અનુષ્કા કૌશિક : અભિનેત્રી બની ને મમ્મી સાથે અબોલા થયા

Updated: Jan 19th, 2023


- અનુષ્કા કૌશિક : અભિનેત્રી બની ને મમ્મી સાથે અબોલા થયા

સહરાનપુર જેવા નાના નગરમાંથી આવેલી એક યુવતી મુંબઇમાં આવીને કેવી કમાલ કરી શકે છે તેનું ઉદાહરણ છે અનુષ્કા કૌશિક.તેણે 'ક્રેશ કોર્સ' અને 'ઘર વાપસી' જેવી વેબ સીરિઝોમાં પોતાની અભિનય ક્ષમતાનો પરચો આપીને સિધ્ધ કર્યું છે કે તમે કઇ જગ્યાએ ઉછર્યાં છો તે મહત્વનું નથી. અગત્યની છે તમારી પ્રતિભા. 

અદાકારા કહે છે કે હું હંમેશાંથી માનતી આવી છું કે માનવી જે ચાહે તે કરી શકે છે. તે ક્યાંથી આવે છે અને કેવી રીતે ઉછર્યો છે તે ગૌણ છે. મને હંમેશાંથી અભિનય માં જ રસ હતો.હું નાનપણથી શાસ્ત્રીય નૃત્ય શીખી છું તેથી મને પહેલેથી એમ થતું કે હું અભિનય સારી રીતે કરી શકીશ. મેં શાળાના સમયમાં પણ અભિનય કર્યો હતો.મારો અભિનય પ્રત્યેનો લગાવ જોઇને અમારા એક શિક્ષકે મને કહ્યું હતું કે દિલ્હી યુનિવર્સિટીનો  સાંસ્કૃતિક વિભાગ બહુ સરસ છે.અને તને એક્ટિંગમાં જ રસ છે  તેથી તું આગળનો અભ્યાસ દિલ્હી યુનિવર્સિટીમાંથી  જ કરજે.અને મેં આ વાત ધ્યાનમાં રાખીને જ દિલ્હી યુનિવર્સિટીમાં એડમનિશન લીધું હતું. મેં તે વખતે સ્ટેજ પર ઘણું કામ કર્યું.

જોકે  અનુષ્કા માટે  સહરાનપુર છોડીને મુંબઇ આવવાનું સહેલું નહોતું. એવું નહોતું કે  તે મુંબઇ આવવાથી ડરતી હતી. બલ્કે તેના પરિવારજનો, ખાસ કરીને તેની માતા તેને આ મહાનગરમાં મોકલવા રાજી નહોતી. અનુષ્કા કહે છે કે મનોરંજ  જગત માટે જેવી વાતો સાંભળવા મળે છે તે જોતાં મારી મમ્મી મને મુંબઇ મોકલવા બિલકુલ તૈયાર નહોતી. હા, મારા પપ્પાને મારા અભિનય ક્ષેત્રે જવાના નિર્ણય સામે કોઇ વાંધો નહોતો. હકીકતમાં તેમન ેપણ ગાયક બનવું હતું. પરંતુ તેમના માટે એ શક્ય નહોતું બન્યું અને તેઓ એન્જિનિયર બની ગયાં. તેથી તેમને મારી અભિનેત્રી બનવાની તમન્ના સારી રીતે સમજાતી હતી. જ્યારે મારી મમ્મી આ બાબતે એટલી નારાજ હતી કે અમે એકબીજા સાથે વાત પણ નહોતા કરતાં.તેમને ક્યારેક મારા પોશાક સામે વાંધો રહેતો તો ક્યારેક અન્ય કોઇ બાબતે.અલબત્ત, મને એ વાતનું કોઇ દુઃખ નથી. મારા મતે આ બધું જનરેશન ગેપને આભારી છે.નવી પેઢી જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે તેના વિચારો, રહેણીકરણી બદલાઇ જતાં હોય છે.હું સમજતી હતી કે મારી મમ્મી જ્યાં હતી ત્યાં જ રહી છે અને આગામી સમયમાં પણ રહેવાની છે.તેથી હું તેની કોઇ વાતનું ખોટું નહોતી લગાડતી. આમ છતાં અમે આપસમાં વાત પણ નહોતા કરતાં.અમને વાત કરવી હોય તો ફોન પર કરતાં. છેવટે મેં તેમને વચન આપ્યું હતું કે હું ક્યારેય કોઇ ખોટું કામ નહીં કરું. 

વેબ સીરિઝોમાં આવવાથી પહેલા અનુષ્કા યુટયુબ પર સક્રિય રહેતીહતી.તે કહે છે કે મારા વિવિધ પ્રકારના વિડિયોએ મને આ ક્ષેત્રે આવવા અને ટકવામાં ઘણી મદદ કરી છે. લોકો પોતાના મોબાઇલ પર વિડિયો ગમે ત્યારે અને ગમે ત્યાં જોઇ શકે છે. પરિણામે જે તે કલાકારના પ્રશંસકોની સંખ્યા વધતી રહે છે. મારી સાથે પણ આમ જ થયું. હું વિડિયોઝના માધ્યથી ઘર ઘરમાં જાણીતી બની ગઇ હતી. હા,મારા રોમાંટિક દૃશ્યો જોઇને અડોશપડોશના લોકો મને વગોવતાં. તેઓ કહેતાં કે શર્માજી કી બેટી યે ક્યા કર રહી હૈ?પરંતુ હવે તેમને મારી આ અદાઓ સમજાવા લાગી છે. જોકે તે વખતે મારી ટીકા થતી તો હું રડી પણ પડતી.

પ્રોજેક્ટ પસંદ કરતી વખતે અનુષ્કા તેની કહાણી અને પોતાના પાત્રને સૌથી વધુ મહત્વ આપે છે. તે કહે છે કે હું એવા રોલ પસંદ કરું છું જેમાં માનવીય ભાવનાઓ રજૂ થતી હોય. હા, એ કિરદારથી મને કેટલો ફાયદો થશે એ વિચારવાનું પણ હું છોડતી નથી. હું રોલનું ચયન કરતી વખતે દર્શકોની પસંદ-નાપસંદ ઉપરાંત મારા ફાયદા વિશે પણ વિચારું છું.

ઝપાટાભેર આગળ વધી રહેલી અનુષ્કાએ તિગ્માંશુ ધૂલિયાના શો 'ગર્મી'નું શૂટિંગ પૂરું કરી લીધું છે. તે કહે છે કે આ શો વિદ્યાર્થીઓના રાજકરણ પર આધારિત છે. તદુપરાંત અરબાઝ ખાનની શિક્ષણ ક્ષેત્રના ગોટાળા ઉઘાડા પાડતી ફિલ્મ 'પટના શુક્લા'નું શૂટિંગ પણ તેણે પૂરું કરી લીધું છે. તે કહે છે કે તેમાં મારીસાથે રવિના ટંડન અને સતીશ કૌશિક પણ છે. તે વધુમાં કહે છે કે આ બંને પ્રોજેક્ટ્સ ઉપરાંત હું અન્ય એક ઓટીટી સીરિઝ પણ કરી રહી છું.


    Sports

    RECENT NEWS