Get The App

અર્શદ વારસી : કોઈ મારાં સંતાનો માટે શા માટે કરોડોનો જુગાર ખેલે?

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
અર્શદ વારસી : કોઈ મારાં સંતાનો માટે શા માટે કરોડોનો જુગાર ખેલે? 1 - image

- 'યહાં કોઈ કિસી કો હેલ્પ નહીં કર શકતા. હું કોઈ ડિરેક્ટરને ફોન કરીને એમ ન કહી શકું કે તમે મારાં બાળકો માટે કરોડો રૂપિયા રોકો...'

સર્શદ વારસીએ હમણાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૩ દાયકા પુરા કર્યા. એક્ટર વિશે ઇન્ડસ્ટ્રીમાં એમ કહેવાય છે કે ફિલ્મ ચાલે કે ન ચાલે પણ અર્શદ ચાલેને ચાલે જ. તાજેતરમાં અક્ષય કુમાર સાથેની એની ફિલ્મ 'જોલી એલએલબી-૩' સારી એવી સફળ રહી અને આર્યન ખાનની વેબ સીરિઝ 'બેડ્સ ઓફ બોલીવૂડ'માં એનો ગેંગસ્ટર ગફુર ઇસ્માઈલનો રોલ પણ વખણાયો. 

અર્શદ મીડિયાકર્મીઓનો માનીતો એક્ટર છે કારણ કે એ સ્વભાવે નિખાલસ છે. હમણાં એક ઈવેન્ટમાં લાગ મળતા મીડિયાએ મુન્નાભાઈ સીરિઝ ફેમ 'સર્કિટ' સાથે બ્રીફ ઇન્ટરએક્શન કરી લીધું. પહેલા જ પ્રશ્નમાં અર્શદને સીધેસીધુ એવું પૂછી લેવાયું કે 'શું તમે ધાર્યું હતું કે બેડ્સ ઓફ બોલીવૂડમાં તમારો ગફુરનો નાનકડો રોલ આટલો પોપ્યુલર થઈ જશે?' એનો સસ્મિત જવાબ આપતા એક્ટર કહે છે, 'ખરું કહું તો મેં આવી કલ્પના જ નહોતી કરી. હું તમને કહું કે એ સીરિઝનો ડિરેક્ટર આર્યન ખાન એક સ્પેશ્યલ કિડ છે. એ એક એવો ડિરેક્ટર છે જેના મગજમાં એની મૂવી રમતી રહે છે. શોમાં મેં આ નાનકડો રોલ એટલા માટે કર્યો કે મને એ અને શાહરુખ ગમે છે. પરંતુ એની સાથે કામ કરીને મોટી ફળશ્રુતિ મળી. આર્યન સાથે કામ કરીને મેં જાણ્યું કે આ એક એવો ફિલ્મમેકર છે જે બોલે ત્યારે તમને એને સાંભળવો ગમે છે અને તમે એનું કહ્યું માનો છો. તમે મારુ જે પાત્ર જોયું છે એમાં કાંઈ છેલ્લી ઘડીએ નથી ઉમેરાયું. એ બધુ સ્ક્રીપ્ટમાં હતું અને આર્યને એ વિચારી રાખ્યું હતું. શોમાં મારા કેરેક્ટર અને સોંગનો શ્રેય આર્યનને જાય છે.'

બીજો સવાલ અર્શદના કરિઅર વિશે પૂછાય છે, 'સર, તમે ૩ દશકથી ઇન્ડસ્ટ્રમાં રેલેવન્ટ (પ્રસ્તુત) કઈ રીતે રહી શક્યા છો?' ૫૭ વરસનો એનો પ્રેક્ટીકલ ઉત્તર આપે છે, 'એક તો હું લકી છું અને બીજુ, મારો સ્વભાવ ખુશમિજાજી છે. હું હમેશા ખુશ રહુ છું અને એનો પડઘો પડે છે. મારું એવું માનવું છે કે તમે જેવું વાવો એવું લણો છો. ઇન્ડસ્ટ્રીમાં હું બધા સાથે સારી રીતે વરતું છું અને એમનો વ્યવહાર પણ મારી સાથે સાલસ હોય છે. મારી લાંબી ઇનિંગનું આ જ સિક્રેટ છે. મારા બાળકોને હું એ જ શીખવું છું.'

બાળકોનો ઉલ્લેખ થતાં પત્રકારો વારસીને એમના સંબંધી પૃચ્છા કરે છે, 'તમારા સંતાનોને પણ સિનેમા પ્રત્યે આકર્ષણ છે. તમે એ વિશે શું કહો છો?' વર્સેટાઈલ એક્ટર થોડા સીરિયસ ટોનમાં કહે છે, 'હા, મારા દિકરા ઝેક અને દીકરી ઝેન ઝો બંનેને એક્ટિંગ કરવી છે. મારો પુત્ર ઝેક રાજુ હિરાની સાથે કામ કરી ચુક્યો છે અને હાલ એ સિદ્ધાર્થ આનંદનો આસિસ્ટંટ ડિરેક્ટર છે. પરંતુ મને બીક લાગે છે કારણ કે આજે એક્ટિંગ એક ટફ જોબ બની ગયો છે. એક્ટિંગ હવે સહેલું પ્રોફેશન નથી રહ્યું કારણ કે એમાં સકસેસ રેટ એકદમ નીચો છે. દોઢ સો કરોડની વસતિમાંથી ગણ્યાગાંઠયા લોકો જ સફળ એક્ટર બની શકે છે.'

પછીનો પ્રશ્ન એકદમ પર્સનલ અને પેચીદો છે, 'તમે તમારા કિડસને મદદરૂપ થવા ઇન્ડસ્ટ્રીમાં તમારા કોન્ટેક્સનો ઉપયોગ કરશો ખરા?' અર્શદ પાસે એનો જવાબ હાજર છે, 'સચ્ચાઈ યે હૈ કિ યહાં કોઈ કિસી કો હેલ્પ નહીં કર શકતા. તમારે પોતે જ પોતાનો રસ્તો કરવો પડે છે. હું કોઈ ડિરેક્ટરને કોલ કરીને એમ ન કહી શકું કે તમે મારા બાળકો માટે કરોડો રૂપિયા રોકો. કોઈ મેરે બેટે પે સટ્ટા ક્યોં ખેલેગા? હું કોઈ ફિલ્મમેકરને ફોન કરીને કહું કે મારા સંતાનોને તમે મળો તો સારું તો એનો અર્થ પણ એવો કરાય કે હું એમને મારા સંતાનોને એમના પ્રોજેક્ટમાં લેવા કહું છું. હું એવું કદી નહિ કરું. મારે કોઈને મારા બાળકોની ભલામણ શા માટે કરવી જોઈએ?'

વાત તો સાવ સાચી!