અમેરિકન બ્લેક ફિલ્મ ફેસ્ટીવલના ૯મા વાર્ષિક સન્માન સમારોહમાં પ્રસિદ્ધ અભિનેત્રી એન્જેલા બેસેટે કલામાં ઉત્કૃષ્ટતા એવોર્ડ મેળવતી વખતે એક પ્રભાવશાળી ભાષણ આપ્યું હતું. તેણે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ, વૈવિધ્યતા, સમાનતા અને સમાવિષ્ટતા અભિયાનો તેમજ મનોરંજન ઉદ્યોગના ઝડપી પરિવર્તન વિશેની મહત્વપૂર્ણ ચિંતાઓ વ્યક્ત કરી. બેસેટે ચેતવણી આપી કે સમાવિષ્ટતા અને પોતીકાપણાની ભાષાને વધુને વધુ પડકારવામાં અથવા તો મિટાવી દેવામાં આવી રહી છે. આ સાંસ્કૃતિક પરિવર્તન અમૂર્ત નથી પણ ગાઢ રીતે વ્યક્તિગત છે અને વાસ્તવિક કારકિર્દી, મહાત્વાકાંક્ષાઓ અને જીવનોને પ્રભાવિત કરી રહ્યું છે.
બેસેટે જણાવ્યું કે કેવી રીતે ટેકનોલોજી સંયુક્ત સમજદારી કરતાં વધુ ઝડપે વિકસી રહી છે. તેના અવલોકન મુજબ સક્ષમતા અને પ્રગતિના નામે વાર્તાઓ ટુંકાવી દેવામાં તેમજ નીરસ બનાવી દેવામાં આવી રહી છે જેના પરિણામે તેનું ભાવનાત્મક ઊંડાણ અને તેનો આત્મા ખોવાઈ જાય છે. ઉથલપાથલની આવી ઘડીમાં બેસેટે પ્રતિનિધિત્વ બાબતે મહત્ત્વના સવાલો ઊભા કર્યા. આ બદલતા ભાવિમાં અશ્વેત રચયિતાઓની સ્થિતિ શું છે? કોને તેમાં કલ્પના કરવાની, ભાગ લેવાની તેમજ તેની દિશા નક્કી કરવાની તક મળે છે?
પોતાની કારકિર્દીના પ્રારંભિક તબક્કા પર નજર નાખતા બેસેટે જણાવ્યું કે એ સમયે અશ્વેત મહિલાઓને પડદા પર જટિલ અને લાંબા રોલ મળે તેવા બહુ ઓછાં ઉદાહરણો હતાં. કેમેરા પાછળ તો તેનાથી પણ ઓછી તકો હતી. પણ પોતે સમુદાયના સહયોગ અને આશાના બળે ટકી રહી. પોતાના માટે અવકાશ સર્જનારા અશ્વેત સહકલાકારો, સત્ય કહેનારા અગ્રણીઓ અને મૌલિક કથાનકને સમર્થન આપનારા દર્શકોએ તેના સાતત્યને બળ પૂરુ પાડયું. તેણે જણાવ્યું કે અશ્વેત વાર્તાઓ ક્ષણિક પ્રવાહ નહોતી પણ શાશ્વત સત્ય હતી જેમાં જીવંત વાસ્તવિકતા અને સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિબિંબ પડતું હતું.
વ્યાપક સામાજિક વાતાવરણને સંબોધતા બેસેટે કબૂલ કર્યું કે વંચિત સમુદાયો સામે શત્રુતા અને ગેરમાહિતી ફેલાવવામાં આવતી. બેસેટે ઘોષણા કરી કે અશ્વેત રચયિતાઓ ઉદ્યોગ અથવા સમાજની બહારના નથી પણ તેઓ પોતાના સ્વગૃહે છે અને અહીં જ રહેવાના છે.
બેસેટે આશા અને સશક્તિકરણના સંદેશથી ભાષણ સમાપ્ત કર્યું. તેણે પ્રતીકાત્મક સીમાચિહ્નોથી આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી. તેણે સત્તા સ્થાને રહેલા દિગ્ગજોને તેણે પડકાર ફેંક્યો, સગવડના સ્થાને સાહસ અપનાવાની અપીલ કરી.
આ સમારંભમાં અન્ય પ્રભાવશાળી હસ્તીઓનું પણ સન્માન કરાયું. ડ્વેન જોનસનને એન્ટરટેનમેન્ટ આઈકન એવોર્ડ અપાયો અને હોલિવૂડમાં તેણે કેવી રીતે પોતાનો આગવો પથ બનાવ્યો તેની વાત કરાઈ.


