- 'મેં ચાર વર્ષમાં પચાસ કિલો વજન ઉતાર્યું હતું. આ બહુ લાંબો સમયગાળો છે. મારી સ્વર્ગસ્થ મમ્મીએ આ કામમાં મને બહુ મદદ કરી હતી.'
અત્યાર સુધી અભિનેતા અર્જુન કપૂરના અંગત અને વ્યાવસાયિક જીવન વિશે ઘણું લખાઈ ગયું છે. આમ છતાં તેણે એક કાર્યક્રમ દરમિયાન સ્વમુખે કહેલી વાતો જાણવા જેવી છે.
અર્જુને કહ્યું હતું કે હું નાનો હતો ત્યારથી મારા પિતાને ફિલ્મો બનાવતો જોતો આવ્યો હતો. મારા કાકા અનિલ કપૂર બોલીવૂડના સૌથી મોટા સ્ટાર ગણાતા. હું સિનેમાના માહોલમાં જ ઉછર્યો છું તેથી ફિલ્મો પ્રત્યેનો મારો લગાવ અણીશુધ્ધ હતો. હું પડદા પર દેખાવાને બદલે કેમેરા પાછળ રહીને
સિનેમાનું સર્જન કરવા માગતો હતો. મારે નિર્માતા-દિગ્દર્શક બનવું હતું. અલબત્ત, મારી આ તમન્ના આજે પણ જીવંત છે. પરંતુ અભિનય અચાનક જ મારા જીવનનો ભાગ બની ગયો. એક વખત હું વરૂણ ધવન સાથે માત્ર એ જોવા માટે એક વર્કશોપમાં ગયો હતો કે અન્ય કોઈ પાત્રને પોતાની અંદર સમાવીને તે વ્યક્ત કરવાનું કેવું લાગે. મઝાની વાત એ છે કે મને તેમાં મોજ પડી ગઈ.
અભિનેતાએ તેનાં માતા-પિતાના વિખૂટાં પડવાની તેના ઉપર શી અસર થઈ વિશે વાત કરતાં કહ્યું હતું કે તે વખતે હું સ્થૂળકાય નહોતો, પરંતુ મારાં માતા-પિતા અલગ થયા એ સમસ્યાનું સમાધાન હું ખા-ખા કરીને શોધવા લાગ્યો હતો. તમે ચાહે કોઈપણ ઉંમરના હો, પરંતુ તમારી લાગણીઓ તમારાં મન-મગજને અચૂક અસર કરે.
અર્જુન પોતાની માતાને સંભારતા કહે છે કે મારાં મન-મગજમાં શું ચાલી રહ્યું છે તે મારી મમ્મી સારી રીતે સમજતી હતી. સ્થૂળતાને કારણે હું અને મારી બહેન, બંને હેરાન થઈ ગયાં હતાં. જોકે હું માનસિક રીતે અત્યંત બળૂકો હતો. મારાં મા-બાપ કેવા તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે એ મને સમજાતું હતું. છેવટે મેં સમયના વહેણ સાથે વહેવાનો નિર્ણય કર્યો. આમ છતાં મને મારું વજન ઉતારતાં ચાર વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો. સાડાત્રણ વર્ષમાં ૫૦ કિલો વજન ઓછું કરવામાં તેણે જ મને મદદ કરી હતી.
જ્યારે તમે રાતોરાત સ્ટાર બની જાઓ ત્યારે લોકો તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનને બારીકાઈપૂર્વક નિહાળવા લાગે છે.
અર્જુને પોતે લીધેલી થેરપી વિશે કહે છે કે કોરોના મહામારી દરમિયાન મેં મારી જાતને સમજવાનો પ્રયાસ કર્યો ત્યારે મને સમજાયું કે મારે મારા પરિવારજનો અને મિત્રોની કાળજી લેવાની છે તે સાચું, પણ તેનાથી પહેલાં મારે મારી પોતાની જાત પર ધ્યાન આપવાની જરૂર છે. મારા મન-મગજમાં બાઝી ગયેલા જાળાંબાવાં દૂર કરવામાં થેરપીએ મને મદદ કરી. આજે મને એ થેરપીની કિંમત સમજાય છે. મોટાભાગના લોકોને આ વાત નથી સમજાતી. પરિણામે તેઓ ગૂંગળાઈ ગૂંગળાઈને જીવે છે. પરંતુ એક વખત તમારાં મન-મગજ સ્વચ્છ-નિર્મળ થઈ જાય ત્યાર પછી તમને સમજાય કે તમે કેટલા સ્માર્ટ અને સમજદાર છો.


