા અને હળવા-મળવામાં પણ એનામાં શાહરુખ જેવી શાલીનતા છે. 

શાહરુખ ખાન (એસઆરકે)ને ક્યારેય કશું સહેલાઈથી નથી મળ્યું. દરેક સિદ્ધિએ એની પાસેથી પોતાની કિંમત વસૂલી છે. બોલીવૂડ પર રાજ કરતા કિંગ ખાનને કાયમ પીઠનો દુખાવો રહે છે. 'જવાન' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મેળવનાર સુપરસ્ટારનો જમણો હાથ ઝોળી (સ્લિંગ)માં છે. હમણાં એસઆરકેના પુત્ર આર્યન ખાનની વેબ સીરિઝ 'બેડ્સ ઓફ બોલીવૂડ'નો મુંબઈમાં ભારે ઠાઠમાઠથી પ્રિવ્યુ યોજાયો ત્યારે પણ એનો હાથ ઝોળીમાં જ હતો. એક્ટરને પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મ 'કિંગ' માટે એક એક્શન સિકવન્સ ભજવતી વખતે ખભા પર ઈજા થઈ છે. કિંગ ખાને આર્યનને બોલીવૂડમાં ઇન્ટ્રોડયુસ કરાવવા ભવ્ય ઈવેન્ટ રાખી ત્યારે મેઘરાજા આમચી મુંબઈ પર મનમૂકીને વરસી રહ્યા હતા.

અનરાધાર વરસાદમાં શહેરનું જનજીવન ઠપ હતું, પણ એસઆરકેનો સ્પિરીટ હમેશની માફક બુલંદ હતો. ઈવેન્ટમાં હાજર મહાનુભવોએ અને મીડિયાએ આર્યનમાં એના પાપાનું જ પ્રતિબિંબ જોયું. આર્યન દેખાવમાં તો યુવાન શાહરુખ લાગે જ છે. પણ એ ઉપરાંત એના બોલવા-ચાલવા અને હળવા-મળવામાં પણ એસઆરકે જેવો જ ગ્રેસ છે. અલબત્ત, મીડિયા સમક્ષ પહેલીવાર આવી રહ્યો હોવાથી આર્યન થોડો નર્વસ હતો. એનો પુરી પ્રામાણિકતા અને થોડી રમુજ સાથે સ્વીકાર કરતા જુનિયર ખાને કહ્યું, 'છેલ્લા ૨-૩ દિવસથી હું મારી સ્પીચ ગોખવા ભરસક પ્રયાસ કરી રહ્યો છું. હકીકતમાં હું એટલો નર્વસ છું કે મેં સ્પીચ ટેલિપ્રોમ્પટર ઉપર પણ મુકી છે અને કદાચ લાઈટ ચાલી જાય તો વિચારીને સ્પીચ પેપર ઉપર પણ લખી રાખી છે અને મેં એક ટોર્ચ પણ તૈયાર રાખી છે. અને છતાં કોઈ ભૂલ કરું કે લોચો મારું તો ફિર પાપા હૈં ના.'

બેડ્સ ઓફ બોલીવૂડના રાઈટર-ડિરેક્ટરનો પોતાના ડેડી પરનો ભરોસો સાર્થક પૂરવાર થયો. શાહરુખે પોતાના વિનમ્રતા, વિનોદ, વ્યંગ અને ઈમોશન્સથી ભરપૂર વક્તવ્યથી આર્યનની નર્વસનેસની મિનિટોમાં ભૂલાવી દીધી. કિંગ ખાને પોતાની ટિપિકલ સ્ટાઈલમાં ઓડિયન્સને સંબોધતા કહ્યું, 'આજનો દિવસ મારા માટે સ્પેશ્યલ છે કારણ કે મારો દિકરો ઇન્ડસ્ટ્રીમાં પહેલું પગલું માંડી રહ્યો છે. તમે મને જેટલો પ્રેમ આપ્યો છે એનો ૫૦ ટકા, ૧૦૦ ટકા કે ૧૫૦ ટકા સ્નેહ પણ આર્યન પર વરસાવશો હું તમારો આભારી થઈશ. એને તમારા બધાના આશીર્વાદ આપો.'

ફોર્માલિટી પુરી કરી શાહરુખ મુદ્દા પર આવ્યો, 'આર્યને મને પહેલીવાર કહ્યું કે હું બોલીવૂડ પર વેબ શો બનાવવા માગું છું અને એ એકદમ નેચરલ, અણધડ અને થોડો ગાંડપણ ભર્યો હશે ત્યારે મને એવો વિચાર આવ્યો કે આ છોકરો અમારા બંગલા મન્નતના સીસીટીવી ફુટેજ યુટયુબ પર મૂકવા નથી વિચારી રહ્યોને! પરંતુ એ કશુંક નવું અને અનોખું સર્જન કરવા ઇચ્છતો હતો. મને એ સમજતા થોડી વાર લાગી, પણ એ સમજાઈ ગયા બાદ હું પૂરેપૂરો એની સાથે જોડાઈ ગયો. હું મુંબઈની પવિત્ર ભૂમિ અને આખા દેશનો આભારી છું જેણે મને ૩૦ વરસ સુધી તમારા બધાનું મનોરંજન કરવાની તક આપી. હવે આર્યનનો વારો છે.'

દરેક સારા બાપની જેમ એસઆરકેએ પણ આર્યનને થોડી શિખામણ આપી. એ વિશે વાત કરતા શાહરુખે કહ્યું, 'આર્યન બહુ હાર્ડ વર્કિંગ છે કારણ કે અમે એને ઘરે બે જ શિખામણ આપી છે. એક બોક્સ-ઓફિસ પર સફળતાની કોઈ ગેરંટી નથી હોતી અને બીજું, સમીક્ષકો તારા શોના પોજિટીવ રિવ્યુઝ આપશે એની પણ ગેરંટી નથી. પરંતુ હાર્ડ વર્કની કદર થઈને રહે છે.'

પોતાના સંબોધનમાં પોતાના ખભાની ઈજાને પણ આવરી લેતા ખાને પોતાની રમુજી શૈલીમાં કહ્યું, 'સર્જરી થોડી બડી થી તો મુઝે રિકવર કરને મેં એક દો મહીને લગેંગે, લેકિન નેશનલ એવોર્ડ ઉઠાને કે લિયે મેરા એક હાથ હી કાફી હૈ. હું એક હાથે ખાઈ શકું છું, બ્રશ કરી શકું છું અને મારો વાંસો પણ ખજવાળી શકુ છું. સિર્ફ એક ચીજ મેં કમી રહે જાતી હૈ... આપ સબકા પ્યાર બટોરને મેં (તમારા બધાનો પ્રેમ એક હાથે સ્વીકારી નથી શકતો. એમાં પાછો પડું છું.)' શાહરુખ આવા ભાવભીના શબ્દોએ બધાને ભાવવિભોર કરી દીધા.

ખાને તાળીોના ગડગડાટ વચ્ચે વેબ શોની મનોજ પાહવા, મોના સિંઘ, મનીષ ચૌધરી, વિજયંત કોહલી, અન્યા સિંહ, ગૌતમી કપૂર અને રજત બેદીની આખી કાસ્ટનો ઓડિયંસને પરિચય કરાવ્યો. સીરિઝમાં સલમાન ખાન, રણવીરર સિંહ અને કરણ જોહર જેવા મોટા નામોના કેમિયો પણ છે. મોટા સ્ટાર્સ શોમાં કટાક્ષ અને વ્યંગના બાણ ચલાવશે. શોમાં શાહરુખનો પણ એક મિસ્ટ્રી રોલ છે.

નેટફ્લિક્સ પર ૧૮મી સપ્ટેંબરથી સ્ટ્રીમ થનારી વેબ સીરિઝ બેડ્સ ઓફ બોલીવૂડથી આર્યન ખાન  રાઇટર-ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. શાહરુખ અને ગૌરી ખાનના હોમ પ્રોડક્શન રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના આ શોની સ્ક્રીપ્ટ આર્યન, બિલાલ સિદ્દીકી અને માનવ ચૌહાણે સાથે મળીને લખી છે. શોના કેન્દ્રમાં બોલીવૂડની ગ્લેમરસ દુનિયા અને એમાં પ્રવર્તતી અંધાધૂધી, રમાતું રાજકારણ અને દરેકની પોતપોતાની મહત્વાકાંક્ષા છે. સીરિઝના છ એપિસોડમાં દર્શકોને વ્યંગ અને કટાક્ષની સાથોસાથ ઈમોશનલ ડ્રામા પણ પીરસાશે.