કલાકાર, કટોકટી અને ઍન હેથવે .
ઍન હેથવે પોતાની આગામી ફિલ્મ 'મધર મેરી' માટે અત્યારે જબરદસ્ત અટેન્શન મેળવી રહી છે. આ એક મ્યુઝિકલ ડ્રામા છે. એમી વિજેતા મિશેલા કોએલ એની કો-સ્ટાર છે. ડેવિડ લોવરી ફિલ્મના ડિરેક્ટર છે. એન હેથવે આ ફિલ્મમાં એક પોપ સ્ટારની ભૂમિકા નિભાવી રહી છે, જે કટોકટી આવી પડતાં અચાનક ટૂર અધવચ્ચે છોડીને જતી રહે છે. પ્લોટની વિશિષ્ટતા ગોપનીય રાખવામાં આવી છે એટલે વિશેષ કશું હાલ પૂરતું જાણવા મળ્યું નથી.
એન હેથવે કહે છે, 'તમે આ પાત્રને 'પરફોર્મ' ન કરી શકો, તમારે આ પાત્ર બની જવું પડે. તમારે શિલ્પકાર એટલે કે ડિરેક્ટરને પૂરેપૂરા શરણે થઈ જવું પડે. આ ફિલ્મ મેં એવી રીતે કરી છે જાણે તે મારી કરીઅરની પહેલી ફિલ્મ હોય.'
'ગ્રીન નાઈટ' અને 'એ ઘોસ્ટ સ્ટોરી' માટે જાણીતા બનેલા દિગ્દર્શક ડેવિડ લોવરી કહે છે, 'એન હેથવે અને મિશેલા વચ્ચેના એક મહત્ત્વના દ્રશ્યનું શૂટ પૂરું કરતાં મને એક આખું અઠવાડિયુ લાગ્યું હતું. આ અત્યંત તીવ્રતાભર્યો સીન છે. એક સમયે તો એન હેથવે ભાંગી પડી હતી. એણે મને રીતસર કહી દીધું કે ડેવિડ, આઇ એમ સોરી, પણ આના કરતાં વધારે મારાથી હવે નહીં થઈ શકે. જોકે પછી એણે ગજબનાક પર્ફોર્મન્સ આપ્યું હતું. બન્ને અભિનેત્રીઓનો એકબીજા પરનો ભરોસો બહુ મોટી વાત છે.'
આ એક મ્યુઝકલ છે, છતાં ફિલ્મનું શૂટિંગ શરુ થયું ત્યાં સુધી એક પણ ગીત લખાયું નહોતું! એન હેથવેએ કોઈ પણ જાતના રેફરન્સ વગર જ સંગીતમય પરફોર્મન્સ આપવાનું હતું! એન કહે છે, 'ખરેખર, બહુ જ કન્ફ્યુઝિંગ હતું એ, પણ ભગવાનની દયાથી બધું હેમખેમ પાર પડી ગયું.'
'મધર મેરી'માં એન હેથવેએ કટોકટીમાં સપડાયેલી એક મહિલાનું માત્ર પાત્ર નથી ભજવ્યું, એ ખુદ એક કલાકાર તરીકે કટોકટીમાંથી પસાર થઈ છે. આ ફિલ્મ સંભવત: એન હેથવે માટે એક વળાંકરૂપ સાબિત થવાની.