Get The App

અનુપમ ખેરની સાફ વાત : શારીરિક દેખાવ નહીં, પ્રતિભા અને યોગદાન મહત્વનાં છે

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
અનુપમ ખેરની સાફ વાત : શારીરિક દેખાવ નહીં, પ્રતિભા અને યોગદાન મહત્વનાં છે 1 - image

- 'મારા માથા પર વાળ નહોતા એટલે બોલિવુડના દરવાજા પણ બંધ હતા. લોકો મારા માટે જાતજાતની અને ભાતભાતની ટીકા-ટીપ્પણી કર્યા કરતા.' 

ભારતીય  કે આંતરરાષ્ટ્રીય સ્તરના  ફિલ્મ જગતમાં પોતાની કારકિર્દીની શરૂઆત   એક વૃદ્ધ નું    પાત્ર ભજવીને કરી હોય તેવો ભાગ્યે જ   કોઇ અભિનેતા હશે.  હા, હિન્દી ફિલ્મ જગતના આલા દરજ્જાના અભિનેતા અનુપમ ખેર આવા  અભિનતા છે. ફોડ પાડીને કહીએ તો અનુપમ ખેરે પોતાની  અભિનય કારકિર્દીની શરૂઆત સારાંશ(૧૯૮૪) ફિલ્મમાં બી.વી.પ્રધાન નામના વૃદ્ધ--નિવૃત્ત શિક્ષકની ભૂમિકા સાથે કરી છે.

આશ્ચર્યની બાબત તો એ છે કે   સારાંશ ફિલ્મ વખતે  અનુપમ ખેરની ઉંમર ફક્ત ૨૮ વર્ષની હતી. ન માની શકાય તેવી હકીકત તો એ હતી કે ૨૮ વર્ષની યુવાન વયે અનુપમ ખેરના માથા પર બહુ જ ઓછા વાળ હતા. એમ કહો કે અનુપમ   મુંડો  થઇ ગયા હતા. આજે પણ છે. જોકે  આ જ  યુવાન  અનુપમ ખેરે સારાંશ  ફિલ્મમાં પોતાના  અદભુત અભિનયથી  બી.વી.પ્રધાનની ભૂમિકા જીવંત બનાવી દીધી. પહેલી જ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનેતાનો  ફિલ્મફેર એવોર્ડ પણ મેળવ્યો.  બે નેશનલ  એવોર્ડ્ઝ, આઠ ફિલ્મફેર એવોર્ડ્ઝ, પદ્મશ્રી,પદ્મભૂષણ વગેરે જેવાં ઉજળાં સન્માન મેળવાનારા અનુપમ  ખેર આજે  બોલીવુડના આદરણીય અભિનેતા છે.   નિર્માતા,દિગ્દર્શક પણ બની ગયા છે.  અભિનયની તાલીમ આપતી સ્કૂલનું સંચાલન પણ કરે છે. હજી હમણાં જ  અનુપમ ખેરના   દિગ્દર્શનમાં બનેલી :  તન્વી, ધ ગ્રેટ  : ફિલ્મ પણ રજૂ થઇ છે. ભારતીય લશ્કરના ઓફિસરના અને તેની પુત્રીના સાહસિક  જીવન પર બનેલી આ  સત્યકથાને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હોવાના અખબારી અહેવાલ પ્રસિદ્ધ  થયા છે. 

તન્વી , ધ ગ્રેટ ફિલ્મના પ્રમોશન   પ્રસંગે અનુપમ ખેરે ૧૯૮૧ના  પોતાની કારકિર્દીના શરૂઆતના તબક્કે   તેમના માથા પર બહુ જ ઓછા વાળ હોવાથી કેવા કેવા અપમાનજનક અનુભવ થયા હતા તેનો ભૂતકાળ યાદ કર્યો હતો.  

અનુપમ ખેરે   થોડી નારાજી સાથે  કહ્યું હતું કે   મને  માથે મુંડો હોવાથી કોઇ નિર્માતા કે દિગ્દર્શક ફિલ્મમાં  ભૂમિકા આપવા રાજી   નહોતા.  આવો   મુંડકો માણસ વળી ફિલ્મોમાં કઇ રીતે કામ કરી શકે ?  વગેરે જેવી ટીકા--ટીપ્પણી પણ થતી. આમ છતાં હું મક્કમ રહ્યો હતો. હું મારા બુલંદ આત્મવિશ્વાસથી બોલીવુડમાં કામ કરવા ઇચ્છતો હતો. આમ પણ મેં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા(એન.એસ.ડી.--દિલ્હી)માંથી ગોલ્ડ  મેડલ સાથે સ્નાતકની ડિગ્રી મેળવી હોવાથી મને મારી અભિનય પ્રતિભા પર ભરપૂર વિશ્વાસ  હતો.  

આજે જોકે મને હિન્દી ફિલ્મ જગતમાં ઘણાં આદર -સત્કાર, સફળતા, પ્રેમ મળ્યાં છે. મારો આજનો શારીરિક દેખાવ સહુને ગમે છે. મારા માથા પર એક પણ વાળ નહીં હોવા છતાં બોલીવુડ સહિત દેશનાં મારાં ચાહકો મને હેન્ડસમ અને સોહામણો અનુપમ કહે છે. 

ભારતના  કુદરતી સૌંદર્યધામ  અને ગિરિ મથક શિમલામાં કશ્મીરી પંડિતના પરિવારમાં જન્મેલા અનુપમ કહે છે, ૧૯૮૧ના   તબક્કે   બોલીવુડમાં  પ્રવેશ કરવા માટે પ્રયાસ કરતો ત્યારે મને અમુક લોકોએ કથા લેખક અથવા તો  કોઇ દિગ્દર્શકના આસિસ્ટન્ટ બનવા સલાહ પણ આપી હતી. કેટલાક લોકોએ તો મારી મજાક કરતાં કહ્યું હતું કે તું, ભલે એન.એસ.ડી.નો ગોલ્ડ મેડલિસ્ટ હોય  પણ તારા માથા પર એક પણ વાળ નથી તો બોલીવુડ તને અભિનેતા તરીકે કઇ રીતે સ્વીકારે ? ભારતનાં  દર્શકોએ તો આવો માથા પર સાવ જ  ટકો હોય તેવો કોઇ અભિનેતા કે હીરો હજી સુધી નથી જોયો.   હાસ્યકલાકાર, ખલનાયક, ચરિત્ર અભિનેતાથી લઇને વિવિધ પ્રકારનાં પાત્રો ભજવી ચૂકેલા અનુપમ ખેર  તેમના ભૂતકાળના સંઘર્ષના દિવસોને વાગોળતાં કહે છે, જુઓ, મારા પહેલા સેક્રેટરી અશોક પંજાબી મને  વીગ પહેરવાની અવારનવાર સલાહ આપતા. હું વળતો સવાલ  કરીને કહેતો,  હું શા માટે  વીગ પહેરું ? તો કહે, તમે ફિલ્મોમાં  માથાના  પર  વાળ  જ ન હોય  તેવો કોઇ હીરો જોયો છે ?  હું વળતો જવાબ આપતો, જો જે, તેવો અભિનેતા કે  હીરો હું  હોઇશ. 

તેઝાબ,  કર્મા,   ચાલબાઝ,  વિજય, ડેડી, રામ લખન, સૌદાગર, લમ્હેં, દિલ વાલે દુલ્હનિયાં લે જાયેંગે,  હમ આપ કે હૈ કોૈન,  સ્પેશિયલ  ૨૬,  કશ્મીર ફાઇલ, ઉંચાઇ વગેરે જેવી મજેદાર અને માણવાલાયક ફિલ્મોમાં પ્રભાવશાળી પાત્રો ભજવનારા અનુપમ ખેર બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે,  જીવનમાં સફળતા કે  સિદ્ધિ  મેળવવા માટે  વ્યક્તિનો શારીરિક દેખાવ કે રૂપરંગ નહીં પણ તેનું  કર્મ, બુદ્ધિ પ્રતિભા, યોગદાન, વિચારધારા, નિષ્ઠા વગેરે પાસાં વધુ મહત્વનાં છે.