FOLLOW US

'ઊંચાઈ'માં નવી ઊંચાઈ સર કરતા અનુપમ ખેર

Updated: Nov 24th, 2022


અનુપમ ખેર તાજેતરમાં જ રાજશ્રી પ્રોડકશનની ફિલ્મ 'ઊંચાઈ'માં અમિતાભ બચ્ચન સાથે દેખાયો છે. સૂરજ બડજાત્યા રચિત આ ફિલ્મ નવેમ્બરમાં રજૂ થઈ ચુકી છે.

રાજશ્રી પ્રોડેકશનની મોટાભાગની ફિલ્મો મિત્રતા પર બની છે. ૧૯૬૪માં 'દોસ્તી' જબરદસ્ત હિટ સાબિત થઈ હતી. અનુપમ સહમત થતા કહે છે કે સૂરજ મારો સારો મિત્ર છે. મેેં મારી પ્રથમ ફિલ્મ 'સારાંશ' તેની સાથે જ કરી હતી. આ ફિલ્મમાં તે પાંચમો આસીસ્ટન્ટ હતો. ત્યારબાદ મેં તેની સાથે 'હમ આપકે હૈ કૌન', 'વિવાહ' અને 'પ્રેમ રતન ધન પાયો' કરી અને હવે 'ઊંચાઈ' તેમની સાથે મારી પાંચમી ફિલ્મ છે.

રાજશ્રી સાથે પોતાના સંબંધો વિશે વધુ વિગતવાર જણાવતા અનુપમ ખેર ઉમેરે છે કે તેમણે મને છત આપ્યું હોવાથી હું તેમનો સ્તંભ બન્યો છું. આ ફિલ્મ થોડી અલગ છે. જો કે આ ફિલ્મ પણ મિત્રતાના થીમ પર છે પણ તેની પૃષ્ઠભૂમિ માઉન્ટ એવરેસ્ટ હોવાથી ફિલ્મ નવી ઊંચાઈ હાંસલ કરે છે.

અનુપમને વાસ્તવિક જીવનમાં ટ્રેકિંગ અત્યંત પસંદ છે. 'ઊંચાઈ'ના શૂટીંગના અનુભવનું વર્ણન કરતા ખેર કહે છે કે હું પહાડી વિસ્તારમાંથી આવ્યો હોવાથી મને ટ્રેકિંગ પસંદ છે અને શૂટીંગની દરેક પળ મેં માણી હતી. પ્રદેશ સખત હોવાથી અને ઠંડી પણ ખૂબ હોવાથી પર્વતો ઉપર ચડ-ઉતર કરવું મુશ્કેલ હતું.

અમિતાભ બચ્ચન અને બોમન ઈરાની જેવા કલાકારો સાથે કામ કરવા બદલ અનુપમે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે સમગ્ર કાસ્ટ સાથે કામ કરવું એક અદ્ભુત અનુભવ હતો. તમામ પોતાના ક્ષેત્રમાં અગ્રણી હતા. પોતાની કળામાં કુશળ હોય તેવા કલાકારો સાથે કામ કરવાથી ઘણુ શીખવા મળે છે અને તમારુ કાર્ય સરળ બને છે. મને ઘણા વર્ષ પછી અમિતજી સાથે કામ કરવાની તક મળી. બોમન સાથે હું કેટલાક સમયથી કામ કરી રહ્યો છું. નીના ગુપ્તા સાથે મેં હાલ કેટલીક ફિલ્મો કરી છે. સારિકા સાથે આ મારી પહેલી ફિલ્મ છે. સૂરજ તેના કામમાં નિપુણ છે. તે ફિલ્મમાં શું કહેવા માગે છે તે સારી રીતે જાણે છે. તે પોતાના ઉદ્દેશ બાબતે સ્પષ્ટ છે.

સૂરજની ફિલ્મો ઘણી વિસ્તૃત હોય છે અને ભારતના અનેક તહેવારોને પ્રકાશિત કરે છે. પણ આ ફિલ્મમાં જીવનનો તહેવાર, ફેસ્ટીવલ ઓફ લાઈફ દર્શકોને જોવા મળશે એવી જાણકારી ખેરે આપી.

અનુપમ એક વ્યસ્ત કલાકાર છે અને તેની પાસે હાલ ઘણા પ્રોજેક્ટો છે. ખેર હાલ કંગના રાણાવતની 'ઈમરજન્સી'માં મહત્વનો રોલ કરી રહ્યો છે. ઉપરાંત 'આઈબી ૭૧' અને પછી સતિશ કૌશિકની 'કાગઝ  ૨'માં પણ કામ કરી રહ્યો છે. અનુપમે કે સી બોકાડિયા સાથે એક ફિલ્મનું નિર્માણ પણ કર્યું છે. આ ફિલ્મના દિગ્દર્શક ગજેન્દ્ર આહિરે છે. ફિલ્મનું હંગામી શિર્ષક 'સિગ્નેચર' છે. ઉપરાંત ખેર 'ટાઈગર નાગેશ્વર રાવ' નામની તેલુગુ ફિલ્મ પણ કરી રહ્યો છે. જો કે એના વિશે વધુ માહિતી આપવાનો તેણે ઈન્કાર કરી દીધો. રવિ તેજા અભિનિત આ ફિલ્મના દિગ્દર્શક વામશી છે. ખેર 'કનેક્ટ' નામની તામિલ ફિલ્મ પણ કરી રહ્યો છે.

'ઊંચાઈ' વિશે અનુપમ ખેર કહે છે કે મારા મતે ઊંચાઈ એટલે તમારી પાસે રહેલી શક્યતાઓ અજમાવવી, નવી ક્ષિતિજોની શોધમાં નીકળવું.       

Gujarat
English
Magazines