Get The App

અર્જુન કપૂર ફિલ્મોની પસંદગીમાં કાચો પડયો?

Updated: Mar 2nd, 2023

GS TEAM

Google News
Google News
અર્જુન કપૂર ફિલ્મોની પસંદગીમાં કાચો પડયો? 1 - image

- 'મલાઈકા અરોરા તો મારી પડખે અડીખમ બનીને ઊભી છે. તેની સાથેના સંબંધો મેં ક્યારેય સંતાડયા નથી. છૂપાવી રાખવા પડતા સંબધોમાં પછી ઘણી મુશ્કેલીઓ પેદા થતી હોય છે.'

છેલ્લા ઘણાં સમયથી અર્જુન કપૂર તેની ફિલ્મો કરતાં અંગત જીવન માટે વધુ ચર્ચાઈ રહ્યો છે. અર્જુન કપૂરનું નામ આવતાં જ લોકો મલાઈકા અરોરાનો વિચાર કરવા લાગી જાય છે. અભિનેતાની 'સંદીપ ઔર પિંકી ફરાર' સહિત મોટાભાગની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ખાસ કાંઈ ઉકાળ્યું નથી. આવું જ કાંઈક તેની તાજેતરમાં રજૂ થયેલી 'કુત્તે' સાથે પણ થયું છે. વિશાલ ભારદ્વાજના પુત્ર આસમાનના દિગ્દર્શનમાં બનેલી આ ન્યુ એજ ફિલ્મને દર્શકોએ રીતસર ધૂત્કારી કાઢી હોય એવો સિનારિયો સર્જાયો છે. ફિલ્મની રજૂઆતથી પહેલા કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે જે સિનેમા સાથે વિશાલ ભારદ્વાજ, ગુલઝાર, અર્જુન કપૂર અને તબુ જેવા નામો જોડાયેલા હોય તેના આવા હાલ થશે. વાસ્તવમાં ૨૦૨૩ના આરંભમાં રજૂ થયેલી આ ફિલ્મ ગયા વર્ષની મોટાભાગની નિષ્ફળ ફિલ્મોની હરોળમાં જ મૂકાઈ ગઈ.

અર્જુન કપૂર તેની કારકિર્દીના આરંભથી જ વિશાલ ભારદ્વાજ સાથે કામ કરવા માગતો હતો. તે કહે છે, 'હંિ અભિનય ક્ષેત્રે આવવાનો હતો ત્યારે સૌથી પહેલા વિશાલ ભારદ્વાજ પાસે ગયો હતો. મેં તેમની સાથે કામ કરવાની મારી ઇચ્છા પ્રગટ કરી હતી. પરંતુ  ૧૦-૧૧ વર્ષના લાંબા ઇન્તઝાર પછી મને તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો.'

સામાન્ય રીતે આપણે 'કુત્તે' શબ્દ ગાળ તરીકે, કોઈને ઉતારી પાડવા, કોઈનું અપમાન કરવા પ્રયોજતા હોઈએ છીએ. જ્યારે અર્જુન પોતાની ફિલ્મના શ્વાન માટે કહે છે કે એ તો સ્ટાર છે. કૂતરા શાંત પણ હોય અને વફાદાર પણ. જોકે ફિલ્મમાં 'કૂત્તે' એટલે માનવીની અંદર રહેલી નકારાત્મકતા.

અર્જુન કપૂરે અગાઉ એક વખત કહ્યું હતું કે એક તબક્કે તેને ફિલ્મોનું ચયન કરતાં નહોતું આવડતું, પણ હવે તેને કઈ ફિલ્મો લેવી અને કઈ નહીં તે સમજાવા લાગ્યું છે. જોકે તેની છેલ્લી કેટલીક ફિલ્મોની નિષ્ફળતા જોતાં એમ ચોક્કસ લાગે કે અર્જુન ફિલ્મો પસંદ કરવામાં હજી સુધી કાચો જ છે. હા, તેની પ્રારંભિક મૂવીઝને સફળતા મળી હતી એ વાતમાં બે મત નથી. જોકે અર્જુન પોતાની તેમ જ અન્ય હિન્દી ફિલ્મોને મળી રહેલા જાકારા વિશે કહે છે, 'આજનો દર્શક વર્ગ બહુ સ્માર્ટ થઈ ગયો છે. તે ફિલ્મની રજૂઆત સાથે જ સિનેમાઘરોમાં દોડી જવાની ઉતાવળ નથી કરતો. તે તેલ અને તેલની ધાર જોયા પછી ફિલ્મ જોવા જાય છે. 'દ્રશ્યમ' અને 'અવતાર' કંઈકેટલાય અઠવાડિયાં સુધી થિયેટરોમાં ચાલી રહી છે એ જ આ વાતનો સૌથી મોટો પુરાવો છે.'

એ વાત સૌ જાણે છે કે અર્જુનના પિતા બોની કપૂરે શ્રીદેવી સાથે બીજાં લગ્ન કર્યાં તે પછી અર્જુન અને તેની બહેન અંશુલાને તેમની માતાએ એકલપંડે ઉછેર્યાં હતાં. સ્વાભાવિક રીતે જ અર્જુન નાની વયમાં જ જવાબદાર બની ગયો હતો. તે કહે છે, 'હું જે પરિસ્થિતિમાં મોટો થયો તેમાં નાની ઉંમરે જ જવાબદાર બની જવું સહજ છે. અલબત્ત, પરિવારજનોની કાળજી કરવાને હું જવાબદારી નહીં, બલ્કે સદ્ભાગ્ય માનું છું. પહેલા હું માત્ર મારી મા અને બહેન સાથે રહેતો હતો, પણ હવે મારી બીજી બે બહેનો જહાન્વી અને ખુશી કપૂર પણ છે. તેમની સાથે મજાક-મસ્તી કરીને હું હળવો થઈ જાઉં છું. મને એમ લાગે છે કે હું જે પારિવારિક પ્રેમ માટે ઝૂર્યો હતો તે હવે મને મળી રહ્યો છે. બાકી મલાઈકા અરોરા તો મારી પડખે અડીખમ બનીને ઊભી જ છે. તેની સાથેના સંબંધો મેં ક્યારેય સંતાડયા નથી. જે સંબંધ છૂપાવવામાં આવે તેમાં પછીથી ઘણી મુશ્કેલીઓ પેદા થતી હોય છે. મારો પરિવાર બહુ મોટો છે. જો હું મારા કુટુંબ સામે બંડ પોકારત તો તમાશા અને ઘર્ષણ સિવાય બીજુ કાંઈ ન થાત. બહેતર છે કે જીવનને ખુલ્લી કિતાબ જેવું રાખવું. મને ન તો કોઈસાથે વેરઝર રાખવું છે કે ન કોઈથી દૂર રહેવું છે. મારા આપ્તજનોની સંગાથે હું સારો માનવી બનવા માગુ છું.'