- 'બિગ બોસ-17'માં સ્પર્ધક તરીકે અંકિતા અને વિકીએ ભાગ લીધો હતો. તેમાં બન્ને વચ્ચે ખૂબ નોકઝોક થતી. જોકે લગ્ન બાબતે ઉઠેલા સવાલો પર બંનેએ સ્પષ્ટતા કરી કે તેમનો આ સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર ટકેલો છે.
અંકિતા લોખંડેએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૪માં રિયાલિટી શો 'ઈન્ડિયાઝ બેસ્ટ સિનેસ્ટાર્સ કી ખોજ' સાથે કરી હતી. જોકે આ સમયે તેને મોટી ઓળખ તો નહોતી મળી, પણ વર્ષ ૨૦૦૯માં આવેલા ટીવી શો 'પવિત્ર રિશ્તા'એ તેની કિસ્મત બદલી નાખી. આ શોમાં તેણે અર્ચનાનું પાત્ર નિભાવ્યું અને દર્શકોમાં બેહદ લોકપ્રિયતા હાંસલ કરી. તેની સાથે શોમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પણ હતો, જેની સાથે તેની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી ખૂબ જ વખણાઈ. બંને વચ્ચે નિકટતા વધી અને તેમનો સંબંધ લાંબો સમય ચર્ચામાં રહ્યો.
પણ સુશાંત સાથે બ્રેકઅપ પછી અંકિતાના જીવન અને કારકિર્દી બંનેમાં ભારે બદલાવ આવ્યો. વર્ષ ૨૦૧૩માં શો 'એક થી નાયિકા' પછી તે લગભગ સાત વર્ષ સુધી નાના પડદા પરથી ગાયબ રહી. આ દરમ્યાન તેણે પોતે જ કબૂલ કર્યું કે તેને કામ નથી મળી રહ્યું. લોકડાઉન દરમ્યાન સોશિયલ મીડિયા પર તેણે નિખાલસતાથી પોતાના સંઘર્ષની વાત માંડી, જેના કારણે તે ફરી એકવાર સમાચારોમાં ઝળકી. આ જ દરમ્યાન તેણે ફિલ્મી દુનિયામાં પગલા માંડયા અને 'મણિકર્ણિકાઃ ધી ક્વીન ઓફ ઝાંસી'માં કંગના રણૌત સાથે સહાયક ભૂમિકા નિભાવી. આ ફિલ્મથી તેણે એક નવી શરૂઆત કરી. અંગત જીવનની વાત કરીએ તો વર્ષ ૨૦૧૯માં તેનું નામ ઉદ્યોગપતિ વિક્કી જૈન સાથે જોડાયું. સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો વાયરલ થવા લાગી અને વર્ષ ૨૦૨૧માં ૩૬ વર્ષની વયે અંકિતાએ વિક્કી સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી પણ બંને અવારનવાર ચર્ચામાં રહ્યા. વર્ષ ૨૦૨૨માં તેણે રિયાલિટી શો 'સ્માર્ટ જોડી'માં ભાગ લીધો અને વિજેતા પણ બની. ત્યાર પછી તેણે બિગ બોસ ૧૭માં સ્પર્ધક તરીકે ભાગ લીધો. શોમાં તેના અને વિક્કી વચ્ચેની નોકઝોક ખૂબ લોકપ્રિય બની. જો કે લગ્ન બાબતે ઉઠેલા સવાલો પર બંનેએ સ્પષ્ટતા કરી કે તેમનો આ સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર ટકેલો છે.
વિક્કી જૈન છત્તીસગઢના બિલાસપુરથી આવેલો છે અને મહાવીર ગુ્રપમાં મેનેજિંગ ડાયરેક્ટર છે. તેની કંપની કોલ વોશરી, કોલ ટ્રેડિંગ, પાવર પ્લાન્ટ, રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. તે બોક્સ ક્રિકેટ લીગની મુંબઈ ટીમનો સહપ્રાયોજક પણ રહી ચુકેલો છે અને હેલ્થકેરમાં પણ રોકાણ કરી ચુકેલો છે. અહેવાલો મુજબ તેની નેટવર્થ લગભગ ૧૩૦ કરોડ રૂપિયા છે જ્યારે અંકિતાની કુલ સંપત્તિ લગભગ પચ્ચીસ કરોડ જેટલી આંકવામાં આવે છે. બંનેની સહિયારી મિલકત લગભગ ૧૫૫ કરોડ જેટલી થાય છે.
તાજેતરમાં જ આ કપલે ૫,૫૦૦ ચોરસ ફીટમાં ફેલાયેલું એક ઘર ખરીદ્યું છે, જેમાં વીસ પ્રકારના સફેદ રંગોનો ઉપયોગ કરાયો છે. ઘરમાં જ એક ખાનગી થિયેટર અને સ્પા-કમ-મેકઅપ રૂમ જેવી સુવિધા પણ છે. અંકિતા લોખંડેની વાર્તા સાબિત કરે છે કે સ્ટારડમ ભલે ક્ષણિક હોય, પણ આત્મવિશ્વાસ અને ધૈર્યના બળ પર વાપસી કાયમ સંભવ હોય છે.


