આરિયાના ગ્રાન્ડે હું સંગીત નહીં છોડું! .
બહુમુખી પ્રતિભા ધરાવતી ગાયિકા અને અભિનેત્રી આરિયાના ગ્રાન્ડેએ 'વિકેડ'થી મોટા પડદે ધમાકેદાર વાપસી કરી છે. 'વિકેડ'ની સફળતા પછી આરિયાના હવે ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરવાની છે. તેના ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે ગ્રાન્ડે ફિલ્મસર્જન અને અભિનય માટે હાલ પૂરતુ સંગીતમાંથી તેનું ફોકસ હટાવી રહી છે. ગ્રાન્ડેનો આ ફેરફાર તેના અમુક ચાહકોને પસંદ નથી પડયો. ઘણા ચાહકોએ અટકળ લગાવી કે ગ્રાન્ડે સંગીતને કાયમ માટે તિલાંજલી આપી રહી છે. સોશિયલ મીડિયા પર અનેક થિયરીઓ ચર્ચાઈ રહી છે કે ગ્રાન્ડે ચૂપચાપ સંગીતનું ક્ષેત્ર છોડી રહી છે. તેથી જ ગ્રાન્ડેએ આ અફવાને તાત્કાલિક નકારવી પડી હતી.
એણે સોશિયલ મીડિયા પર લખ્યું: મને એક્ટિંગ અને ડિરેક્શનમાં આનંદ આવી રહ્યો છે, પણ હું તમારા માટે આગામી વર્ષે ફરી ગીતસંગીત તરફ પાછી વળવાની છું. આઇ પ્રોમીસ!
ચાહકોએ તેની પોસ્ટને ભરપૂર સકારાત્મક પ્રતિસાદ આપ્યો. તેમની ફેવરિટ પોપ આઈકન હજી સંગીતને અલવિદા નથી કહી રહી તે જાણીને ઉત્સાહ વ્યક્ત કર્યો. આરિયાનાએ પોતાના આગામી ફિલ્મી પ્રોજેક્ટમાં 'ઓહ, ધી પ્લેસીસ યુલ ગો'ની વોઈસ કાસ્ટમાં જોડાઈ હોવાની જાણકારી પણ આપી હતી. ગ્રાન્ડે નવી જાહેર થયેલી ફિલ્મ 'મીટ ધી પેરન્ટ્સ-ફોર'માં બેન સ્ટિલર અને રોબર્ટ ડી નીરો સાથે દેખાઈને એક વર્સેટાઈલ અભિનેત્રી તરીકે ખુદને પ્રસ્થાપિત કરશે એ તો નક્કી.
સંગીતની દ્રષ્ટિએ આરિયાના નિષ્ક્રિય નથી રહી. તેનું સાતમું આલ્બમ 'ઈટરનલ સનશાઈન' ગયા વર્ષે રજૂ થયું હતું. બિલબોર્ડ ૨૦૦ લિસ્ટમાં તે પહેલા ક્રમાંકે ડેબ્યુ થયું હતું. આ આલબમના ં'યસ, એન્ડ આઈ?' તેમજ 'વી કાન્ટ બી ફ્રેન્ડ્સ' જેવાં સિંગલ્સ તો બિલબોર્ડ હોટ ૧૦૦ લિસ્ટમાં ટોચે પહોંચી ગયા હતા. ૨૦૧૯ પછી ભલે તેણે કોઈ મ્યુઝકલ ટૂર ન કરી હોય, પણ તાજેતરનાં નિવેદનોથી એણે સંકેત આપ્યો છે કે એ ૨૦૨૬માં એ કોઈક મ્યુઝિકલ ધમાકો કર્યા વગર રહેશે નહીં.