- 'તેલુગુ મારી માતૃભાષા છે તેથી તે સ્વાભાવિક રીતે જ આવડે છે. કન્નડ, તમિળ અને મલયાલમનો મેં વર્ષોથી અભ્યાસ કર્યો છે. હવે તો આ ભાષાઓ મારા વ્યક્તિત્ત્વ સાથે વણાઈ ગઈ છે.'
ઘણા ઓછાને ખબર હશે કે ગાયક અને સંગીતકાર અરમાન મલિકે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં એક અનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. અરમાન મલિકે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પ્રાદેશિક અને વૈશ્વિક સંગીતમાં મેં એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે, સાથે જ તે એમ પણ કહે છે કે પ્રાદેશિક સંગીત જ તેને સ્વતંત્રતા અને શોધ માટે સૌથી વધુ મોકળાશ પૂરી પાડે છે. 'મને દક્ષિણ ભારતીય ભાષાઓમાં ગાવાનું ગમે છે.. અહીં જ મને કંઈક અલગ અજમાવવાનો મોકો મળે છે,' એમ અરમાન મલિક ઉમેરે છે.
'બુટ્ટા બોમ્બા..', 'નિન્નીલા..', 'ઈમો ઈમો..' અને તેના તાજેતરના 'વાઈબ ઉન્ડી..' જેવા હીટ ગીતોએ મને જબરદસ્ત લોકપ્રિયતા આપી છે. એક મુલાકાતમાં આ ગાયકે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સંગીત અને ભારતીય પોપના વિકસિત લેન્ડસ્કેપ દ્વારા તેની સફર વિશે ખૂબ ખુલીને વાતો કરી હતી.
'જ્યારે પણ હું મારી સામાન્ય શૈલીની બહાર કંઈક વિચારું છું - અજમાવું છું ત્યારે હું મારું ૧૦૦ ટકા પ્રદાન આપું છું,' એ કહે છે. અરમાને તાજેતરમાં જ ફેન્ટસી-એક્શન એડવેન્ચર ફિલ્મ 'મિરાઈ સુપર યોધ્ધા' માટે 'વાઈબે ઉન્ડી...' ગીત રેકોર્ડ કર્યું હતું, જેને સામાન્ય બોલિવુડ-સ્ટાઈલ રોમેન્ટિક શૈલીમાંથી બહાર નીકળવાનો પડકાર ફેંક્યો હતો. 'શરૂઆતમાં મને થોડું આશ્ચર્ય થયું કારણ કે બોલિવુડમાં મને સામાન્ય રીતે રોમેન્ટિક ગીતો ગાવા માટે બોલાવવામાં આવે છે. ફક્ત દક્ષિણ ભારતીય ભાષાઓમાં જ મને થોડુંક અસામાન્ય કંઈક અજમાવવા મળે છે. આ ગીત પોતે જ અપ-ટેમ્પો છે. જોકે તેના મૂળમાં રોમેન્ટિક તત્ત્વો છે જ. તે લોકોને મારી સામાન્ય શૈલીથી તદ્દન અલગ સ્વરની જરૂર હતી, તેથી મારે તે કરવું પડયું. આ બાબતને મેં સાવ નવી જ સ્ટાઈલથી પેદા કરી. આ પડકાર-ચેલેન્જે મને ઉત્સાહિત કરી દીધો. જ્યારે પણ મને મારી સામાન્ય શૈલીમાંથી બહાર નીકળવાની તક મળે છે ત્યારે હું હંમેશા મારું ૧૦૦ ટકા આપવા માગું છું. બીજું ખાસ પાસું એ છે કે મેં તેને ત્રણ ભાષામાં ગાયું છે, જે છે હિન્દી, તેલુગુ અને કન્નડ...' અરમાન શેર કરે છે.
દક્ષિણ ભારતીય ભાષાઓ સાથે અરમાનનો સંબંધ વર્ષોના અભ્યાસ અને અનુભવથી આવે છે. એ કહે છે, 'તેલુગુ મારી માતૃભાષા છે તેથી તે સ્વાભાવિક રીતે આવડે છે. અન્ય ભાષાઓ માટે મેં વર્ષોથી અભ્યાસ કર્યો છે, એ ભાષા શીખી છે, જેમાં તેલુગુ, કન્નડ, તમિળ અને મલયાલમનો સમાવેશ થાય છે. હવે તો આ ભાષા મારા સ્વભાવ સાથે પણ વણાઈ ગઈ છે. શરૂઆતમાં આ ભાષાનાં ઉચ્ચારણ અને અભિવ્યક્તિ પડકારજનક હતી. તમારે પહેલી પંક્તિનો ભાવ સમજવો પડે. મારી કારકિર્દીના આ તબક્કે હિન્દી કે અંગ્રેજી સિવાયની ભાષામાં ગીત ગાવાનો પ્રયાસ કરવો એ તો સાવ સ્વાભાવિક લાગે છે.'
હજુ હમણાં સુધી વૈશ્વિક સ્તરે ભારતીય સંગીત વિશે ઘણી મૂંઝવણ હતી, જેમાં બોલિવુડનાં ગીતોને જ ઘણીવાર ભારતીય સંગીત ગણી લેવામાં આવતું હતું. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં બિન-ફિલ્મી સંગીત ખૂબ વધ્યું છે, એમ પણ અરમાન મલિકે જણાવ્યું હતું.
લોસ એન્જલસ અને લંડનના સ્ટુડિયોમાં સંગીતકાર-ગાયક એડ શીરન સાથે કોલોબોરેટ કરનારા અરમાને જણાવ્યું કે, 'વિવિધ દેશોમાં કામ કરવાની શૈલીઓ અલગ અલગ હોય છે. સદભાગ્યે હું બંને પક્ષોને સમજી શક્યો છું. ભારતીય સંગીતને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો સુધી પહોંચાડવું એ એક અદ્ભુત અનુભવ રહ્યો છે. અને મને આશા છે કે હું સીમાઓ પાર કરતો રહીશ.'


