થોડા સમય પહેલા જ રજૂ થયેલી સીરિઝ 'બેડ્સ ઓફ બોલિવુડ'માં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સીરિઝના દિગ્દર્શક આર્યન ખાન અને શાહરુખ ખાનથી એટલી બધી પ્રભાવિત થઈ છે કે આ પિતા-પુત્રની પ્રશંસા કરતાં તેની જીભ સુકાતી નથી.
અદાકારા શાહરુખ ખાનને માત્ર સુપરસ્ટાર જ નથી કહેતી, બલ્કે એક ઉમદા ઇન્સાન અને શ્રેષ્ઠ પિતા પણ ગણાવે છે. અભિનેત્રી કહે છે કે એકમાત્ર હું જ નહીં, શાહરુખ ખાનને મળનારી દરેક વ્યક્તિ તમને એક વાત ચોક્કસ કહેશે કે તે તમને તમારી જાતનું મહત્વ સમજાવશે. તે તમને એ વાતની અનુભૂતિ કરાવશે કે તમે કેટલા મહત્વના છે. અન્યા વધુ કહે છે કે જ્યાં સુધી હું તેમને મળી નહોતી ત્યાં સુધી મને આ વાત નહોતી સમજાઈ. પરંતુ એક માનવી તરીકે તમારું મૂલ્ય થાય તે તમને ગમે જ. અને જ્યારે કોઈ તમને આ વાતની અનુભૂતિ કરાવે ત્યારે તમે અભિભૂત થઈ જાઓ. શાહરુખ ખાન તમારી સાથે એવી રીતે વાત કરશે જાણે જે કાંઈ સારું થઈ રહ્યું છે તે બધું તમારા કારણે જ થઈ રહ્યું છે. અદાકારા ઉમેરે છે કે મને તેમની સાથે વ્યક્તિગત રીતે આટલો બધો સમય પસાર કરવા મળ્યો એ મને શમણાં સમાન લાગે છે. તેઓ જેટલા ઉમદા માનવી છે એટલા જ ઉત્તમ પિતા પણ છે.
વાસ્તવમાં અન્યાએ થોડાં વર્ષ અગાઉ જ તેના પિતાને ગુમાવ્યાં છે. તેથી આર્યન પ્રત્યેની તેમની લાગણી અદાકારાને પોતાના પિતાની યાદ અપાવી દેતી. અન્યા કહે છે કે મેં શાહરુખ ખાનને પોતાના સંતાનો સાથે અત્યંત નિકટથી જોયાં છે. તેઓ આર્યન, સુહાના અને અબ્રામ સાથે જે રીતે વાત કરતાં, તેમના પર પ્રેમ વરસાવતાં તે જોઈને મને મારા પપ્પા સાંભરી આવતાં. જોકે સેટ પરની દરેક વ્યક્તિ સાથે તેમનું વર્તન બહુ સારું રહેતું. એક વખત મેં મારા મનની વાત તેમને કહી દીધી અને તેમણે મને ગળે વળગાડી દીધી તેમાં મને એક પિતાની હૂંફ અનુભવાઈ હતી.
અદાકારા આર્યનની પ્રશંસા કરવાનું પણ ચૂકતી નથી. અન્યા કહે છે કે આર્યન સેટ પર બધાને એકસરખું માન આપતો. આ બાબતે પિતા-પુત્ર એકસમાન છે. બંને બધાને એકસરખું માનસન્માન અને પ્રેમ આપતાં. અભિનેત્રી વધુમાં કહે છે કે આર્યને આ સીરિઝના માધ્યમથી જ દિગ્દર્શન ક્ષેત્રે પહેલું પગલું ભર્યું છે. આમ છતાં તે દરેક કલાકાર પાસેથી પોતાનું ધાર્યું કામ કઢાવતો. સૌથી મહત્વની વાત એ છે કે તે ક્યારેય, કોઈની ઉપર ક્રોધે નહોતો ભરાયો. આટલી નાની વયમાં કોઈ આટલું શાંત-સૌમ્ય-ધૈર્યવાન અને પરિપક્વ શી રીતે હોઈ શકે તે આર્યનને જોઈને સમજાય. માત્ર પોતાની વયના જ નહીં, સીનિયર કલાકાર-કસબીઓ સાથે પણ શી રીતે કામ પાર પાડવું અને આર્યન સારી રીતે જાણતો હતો. ખરેખર તો તે બધાને અંગત રીતે સમજવાનો પ્રયાસ કરતો. તેની સાથે કામ કરતી વખતે તમને ઝટ સેટ પર પહોંચી જવાની ઇચ્છા જાગે.


